ચેન્નઈની ટીમને નવો ઝટકો: મુખ્ય બોલરને ઈજા બાદ સ્ટ્રેચર પર લઈ જવાયો
ચેન્નઈ: બાવીસમી માર્ચે આઇપીએલની નવી સીઝન શરૂ થશે અને એ દિવસે ચેન્નઈમાં પહેલી જ મૅચ ડિફેન્ડિંગ ચૅમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર (આરસીબી) વચ્ચે રમાવાની છે. એક તરફ આરસીબીના બધા ખેલાડીઓ ટીમ સાથે પ્રૅક્ટિસ કૅમ્પમાં જોડાવા લાગ્યા છે ત્યાં બીજી બાજુ ચેન્નઈની ટીમને એક પછી એક ખેલાડીની ઈજાના ઝટકા લાગી રહ્યા છે.
બાંગ્લાદેશનો ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહમાન એ ઈજાગ્રસ્તોના લિસ્ટમાં લેટેસ્ટ છે. સોમવારે તેને ચટગાંવમાં શ્રીલંકા સામેની છેલ્લી વન-ડેમાં ઈજા બાદ મેદાન પરથી સ્ટ્રેચરમાં લઈ જવામાં આવ્યો હતો.
ઓપનર ડેવૉન કૉન્વે અને પેસ બોલર મથીશા પથિરાનાને ઈજા થતાં ચેન્નઈની ટીમ ચિંતામાં મૂકાઈ ગઈ છે ત્યાં હવે મુસ્તફિઝુરએ ટેન્શન વધારી દીધું છે. તેને પેટમાં તકલીફ થઈ હતી.
સોમવારે શ્રીલંકા સામેની મૅચમાં લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલરે બે વિકેટ લીધી હતી. જોકે નવમી ઓવર પૂરી કર્યા બાદ તેની શારીરિક તકલીફો વધી ગઈ હતી. તેણે પછીથી કૅપ્ટન નજમુલ શૅન્ટોને પોતાને છેલ્લી ઓવર પૂરી કરવા દેવાની વિનંતી કરી હતી. મુસ્તફિઝુરે ઓવર શરૂ પણ કરી હતી, પરંતુ વાઇડ બૉલ પડ્યા પછી કૅપ્ટન પાસે ગયો અને બોલ્યો કે ‘હું ઓવર પૂરી નહીં કરી શકું. તે એટલો બધો અસ્વસ્થ થઈ ગયો હતો કે તેના માટે સ્ટ્રેચર લાવવામાં આવ્યું હતું.’
મુસ્તફિઝુરને સીએસકેના માલિકોએ બે કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તે અગાઉ મુંબઈ અને દિલ્હીની ટીમ વતી રમ્યો હતો.