સ્પોર્ટસ

ન્યૂ ઝીલૅન્ડ આ રેકૉર્ડ માર્જિનથી જીત્યું, ટીમ સાઉધીને પરફેક્ટ ફેરવેલ આપી…

હૅમિલ્ટન: ન્યૂ ઝીલૅન્ડે અહીં સિરીઝની ત્રીજી અને છેલ્લી ટેસ્ટમાં ઇંગ્લૅન્ડને 658 રનનો તોતિંગ લક્ષ્યાંક આપ્યા બાદ એને માત્ર 234 રનમાં ઑલઆઉટ કરીને 423 રનના મોટા તફાવતથી હરાવ્યું હતું. કિવીઓએ આ સાથે ટેસ્ટ-વિજયના પોતાના વિક્રમજનક માર્જિનની બરાબરી કરી હતી. એટલું જ નહીં, ટીમના પીઢ ફાસ્ટ બોલિંગ-ઑલરાઉન્ડર ટિમ સાઉધીને આ વિજયના રૂપમાં પરફેક્ટ ફેરવેલ પણ આપી હતી.

2018માં ન્યૂ ઝીલૅન્ડે ક્રાઈસ્ટચર્ચ ખાતે શ્રીલંકાને 423 રનના માર્જિનથી હરાવ્યું હતું અને એ વિક્રમની બરાબરી આજે કરી હતી.

ટેસ્ટ જગતમાં રનની દ્રષ્ટિએ સૌથી વધુ માર્જિનથી જીત મેળવનારા દેશોમાં ઇંગ્લૅન્ડ મોખરે છે. 1928માં ઇંગ્લૅન્ડે ઑસ્ટ્રેલિયાને 675 રનથી હરાવ્યું હતું.

અહીં હૅમિલ્ટનમાં બેન સ્ટોક્સના સુકાનમાં ઇંગ્લૅન્ડે સિરીઝ 2-1થી જીતી લીધી છે. જોકે ન્યૂ ઝીલૅન્ડે આ મૅચ જીતીને 0-3નો વાઈટ-વૉશ ટાળ્યો છે.

36 વર્ષની ઉંમરના ટિમ સાઉધીની આ 107મી અને અંતિમ ટેસ્ટ હતી. તેણે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. તેણે 107 ટેસ્ટમાં 391 વિકેટ લીધી હતી અને સાત હાફ સેન્ચુરીની મદદથી કુલ 2,245 રન બનાવ્યા હતા. તેના 2,245 રનમાં 98 સિક્સર અને 215 ફોરનો સમાવેશ હતો. સાઉધીએ 15 વખત દાવમાં પાંચ વિકેટની અને એક વખત મૅચમાં દસ વિકેટની સિદ્ધિ મેળવી હતી.

આજે પૂરી થયેલી ટેસ્ટના બીજા દાવમાં સાઉધીએ બે વિકેટ મેળવી હતી.

ઇંગ્લૅન્ડના છેલ્લા દાવના 234 રનમાં જેકબ બેથેલના 76 રન હાઇએસ્ટ હતા અને તેની વિકેટ સાઉધીએ લીધી હતી.
સ્પિનર મિચલ સૅન્ટનરે સૌથી વધુ ચાર વિકેટ તેમ જ સાઉધી તથા મૅટ હેન્રીએ બે-બે વિકેટ લીધી હતી. એક વિકેટ વિલ ઑ’રુરકેને મળી હતી. બેથેલના 76 રન અને જૉ રૂટના 54 રન તેમ જ તેમની સેન્ચુરી પાર્ટનરશિપ પર કિવી બોલર્સે પાણી ફેરવી દીધું હતું.

આ પણ વાંચો…ભારતીય ફીલ્ડરનો અદભુત ડાઇવિંગ કૅચ… વર્લ્ડ નંબર-થ્રી કૅરિબિયન કેપ્ટનને પૅવિલિયન ભેગી કરી

પહેલા દાવમાં ન્યૂ ઝીલૅન્ડે 347 રન અને ઇંગ્લૅન્ડે 143 રન બનાવ્યા હતા. બીજા દાવમાં કિવીઓએ 453 રન બનાવીને બ્રિટિશરોને 658 રનનો મસમોટો ટાર્ગેટ આપ્યો હતો. એ 453 રનમાં કેન વિલિયમસનના 156 રનનો સમાવેશ હતો.
મિચલ સૅન્ટનરે પ્રથમ દાવમાં 76 રન અને બીજા દાવમાં 60 રન બનાવ્યા હતા તેમ જ આખી મૅચમાં કુલ સાત વિકેટ લીધી હતી અને તેને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button