ન્યૂ ઝીલૅન્ડ પહેલી વાર સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ-સિરીઝ જીત્યું, રૅન્કિંગમાં ભારતની મુશ્કેલી વધારી
હૅમિલ્ટન: ન્યૂ ઝીલૅન્ડે સાઉથ આફ્રિકાને સતત બીજી ટેસ્ટમાં હરાવીને શ્રેણીમાં 2-0થી ક્લીન સ્વીપ તો કરી, સાઉથ આફ્રિકા સામે કિવીઓ પહેલી જ વાર ટેસ્ટ-સિરીઝ જીત્યા છે.
એ સાથે, વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)માં ભારતની સ્થિતિ વધુ જટિલ બની છે. ન્યૂ ઝીલૅન્ડે 75.00 પૉઇન્ટ પર્સન્ટેજ સાથે પોતાની સ્થિતિ વધુ મજબૂત કરી લીધી છે. આ યાદીમાં ઑસ્ટ્રેલિયા (55.00) બીજા નંબરે અને ભારત (52.77) ત્રીજા સ્થાને છે.
ભારત હવે ઇંગ્લૅન્ડને વધુ ટેસ્ટ મૅચોમાં હરાવીને બીજા નંબર પર આવી શકશે, પરંતુ ન્યૂ ઝીલૅન્ડના સ્થાને મોખરે થવા ભારતે બહુ જોર લગાવવું પડશે જે મુશ્કેલ લાગે છે, કારણકે પ્રથમ અને બીજા સ્થાન વચ્ચે બહુ મોટું અંતર છે.
બાંગ્લાદેશ (50.00) નંબરે અને પાકિસ્તાન (36.66) પાંચમા ક્રમે છે.
ભારત જો ઇંગ્લૅન્ડ સામેની સિરીઝ જીતશે તો ભારતના પૉઇન્ટ પર્સન્ટેજ 59.52 થશે, જ્યારે ઑસ્ટ્રેલિયાના 55.00 રહેશે.
દરમ્યાન, ઇંગ્લૅન્ડની ટીમ આઠમા નંબરેથી સાતમા નંબરે આવી ગઈ છે. સાઉથ આફ્રિકાની ટીમ આઠમા સ્થાને જતી રહી છે. જોકે એ પહેલાં વેસ્ટ ઇન્ડિઝ છઠ્ઠા નંબરે છે, પરંતુ શ્રીલંકા નવમે છે.
ન્યૂ ઝીલૅન્ડે શુક્રવારના ચોથા દિવસે સાઉથ આફ્રિકા સામે 267 રનના લક્ષ્યાંક સામે ત્રણ વિકેટે 269 રનના સ્કોર સાથે વિજય મેળવ્યો હતો. કેન વિલિયમસન (અણનમ 133 રન)ને મૅન ઑફ ધ સિરીઝનો પુરસ્કાર અપાયો હતો. વિલિયમસને એ સાથે છેલ્લી સાત ટેસ્ટમાં સાત સદી ફટકારી છે. 32મી ટેસ્ટ સદી ફટકારવામાં વિલિયમસન 172 મૅચના આંકડા સાથે મોખરે છે. તેણે સ્ટીવ સ્મિથ (174 ટેસ્ટ), પૉન્ટિંગ (176 ટેસ્ટ) અને સચિન (179 ટેસ્ટ)ને પાછળ રાખી દીધા છે.
આ મૅચમાં સાઉથ આફ્રિકાએ 242 રન બનાવ્યા બાદ કિવીઓની ટીમ 211 રનમાં આઉટ થઈ હતી. સાઉથ આફ્રિકાએ ડેવિડ બેડિંગમના 110 રનની મદદથી 235 રન બનાવ્યા હતા.