કિવી મહિલા ક્રિકેટરનાં એક હાથમાં વર્લ્ડ કપની ટ્રોફી અને બીજાં હાથમાં ચિલ્ડ બિયરનું કૅન…
જાણો, ન્યૂ ઝીલેન્ડની મહિલા ક્રિકેટરોએ વિશ્વવિજેતાપદ કેવી રીતે સેલિબ્રેટ કર્યું…
દુબઈ: ન્યૂ ઝીલેન્ડની મહિલા ક્રિકેટરોએ રવિવારે અહીં પોતાના દેશને પહેલી જ વાર ટી-20 વર્લ્ડ કપની ટ્રોફી અપાવી એટલે બેહદ ખુશ હતી. વર્લ્ડ ચેમ્પિયન ટીમની કોઈ પ્લેયર ગિટાર પર ફેમસ સોન્ગ ગાતી હતી તો બીજી બાજુ ચાર-પાંચ ખેલાડીઓ ટોળે વળીને અભૂતપૂર્વ મજાક-મસ્તીનાં મૂડમાં જશન મનાવતી હતી. કોઈ પ્લેયર બિયર સાથે જીતનાં ઉન્માદમાં હતી તો કોઈએ શ્રેણીબદ્ધ ગીતોથી ડ્રેસિંગ રૂમ ગજાવ્યું હતું.
દુબઈમાં રવિવારે રાત્રે ન્યૂ ઝીલેન્ડની વિમેન્સ ટીમે ફાઈનલમાં સાઉથ આફ્રિકાને 32 રનથી હરાવીને પહેલી વાર ટી-20 વર્લ્ડ કપનો તાજ જીતી લીધો હતો. ટી-20માં સાઉથ આફ્રિકાના પુરુષોની જેમ મહિલાઓ પણ ‘ચોકર્સ’ (છેલ્લી ઘડીએ પરાજિત થનાર) સાબિત થઈ. જૂનમાં મેન્સ વર્લ્ડ કપમાં રોહિત શર્માના સુકાનમાં રમનાર ભારતીય ટીમ સામેની ફાઈનલમાં સાઉથ આફ્રિકાનો પરાજય થયો હતો.
રવિવારે એ પહેલાં, બેંગ્લૂરુમાં ટૉમ લેથમના સુકાનમાં ન્યૂ ઝીલેન્ડની મેન્સ ટેસ્ટ ટીમે ટીમ ઇન્ડિયાને પ્રથમ ટેસ્ટમાં હરાવીને શ્રેણીમાં 1-0થી સરસાઈ લીધી હતી. એ સાથે, ભારતમાં ન્યૂ ઝીલેન્ડ 36 વર્ષે ફરી ટેસ્ટ મૅચ જીતવામાં સફળ થયું છે.
એ રીતે ન્યૂ ઝીલેન્ડ માટે રવિવાર ડબલ સેલિબ્રેશનવાળો સુપર સન્ડે બન્યો હતો.
મહિલા ટી-20 વર્લ્ડ કપમાં ન્યૂ ઝીલેન્ડની ટીમ ભારત સામે જીત્યા બાદ ઓસ્ટ્રેલિયા સામે હારી હતી. જોકે ત્યાર બાદ કિવીઓની ટીમે શ્રીલંકા, પાકિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝને હરાવ્યા બાદ ફાઈનલમાં સાઉથ આફ્રિકાને પરાસ્ત કર્યું.
રવિવારે દુબઈની વિમેન્સ ફાઇનલમાં ન્યૂ ઝીલેન્ડે બેટિંગ મળ્યા પછી પાંચ વિકેટે 158 કર્યા હતા. જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમ 20 ઓવરમાં નવ વિકેટે 126 રન બનાવી શકી હતી. ઓલરાઉન્ડર ઍમેલી કેરને પ્લેયર ઓફ ધ ફાઇનલ અને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટનો અવૉર્ડ અપાયો હતો.
ઐતિહાસિક વિજેતાપદ મેળવ્યા બાદ જીતની ઉજવણી દરમ્યાન કિવી ખેલાડી લીઆ તાહુહુ એક હાથમાં ટ્રોફી અને બીજાં હાથમાં ચિલ્ડ બિયરના ગ્લાસ સાથે ખૂબ નાચી હતી. સુપરસ્ટાર પ્લેયર ઍમેલી કેરે પોતાના ગિટાર પર કિવી લોક ગીતની ધૂ્ન વગાડી હતી જેના તાલ પર બાકીની પ્લેયર્સે ડાન્સ કર્યો હતો.
ટીમની સિનિયર પ્લેયર સુઝી બેટ્સે સાથીઓને ભેગા કરીને સેલિબ્રેશનની સ્પીચ આપી હતી.
ન્યૂ ઝીલેન્ડની ચેમ્પિયન કેપ્ટન સોફી ડિવાઇને ટીમના થીમ સોન્ગથી સૌના દિલ જીતી લીધા હતા.