સ્પોર્ટસ

નેપાળને 12 વર્ષથી જીતવા નથી મળ્યું, ગુરુવારે ઇટલીનું આવી બન્યું!

મુંબઈઃ નેપાળ દેશ છે ખૂબ નાનો, પણ આ વખતના ટી-20 વર્લ્ડ કપમાં એના જેટલી બોલબાલા અત્યારે કોઈની નથી, કારણકે રોહિત પૉડેલની કૅપ્ટન્સીમાં આ હિમાલિયન રાષ્ટ્રની ટીમે રવિવાર, આઠમી ફેબ્રુઆરીએ હૅરી બ્રૂકના નેતૃત્વમાં રમનાર ઇંગ્લૅન્ડની ટીમને જે લડત આપી હતી એ વર્ષો સુધી યાદ રહેશે અને હવે ગુરુવારે (બપોરે 3.00 વાગ્યાથી) એ જ લડાયક નેપાળની ટીમ ઇટલી (ITALY) સામે મૅચ રમાવાની છે જેમાં ઇટલીના ખેલાડીઓ કેટલા મોટા માર્જિનથી હારશે એ ગણતરીના કલાકોમાં ખબર પડી જશે.

ઇટલીનો આ પહેલો ક્રિકેટ વર્લ્ડ કપ છે અને નેપાળ (NEPAL)ની ટીમ 12 વર્ષથી વર્લ્ડ કપમાં એક પણ મૅચ નથી જીતી. નેપાળના ખેલાડીઓ હવે જીતના ભૂખ્યા થયા છે. બે વખત વર્લ્ડ ચૅમ્પિયન બની ચૂકેલા ઇંગ્લૅન્ડ સામે ગયા ગુરુવારે તેઓ જરાક માટે વિજયથી વંચિત રહી ગયા હતા. ઇંગ્લૅન્ડે સાત વિકેટે 184 રન કર્યા બાદ નેપાળની ટીમ જબરદસ્ત ફાઇટબૅક સાથે વિજયની લગોલગ પહોંચી ગઈ હતી. નેપાળે 20 ઓવરમાં છ વિકેટે 180 રન કર્યા હતા અને બોલર સૅમ કરૅન તેમના વિજયને આડે આવી ગયો હતો.

નેપાળે 2014માં ટી-20 વર્લ્ડ કપમાં ડેબ્યૂ કર્યું હતું અને એ વર્લ્ડ કપમાં એણે હૉન્ગ કૉન્ગ અને અફઘાનિસ્તાનને પછડાટ આપી હતી, પણ ત્યાર પછીના 12 વર્ષમાં નેપાળને એકેય મૅચ નથી જીતવા મળી એટલે ગુરુવારે ઇટલીનો એ કોળિયો કરી જશે તો નવાઈ નહીં લાગે. ઉલ્લેખનીય છે કે જે ટીમમાં ટી-20 આંતરરાષ્ટ્રીયનો ફાસ્ટેસ્ટ હાફ સેન્ચુરિયન (દીપેન્દ્ર સિંહ એઇરી-નવ બૉલમાં 50 રન) હોય એ ટીમ કેટલી મજબૂત છે એનો અંદાજ ત્યાં જ આવી જાય છે.

ટી-20 ઇન્ટરનૅશનલમાં ઇટલી છેલ્લી પાંચમાંથી ચાર મૅચ હારી છે, જ્યારે નેપાળની ટીમ છેલ્લી પાંચમાંથી ચાર મૅચ જીતી છે. આ છે ગુરુવારની બન્ને હરીફ ટીમ વચ્ચેનો ફરક. 2024ના ગયા વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામે નેપાળનો ફક્ત 21 રનથી અને સાઉથ આફ્રિકાની બળૂકી ટીમ સામે માત્ર એક રનથી પરાજય થયો હતો. પછીથી સાઉથ આફ્રિકાની ટીમ રનર-અપ બની હતી.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button