USA vs WI Highlights: નિકોલસ પૂરને ઓછી મૅચમાં ગેઇલનો કયો મોટો વિશ્ર્વવિક્રમ તોડ્યો!
બ્રિજટાઉન: વેસ્ટ ઇન્ડિઝનો નિકોલસ પૂરન શુક્રવારે અહીં ટી-20 વર્લ્ડ કપના સુપર-એઇટ રાઉન્ડમાં ઇંગ્લૅન્ડ સામે મૅચ-વિનર નહોતો બન્યો એમ છતાં તે ટીમના સાથીઓમાં અને અસંખ્ય ચાહકોમાં એક વર્લ્ડ રેકૉર્ડ સાથે છવાઈ ગયો હતો. પૂરને પોતાના જ દેશના ક્રિસ ગેઇલનો એક ટી-20 વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો વિશ્ર્વવિક્રમ તેના કરતાં પણ ઓછી મૅચ રમીને તોડી નાખ્યો હતો.
એક ટી-20 વર્લ્ડ કપમાં સૌથી વધુ 16 છગ્ગા ફટકારવાનો ગેઇલનો 2012ની સાલનો રેકૉર્ડ હતો જે પૂરને 17મો છગ્ગો ફટકારીને તોડી નાખ્યો છે. પૂરને ઇંગ્લૅન્ડ સામેની મૅચમાં 12 બૉલમાં ત્રણ સિક્સર અને એક ફોરની મદદથી અણનમ 27 રન બનાવ્યા હતા.
ગેઇલે 2012ના વિશ્ર્વકપમાં સાત મૅચમાં 16 સિક્સરની મદદથી 222 રન બનાવ્યા હતા. પૂરને આ વખતે માત્ર છ મૅચમાં (ગેઇલ કરતાં એક ઓછી મૅચમાં) 17 છગ્ગાની મદદથી 227 રન બનાવ્યા છે.
Also Read: WI v/s USA : અમેરિકા હાર્યું, પણ હજીયે સેમિ ફાઇનલમાં પહોંચી શકે
2012માં ગેઇલે 222 રન બનાવીને વેસ્ટ ઇન્ડિઝને પહેલી વાર ટી-20 વર્લ્ડ કપ જીતવામાં મોટી ભૂમિકા ભજવી હતી. પૂરને 227 રન બનાવ્યા છે અને વેસ્ટ ઇન્ડિઝની ટીમને સેમિ ફાઇનલમાં પહોંચાડવાની આશા પૂરન તેમ જ શાઇ હોપ, આન્દ્રે રસેલ વગેરે ખેલાડીઓએ જીવંત રાખી છે.
Also Read: T20 World Cup: ભારત શનિવારે જીતીને સેમિ ફાઇનલની લગોલગ પહોંચી શકશે
આ રેકૉર્ડમાં શેન વૉટ્સન અને માર્લન સૅમ્યૂલ્સ 15-15 સિક્સર સાથે ત્રીજા નંબર પર છે. તેમણે પણ ગેઇલની જેમ 2012ના વર્લ્ડ કપમાં સિક્સરનો વરસાદ વરસાવ્યો હતો.