રૉબિન્સનને પાંચ જીવતદાન મળ્યા પછી પણ ઑસ્ટ્રેલિયા જીત્યું…

માઉન્ટ મૉન્ગેનુઇઃ અહીં ન્યૂ ઝીલૅન્ડ (20 ઓવરમાં 6/181) સામે ઑસ્ટ્રેલિયા (16.3 ઓવરમાં 4/185)એ મૅચમાં આવેલા અનેક વળાંકો પછી પણ સિરીઝની પ્રથમ ટી-20માં વિજય મેળવ્યો હતો.
ખાસ કરીને ઑસ્ટ્રેલિયા (Australia)ના ફીલ્ડર્સની ફીલ્ડિંગ નબળી હતી. ન્યૂ ઝીલૅન્ડ (new Zealand)ના બૅટ્સમેન ટિમ રૉબિન્સને (106 અણનમ, 66 બૉલ, પાંચ સિક્સર, છ ફોર) એ ખરાબ ફીલ્ડિંગનો લાભ લીધો હતો, પરંતુ એમ છતાં માઇકલ બ્રેસવેલની ટીમ સામે મિચલ માર્શની ટીમ જીતવામાં સફળ થઈ હતી.

ન્યૂ ઝીલૅન્ડના ટિમ રૉબિન્સનને કુલ પાંચ જીવતદાન મળ્યા હતા. પંચાવનમા રને મૅટ શૉર્ટે તેનો કૅચ છોડ્યો હતો. 62 તથા 74મા રને ટ્રૅવિસ હેડે તેનો કૅચ પડતો મૂક્યો હતો. ઍલેક્સ કૅરીએ એક સ્ટમ્પિંગનો મોકો ગુમાવ્યો હતો, જ્યારે પાંચમું જીવતદાન 76મા રને ટિમ ડેવિડના હાથે મળ્યું હતું.
કિવીઓએ 182 રનનો લક્ષ્યાંક આપ્યા બાદ ઑસ્ટ્રેલિયાએ મિચલ માર્શના 85 રનની મદદથી વિજય મેળવી લીધો હતો.