નીરજ એક જ થ્રોમાં જીત્યો સિલ્વર, પાકિસ્તાનના નદીમે એક જ થ્રોમાં બધાને ઠંડા પાડી દીધા
પૅરિસ: ઑલિમ્પિક્સમાં ગુરુવારે મધરાત બાદ યોજાયેલી ભાલાફેંકની ફાઈનલમાં ભારતનો નીરજ ચોપડા ગોલ્ડ મેડલ ડિફેન્ડ કરવામાં નિષ્ફ્ળ ગયો હતો, પરંતુ તેણે એક જ વાર ભાલો સફળતાપૂર્વક ફેંકીને સિલ્વર મેડલ પર કબજો કરી લીધો હતો. તેણે એ સફળ પ્રયાસમાં ભાલો 89.45 મીટર દૂર ફેંક્યો હતો.
ટૂંકમાં, નીરજ માટે રજતચંદ્રક જીતવા માટે એક જ થ્રો પૂરતો હતો. તેના છમાંથી પાંચ ફાઉલ-થ્રો (ક્ષતિયુક્ત અને નિષ્ફ્ળ) હતા. જોકે તેના માટે એક જ થ્રો પાકિસ્તાનના નદીમને બાદ કરતા બાકીના તમામ 10 હરીફોને હરાવવા પૂરતો હતો. તેણે ભારત વતી એક જ રમતમાં બૅક-ટુ-બૅક ઇન્ડિવિજયૂઅલ ઑલિમ્પિક મેડલ જીતીને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. નીરજના પરિવારમાં અને મિત્રગણમાં તેમ જ તેના અસંખ્ય ચાહકોમાં ગુરુવારે મોડી રાત સુધી ઉજવણીનો માહોલ હતો.
બીજી બાજુ, પાકિસ્તાનના અર્શદ નદીમે શરૂઆતમાં જ ભાલો 92.97 મીટર દૂર ફેંકીને બાકીના સ્પર્ધકોને ચોંકાવી દીધા હતા અને ઝાંખા પાડી દીધા હતા.
નીરજને રાત્રે જ સોશિયલ મીડિયામાં અભિનંદનના સંદેશ મળવા લાગ્યા હતા.
પાકિસ્તાનનો અર્શદ નદીમ 92.97 મીટરના નવા ઑલિમ્પિક રેકોર્ડ સાથે શરૂઆતથી છેક સુધી પ્રથમ રહીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. અર્શદે એન્ડ્રિયાસ થોરકિડસેનનો 2008 બીજીંગ ઑલિમ્પિક્સનો 90.57 મીટરનો 16 વર્ષ જૂનો ઑલિમ્પિક-રેકૉર્ડ તોડ્યો હતો. વર્લ્ડ રેકોર્ડ ચેક રિપબ્લિકના યેન ઝેલેસની (98.48 મીટર)ના નામે છે.
પાકિસ્તાન પહેલી વાર ઑલિમ્પિક્સમાં વ્યક્તિગત હરીફાઈમાં ગોલ્ડ મેડલ જીત્યું છે. પાકિસ્તાનને 32 વર્ષે પહેલી વાર ઑલિમ્પિક મેડલ અને પ્રથમ વાર એથ્લેટિક્સનો મેડલ મળ્યો છે.
ઐતિહાસિક મેડલને લઈને પાકિસ્તાનમાં ગુરુવારે રાત્રે ઈદની ઉજવણી જેવો માહોલ હતો.
અર્શદ નદીમ કાતિલ ફોર્મમાં હતો. તેણે છેલ્લા પ્રયાસમાં ભાલો ફરી એક વાર 90-પ્લસ મીટર (91.79 મીટર) દૂર ફેંકીને ઑલિમ્પિક્સમાં નવો ઇતિહાસ રચ્યો હતો.
ગ્રેનાડાનો એન્ડરસન પીટર્સ (88.54 મીટર) બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
Also Read –