સિફર્ટ-ફિનની જોડીએ ન્યૂ ઝીલૅન્ડને વિક્રમો સાથે વિજય અપાવ્યો…

ચેન્નઈઃ મંગળવારે યુએઇ (20 ઓવરમાં 6/173) સામે ન્યૂ ઝીલૅન્ડે (15.2 ઓવરમાં 0/175) કેટલાક વિક્રમો સાથે આસાનીથી વિજય મેળવી લીધો. ન્યૂ ઝીલૅન્ડ જેવી મજબૂત ટીમ સામે યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)ની ટીમે પોતાનો હાઇએસ્ટ સ્કોર (6/173) નોંધાવ્યો ત્યાર બાદ કિવીઓ 16મી ઓવરમાં વિના વિકેટે 175 રન બનાવીને વિજય મેળવવાની સાથે સુપર-એઇટ રાઉન્ડની નજીક પહોંચી ગયા હતા.
ન્યૂ ઝીલૅન્ડ (NEW ZEALAND)ના બે ઓપનર ટિમ સિફર્ટ (89 અણનમ, 42 બૉલ, ત્રણ સિક્સર, બાર ફોર) અને ફિન ઍલન (84 અણનમ, 50 બૉલ, પાંચ સિક્સર, પાંચ ફોર)ની જોડીએ વિકેટ ગુમાવ્યા વગર 28 બૉલ બાકી રાખીને ન્યૂ ઝીલૅન્ડને 175 રનનો પડકારરૂપ લક્ષ્યાંક 10 વિકેટે અપાવ્યો હતો. સિફર્ટે યુએઇના મુહમ્મદ રોહિદના બૉલમાં સિક્સર ફટકારીને જીત હાંસલ કરી હતી. સિફર્ટ-ફિનની અણનમ 175 રનની ભાગીદારી ટી-20 વર્લ્ડ કપની કોઈ પણ વિકેટ માટેની ભાગીદારીઓમાં સર્વશ્રેષ્ઠ છે. તેમણે બટલર-હૅલ્સની 170 રનની પાર્ટનરશિપનો રેકૉર્ડ તોડ્યો હતો.

મૅન ઑફ ધ મૅચ સિફર્ટ અને ફિનની જોડીએ ન્યૂ ઝીલૅન્ડની વિન્સેન્ટ-મૅક્લમ વચ્ચેની 68 રનની ઓપનિંગ ભાગીદારીનો કિવી રેકૉર્ડ પણ તોડ્યો હતો. સિફર્ટ-ફિનની જોડીએ ટી-20માં કિવીઓના ગપ્ટિલ-વિલિયમસનની 171 રનની પાર્ટનરશિપના રેકૉર્ડને પણ ભૂતકાળ બનાવી નાખ્યો હતો. યુએઇના લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર મુહહમ્મદ રોહિદની બોલિંગમાં સૌથી વધુ રન (3.2 ઓવરમાં 51 રન) બન્યા હતા.

એ પહેલાં, યુએઇને પોતાનો સૌથી મોટો સ્કોર નોંધાવવામાં ખાસ કરીને કૅપ્ટન મુહમ્મદ વસીમ (66 અણનમ, 45 બૉલ, ત્રણ સિક્સર, ચાર ફોર) અને અલીશાન શરાફુ (પંચાવન રન, 47 બૉલ, બે સિક્સર, પાંચ ફોર) જોડીને કારણે સફળતા મળી હતી. તેમની વચ્ચે બીજી વિકેટ માટે 107 રનની ભાગીદારીથી થઈ હતી. આ જોડીએ ન્યૂ ઝીલૅન્ડના મૅટ હેન્રી, લૉકી ફર્ગ્યુસન, જૅકબ ડફી, મિચલ સૅન્ટનર, જેમ્સ નીશૅમ, રચિન રવીન્દ્ર અને ગ્લેન ફિલિપ્સ જેવા સાત અનુભવી બોલરનો સમજદારીથી સામનો કરીને કિવીઓને 174 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપ્યો હતો. હેન્રી સૌથી વધુ બે વિકેટ લઈ શક્યો હતો.
એક તબક્કે ચેપમેનની બાઉન્ડરી લાઈનની બહારની છલાંગ બાદ (તેણે હવામાં ઉછાળેલા બૉલમાં) મિચલે શરાફુનો કૅચ ઝીલ્યો હતો.



