સ્પોર્ટસ

સંજય માંજરેકરને કૉમેન્ટેટર્સની પૅનલમાંથી તાબડતોબ કાઢી મૂકો, નેટિઝન્સે કરી માગણી

દુબઈ: અહીં શુક્રવારે ટી-20 વર્લ્ડ કપમાં ભારત અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચેની મૅચ દરમ્યાન ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકરે એક વિવાદાસ્પદ ટિપ્પણી કરી એ બદલ નેટિઝન્સે તેમને કૉમેન્ટેટર્સની પૅનલમાંથી કાઢી મૂકવાની માગણી કરી છે. કારણ એ છે કે માંજરેકર બોલ્યા હતા કે તેઓ ઉત્તર ભારતના ક્રિકેટરોથી ખાસ કંઈ વાકેફ નથી, તેમના પર તેમનું ખાસ કંઈ ધ્યાન નથી હોતું.

આ પણ વાંચો: પાકિસ્તાનમાં ભારતીય ક્રિકેટરો પર અનેક વાર હુમલા થઈ ચૂક્યા છે, જાણો ક્યારે કોના પર અટૅક થયેલો…

વાત એવી છે કે ભારત અને ન્યૂ ઝીલૅન્ડની મૅચ દરમ્યાન કૉમેન્ટેટર્સ ભારતીય ટીમના ફીલ્ડિંગ-કોચ મુનીશ બાલી વિશે ચર્ચા કરી રહ્યા હતા. ત્યારે માંજરેકરના સાથી કૉમેન્ટેટરે કહ્યું કે બાલી પંજાબના ભૂતપૂર્વ ખેલાડી છે અને તેઓ રમવાનું છોડી દીધા પછી ફીલ્ડિંગ-કોચ બન્યા છે.

આ તબક્કે માંજરેકરે વિવાદાસ્પદ કમેન્ટ કરી હતી. તેમણે કહ્યું, ‘હું તેમને ઓળખ્યો નહીં, કારણકે સામાન્ય રીતે હું ઉત્તર ભારતના ખેલાડીઓથી બહુ વાકેફ નથી, તેમના પર ખાસ કંઈ ધ્યાન નથી આપતો.’

માંજરેકર સાથી-કૉમેન્ટેટરને જવાબ આપતા બોલ્યા, ‘સૉરી, મૈંને ઉનકો પેહચાના નહીં. નૉર્થ કે પ્લેયર્સ કે સાથ મેરા ઝ્યાદા ધ્યાન નહીં હોતા.’

આ પણ વાંચો: રોહિત-હાર્દિકની જોડીએ ભારતને ઘણી મૅચો જિતાડી છે

આ સાંભળતાં જ કેટલાક નેટિઝન્સ માંજરેકર પર ગુસ્સે થયા હતા અને મીડિયામાં આક્ષેપ કર્યો હતો કે માંજરેકર મુંબઈ ક્રિકેટ વિશે બધુ જાણે છે, પણ તેમની સરખામણીમાં દેશના અન્યત્ર ભાગના ખેલાડીઓ વિશે કેમ અજાણ છે?
કેટલાક નેટિઝન્સે માગણી કરી હતી કે માંજરેકરને કૉમેન્ટેટર્સની પૅનલમાંથી તત્કાળ કાઢી મૂકવા જોઈએ.

મુનીશ બાલી કોણ છે?
મુનીશ બાલી ભારતની ડોમેસ્ટિક ક્રિકેટના ટોચના કોચ (પ્રશિક્ષકો)માં ગણાય છે. સૌથી પહેલાં તેમણે પંજાબના જુનિયર ખેલાડીઓને કોચિંગ આપ્યું હતું. 2008માં અન્ડર-19 વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમમાં વિરાટ કોહલી, રવીન્દ્ર જાડેજા, મનીષ પાન્ડે, સૌરભ તિવારી, પ્રદીપ સંગવાન જેવા જાણીતા ખેલાડીઓ હતા અને મુનીશ બાલીએ એ ટીમના સહાયક કોચ હતા. ભારતે એ વર્લ્ડ કપની ફાઇનલમાં સાઉથ આફ્રિકાને 12 રનથી હરાવ્યું હતું. થોડા વર્ષ પહેલાં ભારતીય ક્રિકેટ ટીમ આયરલૅન્ડ અને ન્યૂ ઝીલૅન્ડના પ્રવાસે ગઈ હતી ત્યારે રાહુલ દ્રવિડના મદદનીશ કોચ વીવીએસ લક્ષ્મણના સહાયક કોચ તરીકેની ભૂમિકા બાલીએ ભજવી હતી.

ભારતે ન્યૂ ઝીલૅન્ડ સામે આંચકો સહેવો પડ્યો
શુક્રવારે દુબઈમાં ભારતનો ન્યૂ ઝીલૅન્ડ સામે ટી-20 વર્લ્ડ કપની મૅચમાં 58 રનથી પરાજય થયો હતો. ન્યૂ ઝીલૅન્ડના 160/4ના સ્કોર બાદ ભારતીય ટીમ 161 રનનો લક્ષ્યાંક મળ્યા બાદ 19 ઓવરમાં 102 રનના સ્કોર પર આઉટ થઈ ગઈ હતી. કૅપ્ટન હરમનપ્રીત કૌરના 15 રન ટીમમાં હાઈએસ્ટ હતા. કિવી કૅપ્ટન સૉફી ડિવાઇને 36 બૉલમાં સાત ફોરની મદદથી અણનમ 57 રન બનાવ્યા હતા અને પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ જીતી લીધો હતો. કિવી પેસ બોલર રૉઝમૅરી મેઇરે 19 રનમાં સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button