શનિવારે ભારતની વન-ડે ટીમનું સિલેક્શનઃ કયા બે ખેલાડીઓના નામ પર થઈ શકે વધુ ચર્ચા?

નવી દિલ્હીઃ વડોદરામાં ન્યૂ ઝીલૅન્ડ સામે રમાનારી પ્રથમ વન-ડે સાથે ત્રણ મૅચની સિરીઝનો આરંભ થશે અને એ શ્રેણી માટેની ભારતીય ટીમ (TEAM)ની શનિવારે પસંદગી કરવામાં આવશે એ માટેની મીટિંગમાં વિકેટકીપર-બૅટ્સમૅન રિષભ પંત (PANT) તથા પેસ બોલર મોહમ્મદ સિરાજ (SIRAJ)ના નામ પર વધુ ચર્ચા થવાની સંભાવના છે.
વિરાટ કોહલી, રોહિત શર્મા, શુભમન ગિલ તથા યશસ્વી જયસ્વાલ સિલેક્શન માટેના નક્કી નામ ગણાય છે, જ્યારે હવે તો ઇશાન કિશને ટી-20 ટીમ દ્વારા ટીમ ઇન્ડિયામાં (ટી-20 વર્લ્ડ કપની ટીમમાં) કમબૅક કર્યું હોવાથી તેમ જ ધ્રુવ જુરેલ પણ તીવ્ર હરીફાઈમાં હોવાથી પંતને પસંદ કરવામાં આવશે કે કેમ એમાં થોડી શંકા છે.
ખરું કહીએ તો હેડ-કોચના હોદ્દે ગૌતમ ગંભીર આવ્યો ત્યાર પછી પંતને ફક્ત એક વન-ડે મૅચ રમવા મળી છે. આઠ વર્ષમાં રમેલી 31 વન-ડેમાં પંતની 31.00ની બૅટિંગ સરેરાશ છે. તે ખાસ કરીને ખોટા શૉટ સિલેક્શનની બાબતમાં ચર્ચામાં રહ્યો છે. દેવદત્ત પડિક્કલને ટીમમાં આવવા મળે એની સંભાવના પણ ઓછી છે.
આ પણ વાંચો…IND vs NZ ODI સિરીઝ: જાણો ક્યા અને ક્યારે રમાશે મેચ, આવી હોઇ શકે છે ભારતીય સ્ક્વોડ…
સિરાજને પસંદ નહીં કરવામાં આવવાનો હોય તો મોહમ્મદ શમીને કમબૅક કરવાનો મોકો અપાશે કે કેમ એ ચર્ચાનો વિષય છે. હાર્દિક પંડ્યા તથા જસપ્રીત બુમરાહને ટી-20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને વન-ડે શ્રેણીમાંથી આરામ આપવામાં આવશે એવી શક્યતા છે.
સરફરાઝ ખાન ડોમેસ્ટિક મૅચોમાં સારું રમી રહ્યો છે, પણ ઋતુરાજ ગાયકવાડનો ઘોડો આગળ હોય એવું લાગી રહ્યું છે. જોકે અજિત આગરકરના અધ્યક્ષસ્થાનમાં પાંચ સિલેક્ટરની કમિટી કોઈ સરપ્રાઇઝ આપશે તો નવાઈ નહીં લાગે.



