પહેલા જ થ્રોમાં નીરજ ચોપડા ફાઇનલ માટે ક્વૉલિફાય થઈ ગયો

ટોક્યોઃ ભાલાફેંકમાં ભારતનો વર્લ્ડ ચૅમ્પિયન નીરજ ચોપડા (NEERAJ CHOPRA) જાપાનના પાટનગર ટોક્યોમાં ચાલતી વર્લ્ડ ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપની ફાઇનલ (Final)માં પહોંચી ગયો છે. તેણે ક્વૉલિફિકેશન (Qualification) રાઉન્ડમાં પહેલા જ પ્રયાસમાં ભાલો આવશ્યક મર્યાદા કરતાં દૂર ફેંકીને અંતિમ રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો. ફાઇનલ ગુરુવારે યોજાશે.
ફાઇનલ માટે ક્વૉલિફાય થવા નીરજે જો ભાલો 84.50 મીટર દૂર ફેંક્યો હોત તો પણ ક્વૉલિફાય થઈ ગયો હોત, પરંતુ તેણે ભાલો 84.85 મીટર દૂર ફેંકીને ફાઇનલમાં પોતાનું સ્થાન મજબૂત બનાવી લીધું હતું.
આપણ વાંચો: ચાહકે મૅચ જોવા 2,000 રૂપિયાની મદદ માગી ત્યારે નીરજ ચોપડાએ આ બધું સ્પૉન્સર કરીને ચોંકાવી દીધો…
નવાઈની વાત એ છે કે નીરજ સિવાય બીજો કોઈ પણ ઍથ્લીટ પ્રથમ પ્રયત્નમાં ક્વૉલિફાય નહોતો થઈ શક્યો. બીજી રીતે કહીએ તો નીરજ સિવાય બીજો કોઈ પણ પ્રતિસ્પર્ધી શરૂઆતમાં જ ક્વૉલિફિકેશન રાઉન્ડ પાર નહોતો કરી શક્યો.
નીરજવાળા ગ્રૂપમાં કુલ છ ઍથ્લીટ છે અને હવે ગુરુવારની ફાઇનલમાં વિશ્વ વિજેતા તરીકેનું સિંહાસન બચાવવા તેણે પોતાના ગ્રૂપમાંના પડકારરૂપ પ્રતિસ્પર્ધીઓનો સામનો કરવો પડશે. ખાસ કરીને પાકિસ્તાનના અર્શદ નદીમ સામે પણ તેનો મુકાબલો થશે.
2024ની પૅરિસ ઑલિમ્પિક્સ બાદ પહેલી વાર નીરજ અને નદીમ એક જ સ્પર્ધામાં સામસામે આવશે. પૅરિસ ઑલિમ્પિક ગેમ્સમાં નદીમે ભાલો 92.97 મીટર દૂર ફેંકીને ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. ત્યારે નીરજ 89.45 મીટર સાથે સિલ્વર મેડલ જીત્યો હતો.