નેમાર 369 દિવસે પાછો મેદાન પર, અલ-હિલાલ ટીમને જિતાડી

અલ એઇન: બ્રાઝિલનો નેમાર ઈજામુક્ત થઈને લગભગ એક વર્ષે પાછો રમવા આવ્યો છે અને આવતાવેંત તેણે એશિયન ચૅમ્પિયન્સ લીગમાં અલ-હિલાલ ટીમને વિજય અપાવ્યો હતો.
369 દિવસ બાદ ફરી મેદાન પર ઊતરનાર નેમારે યુએઇની અલ એઇન ક્લબની ટીમ સામેની સોમવારની મૅચમાં એકેય ગોલ નહોતો કર્યો, પરંતુ ટીમના કેટલાક ખેલાડીઓને ગોલ કરવામાં તેણે ઘણી મદદ કરી હતી.
આ પણ વાંચો: Most followers on Twitter: કોહલીનો વિરાટ કૂદકો, ફૂટબોલર નેમારની જગ્યાએ આવી ગયો બીજા નંબર પર!
અલ-હિલાલ વતી સાલેમ અલ્દાવસરીએ ત્રણ તથા સર્ગેઇ મિલિન્કોવિચે બે ગોલ કર્યા હતા, જ્યારે એક-એક ગોલ રેનાન લૉદી અને અલી અઇબુલાહીએ કર્યો હતો.
નેમારે સાઉદી અરેબિયાની અલ-હિલાલ ટીમ સાથે ઑગસ્ટ, 2023માં કૉન્ટ્રૅક્ટ કર્યો હતો, પણ પગની ઈજા પહેલાં ફક્ત પાંચ મૅચ રમ્યો હતો. ચાર વાર એશિયન ચૅમ્પિયન બની ચૂકેલી અલ-હિલાલ ટીમની સોમવારની મૅચમાં 13 મિનિટ બાકી હતી ત્યારે તેને રમવાનો મોકો મળ્યો હતો અને તેણે પોતાની અસર બતાવી હતી.
આ પણ વાંચો: એક જ દિવસમાં બે ખ્યાતનામ ફૂટબોલરની નિવૃત્તિ
મંગળવારની અલ-નાસર ટીમની ઇરાની ટીમ એસ્ટગલાલ સામેની મૅચ અસલામતીના કારણસર તેહરાનમાંથી રદ કરીને દુબઈમાં રાખવામાં આવી હતી. ઇરાનની ઇઝરાયલ સાથેની યુદ્ધ જેવી સ્થિતિને નજર સમક્ષ રાખીને અને ખેલાડીઓની સલામતીને ધ્યાનમાં લઈને આ પગલું ભરવામાં આવ્યું હતું.