ટચૂકડા નેપાળે હારતાં પહેલાં બ્રિટિશરોના શ્વાસ થંભાવી દીધા…

ઇંગ્લૅન્ડ માત્ર ચાર રનથી જીતી શક્યુંઃ કૅપ્ટન હૅરી બ્રૂક નેપાળી બૅટ્સમેનો પર આફરીન
મુંબઈઃ વાનખેડે (WANKHEDE)માં હૅરી બ્રૂકની કૅપ્ટન્સીમાં ઇંગ્લૅન્ડની ટીમની રવિવારે જાણે એક ઘાત જ ગઈ સમજો. બ્રિટિશરો મોટી નામોશીથી બચી ગયા હતા, કારણકે નેપાળ જેવા ટચૂકડા દેશની ટીમ સામે એણે મહામહેનતે વિજય મેળવવો પડ્યો હતો.
ઇંગ્લૅન્ડે બૅટિંગ લીધા પછી સાત વિકેટે 184 રન કર્યા ત્યાર બાદ નેપાળની ટીમ વિજયની લગોલગ પહોંચી ગઈ હતી, પરંતુ ભારતના આ પાડોશી દેશની ટીમ 20 ઓવરમાં છ વિકેટે 180 રન બનાવી શકી અને ફક્ત ચાર રનથી પરાજિત થઈ હતી.

નેપાળ (NEPAL) વતી દીપેન્દ્ર સિંહ એઇરીએ સૌથી વધુ 44 રન અને કૅપ્ટન રોહિત પૉડેલ તથા લોકેશ બામે 39-39 રન કર્યા હતા. 20મી ઓવર ઇંગ્લૅન્ડના સૅમ કરૅનની હતી જેમાં નેપાળે જીતવા 10 રન કરવાના હતા, પરંતુ માત્ર પાંચ રન થઈ શક્યા અને ઇંગ્લૅન્ડ (ENGLAND)ના ખેલાડીઓએ ચાર રનથી જીત મેળવીને રાહતનો શ્વાસ લીધો. ઇંગ્લૅન્ડના લિઆમ ડૉસને સૌથી વધુ બે વિકેટ તેમ જ સૅમ કરૅન ઉપરાંત વિલ જૅક્સ, જોફ્રા આર્ચર અને લ્યૂક વૂડે એક-એક વિકેટ મેળવી હતી.
એ પહેલાં, ઇંગ્લૅન્ડની ઇનિંગ્સમાં જૉસ બટલર (જેકબ બેથેલ (પંચાવન રન, 35 બૉલ, ચાર સિક્સર, ચાર ફોર), કૅપ્ટન હૅરી બ્રૂક (53 રન, 32 બૉલ, ત્રણ સિક્સર, ચાર ફોર) અને વિલ જૅક્સ (39 અણનમ, 21 બૉલ, ચાર સિક્સર, એક ફોર)ની આતશબાજીએ વાનખેડેનું સ્ટેડિયમ ગજવી નાખ્યું હતું.
આ જ સ્ટેડિયમમાં શનિવારે સૂર્યકુમાર યાદવે પ્રેક્ષકોને ખુશ કરી દીધા હતા અને રવિવારે ઇંગ્લૅન્ડના બૅટ્સમેનોએ અને પછીથી (પરાજિત થતાં પહેલાં) નેપાળના બૅટ્સમેનોએ પ્રેક્ષકોનો રવિવાર સફળ બનાવ્યો હતો. ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ બદલ ઇંગ્લૅન્ડના વિલ જૅક્સને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.
ઇંગ્લેન્ડનો સુકાની હૅરી બ્રૂક નેપાળના બેટ્સમેનો પર આફરીન હતો. તેણે મૅચ બાદ કહ્યું, ‘ અમારા આદિલ રાશીદની બોલિંગનો નેપાળના બેટ્સમેનોએ જે રીતે સામનો કર્યો અને રન કર્યા એ બદલ તેમને દાદ દેવી પડે. આવું ક્યારેક જ જોવા મળ્યું છે.’



