આ અનુભવી ખેલાડી બનશે ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચ! વિરાટ-રોહિત સાથે રમ્યા છે ક્રિકેટ
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના નવા મુખ્ય કોચની શોધ આ મહિનાના અંતમાં પૂરી થઇ જશે. આઇપીએલની ટીમ કોલકતા નાઇટ રાઇડર્સ KKRના મેન્ટોર અને પૂર્વ ભારતીય બેટ્સમેન ગૌતમ ગંભીર જ ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ બનશે. BCCI આ મહિનાના અંત સુધીમાં ટીમ ઈન્ડિયાના કોચ તરીકે ગંભારની સત્તાવાર જાહેરાત કરશે.
મળતી માહિતી અનુસાર ગંભીરે BCCIને તેના સપોર્ટ સ્ટાફને લાવવા કહ્યું છે. હાલમાં વિક્રમ રાઠોડ ટીમ ઇન્ડિયાના બેટિંગ કોચ છે, પારસ મ્હામ્બરે બોલિંગ કોચ છે અને ટી. દિલીપ ફિલ્ડિંગ કોચ છે. તેઓ રાહુલ દ્રાવિડના સપોર્ટ સ્ટાફનો ભાગ છે, તેથી જો ગંભીર કોચ બનશે તો આ બધાને પણજવું પડશે.
ભારતીય ટીમના વર્તમાન મુખ્ય કોચ રાહુલ દ્રાવિડનો કાર્યકાળ T-20 વર્લ્ડ કપ બાદ પૂરો થશે. BCCIએ થોડા સમય પહેલા ટીમ ઇન્ડિયાના નવા કોચ માટે અરજીઓ મગાવી હતી. એ સમયે એવા અહેવાલ આવ્યા હતા કે રાહુલ દ્રાવિડ આ પદ માટે ફરીથી અરજી નહીં કરે. આવી સ્થિતિમાં ગૌતમ ગંભીર સહિત અનેક દિગ્ગજોના નામ આ રેસમાં સામેલ હતા.
આ પણ વાંચો : Jay Shah સાથેની ચર્ચામાં ગૌતમ ગંભીરની પત્ની નતાશાની નિર્ણાયક ભૂમિકા?
ગૌતમ ગંભીર KKRના મેન્ટોર છે. તેઓ મેન્ટોર બન્યા બાદ KKRની ટીમ પ્રથમ સિઝનમાં જ ટાઇટલ જીતવામાં સફળ રહી હતી. આ બાદ ગંભીરના ટીમ ઇન્ડિયાના કોચ બનવાના સમાચારે જોર પકડ્યું હતું. ગૌતમ ગંભીરે પણ જણાવ્યું હતું કે તેના માટે ટીમ ઇન્ડિયાના કોચ બનવાથી મોટું કોઇ સન્માન નથી. જો તેને તક મળશે તો તે ટીમ ઇન્ડિયાના કોચ બનવા ઇચ્છશે.
ગૌતમ ગંભીર અત્યાર સુધી ક્યારેય કોઇ ટીમનો મુખ્ય કોચ બન્યા નથી. 2022, 2023માં તેઓ લીગમાં લખનઉ સુપર જાયન્ટ્સ સાથે હતા અને તેમને બેક ટુ બેક પ્લે ઑફ માટે ક્વોલિફાય કરવામાં મદદ કરી હતી. આ સિઝનમાં તેઓ KKRમાં જોડાયા હતા.