
નવી દિલ્હી: ચીનના હાંગઝોઉમાં ચાલી રહેલી 19મી એશિયન ગેમ્સમાં ભારતના સ્ટાર જેવલિન થ્રો એથલીટ નીરજ ચોપરાએ ઈતિહાસ રચ્યો છે. નીરજે આજે ભારતને તેનો કુલ 17મો ગોલ્ડ મેડલ અપાવ્યો છે. નીરજ ચોપરા પાસેથી દેશવાસીઓને ઘણી અપેક્ષા હતી. ત્યારે આજના સમયમાં યુવાનોમાં નીરજ ઘણો પ્રિય થઇ ગયો છે.
જો કે પહેલા પ્રયાસમાં નીરજે કરેલો થ્રો ફાઉલ થયો હતો. પરંતુ કોમેન્ટેટર મુજબ નીરજનો પહેલો થ્રો જે રેકોર્ડ થયો ન હતો તે લગભગ 87 મીટરનો હતો. આથી નીરજે ફરીથી પ્રથમ થ્રો ફેંકવો પડ્યો જેમાં તેણે 82.38 મીટરનો થ્રો કર્યો. નીરજે બીજા પ્રયાસમાં 84.49 મીટરનો થ્રો કર્યો હતો. અને ત્રીજો પ્રયાસમાં પણ એ ફાઉલ થયો હતો. નીરજે ચોથા પ્રયાસમાં 88.88 મીટરનો થ્રો કર્યો હતો. જો કે નીરજે પાંચમા અને છેલ્લા પ્રયાસમાં ફાઉલ કર્યો હતો.
આ ઈવેન્ટમાં ભારતના કિશોર જેનાએ 81.26 મીટરનો પ્રથમ થ્રો કર્યો હતો. જેનાએ ત્રીજા પ્રયાસમાં વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને 86.77 મીટરની ભાલા ફેંકી હતી. જેનાએ છેલ્લા પ્રયાસમાં ફાઉલ કર્યો હતો.
નીરજ ચોપરા માટે આ વર્ષની છેલ્લી ઇવેન્ટ હતી. 25 વર્ષના સ્ટાર એથ્લેટ નીરજે તાજેતરમાં બુડાપેસ્ટમાં આયોજિત વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. જોકે ગયા મહિને તે ડાયમંડ લીગનું ટાઈટલ બચાવી શક્યો નહોતો. નીરજનું વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 89.94 મીટર છે જ્યારે સિઝનનો સર્વશ્રેષ્ઠ થ્રો 88.77 મીટર હતું.
જો કે પાકિસ્તાનના વર્તમાન કોમનવેલ્થ ગેમ્સ ચેમ્પિયન અરશદ નદીમ એક દિવસ પહેલા જ ઈવેન્ટમાંથી ખસી ગયો હતો. કારણ કે અરશદને ઘૂંટણમાં ઈજા છે જેના કારણે તે એશિયન ગેમ્સ 2023માં ભાગ લઈ શક્યો નહોતો. નીરજને સૌથી મોટો ખતરો અરશદ નદીમ તરફથી હતો. અરશદ છેલ્લા કેટલાક સમયથી ભારતીય સ્ટારને ટક્કર આપી રહ્યો હતો.