નેધરલૅન્ડ્સે નામિબિયાને હરાવી સુપર-એઇટની આશા જીવંત રાખી…

નવી દિલ્હીઃ નેધરલૅન્ડ્સે (Netherlands) શનિવારે કોલંબોમાં ટી-20 વર્લ્ડ કપની પહેલી જ મૅચમાં પાકિસ્તાનની સાત વિકેટ લઈને એને આસાનીથી ન જીતવા દીધું ત્યાર બાદ મંગળવારે નેધરલૅન્ડ્સે નામિબિયા (Namibia) સામે સાત વિકેટના માર્જિનથી જીતીને ટોચના આઠ દેશ વચ્ચેના સુપર-એઇટ રાઉન્ડમાં પહોંચવાની આશા જીવંત રાખી હતી. ગેરાર્ડ ઇરેસ્મસના સુકાનમાં નામિબિયાએ બૅટિંગ મળ્યા પછી આઠ વિકેટે 156 રન કર્યા હતા જેના જવાબમાં સ્કૉટ એડવર્ડ્સની કૅપ્ટન્સીમાં નેધરલૅન્ડ્સે 18 ઓવરમાં ત્રણ વિકેટે 159 રન કરીને વિજય મેળવી લીધો હતો અને પહેલા બે પૉઇન્ટ મેળવી લીધા હતા.
નામિબિયાનો ચોથો વર્લ્ડ કપ
ભારતના ભૂતપૂર્વ સફળ હેડ-કોચ ગૅરી કર્સ્ટન આ વખતે નામિબિયાની ટીમના ક્નસલ્ટન્ટ છે અને આ ટીમનો આ સતત ચોથો ટી-20 વર્લ્ડ કપ છે. આફ્રિકા ખંડના નામિબિયા દેશે 2021, 2022 અને 2024ના વિશ્વ કપમાં પણ ભાગ લીધો હતો.

છેલ્લી બે વખત નામિબિયાએ વિજયી શરૂઆત કરેલી
નામિબિયાએ 2021ના વર્લ્ડ કપમાં પ્રથમ મૅચ શ્રીલંકા સામે સાત વિકેટે હારી ગયા બાદ 2022માં પોતાના બીજા વિશ્વ કપમાં ભૂતપૂર્વ ચૅમ્પિયન શ્રીલંકાને પહેલી જ મૅચમાં પંચાવન રનથી હરાવીને સનસનાટી મચાવી દીધી હતી. ત્યાર પછી 2024ના વર્લ્ડ કપમાં નામિબિયાએ ઓમાન સામેની મૅચ ટાઇ પછીની સુપર ઓવરમાં જીતીને વિજયી આરંભ કર્યો હતો. જોકે આ વખતે એણે ફરી એક વખત પરાજય સાથે શરૂઆત કરી છે. નેધરલૅન્ડ્સ સામેની મૅચમાં નામિબિયાએ જે ભૂલ કરી એ સુપર-એઇટ રાઉન્ડ માટેની આશા જીવંત રાખવા સુધારી લેવી પડશે.
બાસ ડિલીડ મૅન ઑફ ધ મૅચ
નાબિબિયાનો યૅન નિકૉલ લૉફ્ટી-ઇટૉન (42 રન, 38 બૉલ, બે સિક્સર, એક ફોર) હાફ સેન્ચુરી ફટકારવામાં નિષ્ફળ ગયો હતો. તેના આ યોગદાનની મદદથી નામિબિયાએ 20 ઓવરમાં આઠ વિકેટે 156 રન કર્યા હતા. નેધરલૅન્ડ્સના આઠ બોલર આક્રમણમાં હતા જેમાંથી ચાર બોલરને વિકેટ મળી શકી હતી. લૉગેન વૅન બીક અને બાસ ડિલીડે બે-બે વિકેટ મેળવી હતી. બાસ ડિલીડે એક બૅટ્સમૅનને રનઆઉટ પણ કર્યો હતો. પછીથી બાસ ડિલીડે (72 અણનમ, 48 બૉલ, ચાર સિક્સર, પાંચ ફોર) બૅટિંગમાં પણ બહુમૂલ્ય યોગદાન આપ્યું હતું. તેણે કૉલિન ઍકરમૅન (32 રન) સાથે 70 રનની અને ક્ૅપ્ટન સ્કૉટ એડવર્ડ્સ (18 અણનમ) સાથે 43 રનની અતૂટ ભાગીદારી કરી હતી. ઑલરાઉન્ડર બાસ ડિલીડને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.

હવે નામિબિયા રમશે ભારત સામે
કર્સ્ટનના માર્ગદર્શનમાં નામિબિયા હવે ગુરુવારે દિલ્હીમાં ભારત સામે રમશે. બીજી તરફ, નેધરલૅન્ડ્સનો હવે પછીનો મુકાબલો શુક્રવાર, 13મી ફેબ્રુઆરીએ ચેન્નઈમાં યુએસએ સામે છે.



