નાઇજિરિયામાં મોટી દુર્ઘટનાઃ માર્ગ અકસ્માતમાં બાવીસ ઍથ્લીટના મૃત્યુ

અબુયા (નાઇજિરિયા): આફ્રિકા ખંડના નાઇજિરિયા (Nigeria)માં ઉત્તર ભાગના કૅનો રાજ્યમાં શનિવારે ગમખ્વાર દુર્ઘટના બની હતી જેમાં એક સ્પોર્ટ્સ ફેસ્ટિવલ (sports festival)માં ભાગ લઈને ઘરે પાછા આવી રહેલા ઍથ્લીટોની બસ પુલ પરથી નીચે પડતાં ઓછામાં ઓછા બાવીસ ઍથ્લીટના મૃત્યુ થયા હતા અને બસમાંના બીજા કેટલાક ઉતારુઓને ઈજા થઈ હતી.
આ હોનારત પાછળનું કારણ તાત્કાલિક જાણી નહોતું શકાયું, પણ કહેવાય છે કે બસ કિરોમાવા બ્રિજ પર હતી ત્યારે ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી અંકુશ ગુમાવ્યો હતો અને કુલ 30 ઉતારુઓ સાથેની આ બસ નીચે પડી હતી.
આ બનાવ કૅનો-ઝારિયા એક્સપ્રેસવે પર બની હતી. તમામ ઍથ્લીટોએ છેલ્લા એક અઠવાડિયા દરમ્યાન દક્ષિણ ભાગમાં આવેલા ઑગન રાજ્યમાં આયોજિત નાઇજિરિયન નૅશનલ સ્પોર્ટ્સ ફેસ્ટિવલમાં ભાગ લઈને પાછા આવી રહ્યા હતા. તેઓ અનેક પ્રકારની રમતો રમ્યા હતા.
ઍથ્લીટો સાથે તેમના કોચ અને અધિકારીઓ પણ હતા. આ એવો સ્પોર્ટ્સ ફેસ્ટિવલ છે જેમાં દર બે વર્ષે દેશભરના ઍથ્લીટો ભેગા થાય છે અને પોતાની કાબેલિયત અને ક્ષમતાની ઝલક આપે છે.
સોમવારનો દિવસ નાઇજિરિયામાં શોક દિન તરીકે પાળવામાં આવશે એવી સરકારે જાહેરાત કરી હતી. દરેક મૃત ઍથ્લીટના પરિવારને 10 લાખ નાઇરા (અંદાજે 54,000 રૂપિયા) તેમ જ અન્નનો પુરવઠો આપવામાં આવશે.