નીરજ ચોપરાનો મિત્ર જ બનશે એની રાહનો કાંટો? પેરિસ ઑલિમ્પકમાં….
ટોક્યો ઑલિમ્પિકમાં જબરદસ્ત થ્રો કરીને નીરજ ચોપરાએ ભારતના ઑલિમ્પિક ઇતિહાસમાં પોતાનું નામ સુવર્ણાક્ષરે નોંધાવી દીધું હતું. આ સફળતાના 3 વર્ષ પછી નીરજની નજર ફરી એકવાર એ ઈતિહાસના પુનરાવર્તન કરીને નવો ઈતિહાસ રચવા જઇ રહ્યો છે. નીરજની આ સફળતાની સાથે જ છેલ્લા 3 વર્ષમાં એક બીજું નામ સતત સામે આવ્યું છે અને તે છે પાકિસ્તાનના અરશદ નદીમ, જે દરેક વખતે નીરજને ટક્કર આપતા રહ્યા છે પરંતુ આ બંને વચ્ચે મિત્રતા પણ એટલી જ સારી રહી છે અને હવે આ મિત્ર નીરજના ગોલ્ડ મેડલ જીતવાની રાહમાં કાંટો બનીને આવી ગયો છે.
પેરિસ ઑલિમ્પિકમાં બધા ભારતીયોની નજર નીરજ ચોપરા પર છે. ટોક્યો ઓલિમ્પિકમાં ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરા આ વખતે પણ ગોલ્ડ મેડલ લાવીને ઐતિહાસિક સિદ્ધિ નોંધાવે એમ હર કોઇ ઇચ્છે છે. આ માટે ક્વોલિફિકેશન મેચ પણ રમાઇ ગઇ અને નીરજ ચોપરાએ એક જ થ્રોમાં ઐતિહાસિક રીતે દૂર ભાલો ફેંકીને કોઇ પણ સમસ્યા વિના સરળતાથી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો. તેણે પહેલો જ થ્રો 89.34 મીટરના અંતરે કરીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો.
જોકે, આવી રીતે એક જ થ્રોમાં ફાઇનલમાં એન્ટ્રી કરનારાઓમાં નીરજ ચોપરા એકલો નથી.
પાકિસ્તાનના જેવલીન ખેલાડી અને નીરજ ચોપરાના મિત્ર અરશદ નદીમે પણ પહેલા જ થ્રોમાં ફાઇનલમાં એન્ટ્રી કરી લીધી હતી. અરશદે 86.59 મીટરના પ્રથમ થ્રો સાથે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. પાકિસ્તાનને પણ ભાલાફેંક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતવાની ઇચ્છા છે. જેમ ભારતીય ચાહકો પણ અરશદ પર નજર રાખતા હોય છે એમ પાકિસ્તાનીઓ પણ નીરજના પ્રદર્શન પર નજર રાખતા હોય છે. હવે પેરિસ ઑલિમ્પિકમાં ફાઇનલમાં બંને ટકરાવાના છે.
ભારત અને પાકિસ્તાનના લોકો અરશદ અને નીરજ વચ્ચેના સંઘર્ષને ક્રિકેટની જેમ કડવાશ, દુશ્મનાવટની નજરે જ જુએ છે. પણ નીરજ અને અરશદ બંને મિત્ર છે. બંને વચ્ચે સ્પર્ધા હોય એ પણ સ્વાભાવિક છે. જોકે, બંને વચ્ચે સ્પર્ધામાં કડવાહટ નથી. 2018માં એશિયન ગેમ્સમાં નીરજે ગોલ્ડ મેડલ અને અરશદે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. બંનેએ એકબીજા સાથે હાથ મિલાવ્યા, એકબીજાને નમન કર્યા હતા અને એકબીજાને અભિનંદન આપ્યા હતા.
ટોક્યો ઑલિમ્પકમાં પણ બંનેની મિત્રતા જોવા મળી હતી, જેમાં નીરજે ગોલ્ડ મેડલ જીત્યો હતો અને અરશદ પાંચમા નંબર પર રહ્યો હતો. જોકે, ત્યાર બાદ એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં અરશદને નીરજનો ભાલો ઉપાડીને ફેંકતા જોવામાં આવ્યો હચો. આ જોઇને ભારતવાસીઓનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. અરશદે નીરજનું ધ્યાન ભટકાવવા આમ કર્યું હોવાના આક્ષેપો થવા લાગ્યા હતા. અંતે નીરજ ચોપરાએ જાહેરમાં આવી પ્રતિક્રિયા આપી હતી કે આ એક સામાન્ય પ્રક્રિયા છે અને કોઈ પણ વ્યક્તિ કોઈનો પણ ભાલો વાપરી શકે છે.
અરશદે પણ એમ જણાવ્યું હતું કે નીરજ તેના મોટા ભાઇ જેવો છે, જેની પાસેથી તે પ્રેરણા લે છે.
બંને ઘણી વાર સ્પર્ધામાં સાથે જોવા મળ્યા છે. ગયા વર્ષની વર્લ્ડ ચેમ્પિયનશીપમાં નીરજને ગોલ્ડ અને અરશદને સિલ્વર મેડલ મળ્યો હતો. નીરજે અરશદને ફોટો માટે પાકિસ્તાનનો ધ્વજ લાવવા કહ્યું. ત્યાં સુધી નીરજે અરશદને તિરંગાની છાયામાં પોતાની સાથે રાખ્યો હતો અને બધાનું દિલ જીતી લીધું હતું.
જોકે, એ વાતને ઘણો સમય વીતી ગયો છે. ત્યાર બાદ પેરિસ ઑલિમ્પિકની તૈયારી કરવા માટે નીરજે કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લીધો નહતો. આ ગેમમાં અરશદે 90.18 મીટરનો રેકોર્ડ થ્રો કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. છેલ્લા એક વર્ષમાં બંનેની ગેમમાં પણ ઘણો સુધાર આવ્યો છે. પેરિસમાં જેવલીન થ્રોની ફાઇનલમાં બંને વચ્ચે જોરદાર ટક્કર થશે, ત્યારે અરશદ નીરજના માર્ગમાં મોટો અવરોધ સાબિત થઇ શકે છે.
Also Read –