2021માં નીરજ ચોપડાનો ટોક્યોમાં ઐતિહાસિક મેડલ અને 2025માં ટોક્યોમાં જ પતન | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

2021માં નીરજ ચોપડાનો ટોક્યોમાં ઐતિહાસિક મેડલ અને 2025માં ટોક્યોમાં જ પતન

ટોક્યોઃ જાપાનના પાટનગર ટોક્યો (Tokyo)માં વરસાદના વિઘ્ન વચ્ચે ગુરુવારે યોજાયેલી ભાલાફેંકની વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ભારતનો ડિફેન્ડિંગ ચૅમ્પિયન નીરજ ચોપડા તેમ જ સચિન યાદવ એક પણ મેડલ નહોતા જીતી શક્યા તેમ જ પાકિસ્તાનનો પૅરિસ ઑલિમ્પિક ચૅમ્પિયન અર્શદ નદીમ પણ વહેલો સ્પર્ધાની બહાર ફેંકાઈ ગયો હતો, જ્યારે ટ્રિનિદાદ ઍન્ડ ટૉબેગોનો કેશૉર્ન વૉલ્કોટ (Walcott) પ્રથમ ક્રમે રહીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. 2012નો આ કૅરિબિયન ઑલિમ્પિક ચૅમ્પિયન પહેલી જ વાર વર્લ્ડ ચૅમ્પિયન બન્યો છે. ગે્રનાડાનો ઍન્ડરસન પીટર્સ સિલ્વર મેડલ અને અમેરિકાનો કર્ટિસ થૉમ્પસન બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો.

નીરજ ચોપડા (Neeraj Chopra) ઑગસ્ટ 2021માં (ચાર વર્ષ પહેલાં) ટોક્યોમાં 87.58 મીટરના થ્રો સાથે પહેલી વાર ઑલિમ્પિક્સનો ગોલ્ડ મેડલ જીત્યો હતો. એ સાથે તેણે ભાલાફેંકની કરીઅરમાં અપ્રતિમ સફર શરૂ કરી હતી, પરંતુ ગુરુવારે તેણે જાપાનના એ જ શહેરમાં વિશ્વ વિજેતાપદ ગુમાવી દીધું હતું. એટલું જ નહીં, તે અત્યંત ખરાબ પર્ફોર્મન્સને લીધે છેક આઠમા નંબરે રહી ગયો હતો. વિશ્વના શ્રેષ્ઠ સ્પર્ધકોમાંથી એક પણ સ્પર્ધક 90.00 મીટરના જાદુઈ આંકડા સુધી નહોતો પહોંચી શક્યો.

આ પણ વાંચો: ચાહકે મૅચ જોવા 2,000 રૂપિયાની મદદ માગી ત્યારે નીરજ ચોપડાએ આ બધું સ્પૉન્સર કરીને ચોંકાવી દીધો…

સચિન યાદવનો પર્ફોર્મન્સ આખી સ્પર્ધામાં (પાંચેય પ્રયાસમાં) નીરજથી ચડિયાતો હતો. નીરજનો સારામાં સારો 84.03 મીટરનો પર્ફોર્મન્સ હતો. જોકે આ ડિફેન્ડિંગ ચૅમ્પિયન કરતાં યાદવ સહિત બીજા ઘણા સ્પર્ધકોનો દેખાવ સારો હતો. યાદવનો બેસ્ટ પર્ફોર્મન્સ નીરજથી ક્યાંય ચડિયાતો હતો. યાદવનો સર્વશ્રેષ્ઠ દેખાવ 86.27 મીટર હતો.

નીરજ 84.03 મીટરના પર્ફોર્મન્સને લીધે છેક આઠમા સ્થાને રહ્યો હતો. તે પાંચ પ્રયાસમાં 85.00 મીટર સુધી પણ નહોતો પહોંચી શક્યો. તેની શાનદાર કારકિર્દીમાં આ દેખાવ સૌથી ખરાબ કહી શકાય.

મેડલ-વિજેતાઓના પર્ફોર્મન્સ

(1) કેશૉર્ન વૉલ્કોટ (ટ્રિનિદાન ઍન્ડ ટૉબેગો): ગોલ્ડ મેડલ, 88.16 મીટર
(2) ઍન્ડરસન પીટર્સ (ગે્રનાડા): સિલ્વર મેડલ, 87.38 મીટર
(3) કર્ટિસ થૉમ્પસન (અમેરિકા): બ્રૉન્ઝ મેડલ, 86.67 મીટર


નોંધઃ ભારતનો સચિન યાદવ (86.27 મીટર) જરાક માટે બ્રૉન્ઝ મેડલ ચૂકી ગયો હતો.

સતત 26 વખત મંચ પર આવવાની પરંપરા તૂટી

નીરજ ચોપડા ગુરુવારે હારી જતાં સતત 26 વખત મેડલના મંચ પર (પ્રથમ કે બીજા નંબરે આવ્યા બાદ પહેલી જ વખત) આવવાનો રેકૉર્ડ જાળવી નહોતો શક્યો.

2021માં તે ટોક્યોમાં ઑલિમ્પિક્સનો ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારે તે ઑલિમ્પિક્સની ઍથ્લેટિક્સમાં વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યો હતો. ભારતે આઝાદી મેળવી ત્યાર બાદ ઍથ્લેટિક્સમાં ગોલ્ડ મેડલ મેળવનારો પણ તે પ્રથમ ભારતીય ઍથ્લીટ હતો. જોકે તેણે કરીઅરમાં મોટી સ્પર્ધામાં પહેલી વાર આઠમા નંબરની નિરાશા જોઈ છે.

પીઠની ઈજાએ મેડલથી વંચિત રાખ્યો

નીરજ ચોપડાએ ગુરુવારે વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં છેક આઠમા ક્રમે રહ્યા પછી પત્રકારોને કહ્યું, ` છેલ્લા બે અઠવાડિયાથી મને પીઠમાં દુખાવો રહ્યો છે અને એની સારવાર પણ ચાલે છે.’ આ સ્પર્ધામાં નીરજ અને પાકિસ્તાનના અર્શદ નદીમ વચ્ચે હરીફાઈ થવાની પણ સંભાવના હતી, પરંતુ પૅરિસ ઑલિમ્પિક્સનો ચૅમ્પિયન નદીમ માત્ર 82.75 મીટરના નબળા પર્ફોર્મન્સને કારણે ચોથા રાઉન્ડમાં જ સ્પર્ધાની બહાર ફેંકાઈ ગયો હતો.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button