સ્પોર્ટસ

અફઘાની સ્પિનર મુજીબના શરૂઆતના બે આંચકા પછી ન્યૂ ઝીલૅન્ડનો હાઇએસ્ટ ચેઝ સાથે વિજય…

ચેન્નઈઃ અહીં મેન્સ ટી-20 વર્લ્ડ કપમાં રવિવારની પ્રથમ મૅચમાં અફઘાનિસ્તાને (afghanistan) ન્યૂ ઝીલૅન્ડને આસાનીથી નહોતું જીતવા દીધું, કારણકે અફઘાનિસ્તાને આપેલા 183 રનના પડકારરૂપ લક્ષ્યાંક બાદ મિચલ સૅન્ટનરના સુકાનમાં ન્યૂ ઝીલૅન્ડે શરૂઆતમાં બે મોટા આંચકા જોવા પડ્યા હતા, પરંતુ પછીથી પોતાના હાઇએસ્ટ ચેઝ સાથે વિજય હાંસલ કર્યો હતો. ન્યૂ ઝીલૅન્ડે 17.5 ઓવરમાં પાંચ વિકેટે 183 રન કર્યા હતા અને ટી-20માં કિવીઓનો આ સૌથી મોટો સફળ ચેઝ છે.

ન્યૂ ઝીલૅન્ડે (new zealand) 183 રનનો ટાર્ગેટ ચેઝ કરવા માટેની સફર શરૂ કરી ત્યારે અફઘાનના કૅપ્ટન રાશીદ ખાને બીજી ઓવર ઑફ સ્પિનર મુજીબ ઉર રહમાનને આપી હતી. એમાં તેણે ત્રીજા બૉલમાં ફિન ઍલન (એક રન)ને અને ચોથા બૉલમાં રચિન રવીન્દ્ર (0)ને ક્લીન બોલ્ડ કરીને તરખાટ મચાવી દીધો હતો. તેણે આ બે ઝટકા આપ્યા એટલે ન્યૂ ઝીલૅન્ડની છાવણીમાં સોપો પાડી દીધો હતો. જોકે પછીથી ઓપનર ટિમ સિફર્ટ (65 રન, 42 બૉલ, ત્રણ સિક્સર, સાત ફોર) અને ગ્લેન ફિલિપ્સ (42 રન, પચીસ બૉલ, એક સિક્સર, સાત ફોર) વચ્ચે ત્રીજી વિકેટ માટે 74 રનની ભાગીદારી થતાં કિવીઓના વિજયની આશા વધી ગઈ હતી.

PTI

ટિમ સિફર્ટે (Tim Seifert) વિકેટ ગુમાવતાં પહેલાં માર્ક ચૅપમૅન (28 રન, 17 બૉલ, એક સિક્સર, બે ફોર) સાથે 36 રનની પાર્ટનરશિપ પણ કરી હતી. છેલ્લે ડેરિલ મિચલ (પચીસ અણનમ, 14 બૉલ, એક સિક્સર, એક ફોર) અને કૅપ્ટન મિચલ સૅન્ટનર (17 અણનમ, આઠ બૉલ, એક સિક્સર, બે ફોર)ની જોડીએ કિવીઓની નૌકા હેમખેમ પાર કરી હતી. અફઘાનિસ્તાન વતી મુજીબની બે વિકેટ ઉપરાંત અઝમતુલ્લા ઓમરઝાઈ, રાશીદ ખાન અને મોહમ્મદ નબીએ એક-એક વિકેટ લીધી હતી.

PTI

એ પહેલાં, અફઘાનિસ્તાને એકમાત્ર ગુલબદીન નઇબ (63 રન, 35 બૉલ, ચાર સિક્સર, ત્રણ ફોર)ની હાફ સેન્ચુરીની મદદથી છ વિકેટે 182 રન કર્યા હતા. કિવી બોલર લૉકી ફર્ગ્યુસને સૌથી વધુ બે વિકેટ લીધી હતી, પરંતુ કિવીઓના સાત બોલર અફઘાનના બૅટ્સમેનોને 182 રનના પડકારરૂપ ટોટલથી વંચિત નહોતા રાખી શક્યા.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button