નીરજ ચોપડાએ ભાલાફેંકના પાકિસ્તાની મિત્ર નદીમને આપેલા આમંત્રણ પર શું વિવાદ શરૂ થયો છે?

નવી દિલ્હીઃ આવતા મહિને બેંગલૂરુમાં ભાલાફેંકના વર્લ્ડ ચૅમ્પિયન ભારતીય ઍથ્લીટ નીરજ ચોપડા (NEERAJ CHOPRA)ના નામની જે આંતરરાષ્ટ્રીય સ્પર્ધા (JAVELIN THROW EVENT) યોજાવાની છે એમાં ભાગ લેવા માટે ખુદ નીરજ ચોપડાએ તેના પાકિસ્તાની મિત્ર અને ગયા વર્ષે પૅરિસ ઑલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતનાર અર્શદ નદીમને જે આમંત્રણ આપ્યું હતું એના પર વિવાદ ચગ્યો છે. નીરજે પોતાની સામે થઈ રહેલા આક્ષેપો વિશે ખુલાસા કરવા પડ્યા છે. બીજી બાજુ, નદીમે ભારત આવવાનું માંડી વાળ્યું છે.
`નીરજ ચોપડા ક્લાસિક જ્વેલિન થ્રો’ નામની આ ઇવેન્ટ 24મી મેએ યોજાવાની છે જેમાં ખુદ નીરજ ચોપડા ઉપરાંત બે વાર વિશ્વ વિજેતા બનેલા પીટર ઍન્ડરસન, જુલિયસ યેગો, થૉમસ રૉહલર સહિત ઘણા આંતરરાષ્ટ્રીય ઍથ્લીટો ભાગ લેશે. આ ઇવેન્ટ અગાઉ હરિયાણાના પંચકુલામાં યોજાવાની હતી, પરંતુ પૂરતી લાઇટિંગના અભાવે એ બેંગલૂરુના કાંતીરાવા (KANTEERAVA STADIUM) સ્ટેડિયમમાં રાખવાનું નક્કી થયું છે. 27 વર્ષીય નીરજ ચોપડા અને પાકિસ્તાનના ઑલિમ્પિક ચૅમ્પિયન અર્શદ નદીમ (ARSHAD NADEEM) વચ્ચે બહુ સારી મિત્રતા છે. નીરજ ચોપડા ભારતીય લશ્કરમાં છે જેમાં તેને સુબેદાર મેજરનો હોદ્દો અપાયો છે.
નીરજે કર્યો મોટો ખુલાસોઃ
પહેલી વાત તો એ છે કે ટોક્યો ઑલિમ્પિક્સના ચૅમ્પિયન નીરજ ચોપડાએ મીડિયામાં ખુલાસો કર્યો છે કે તેણે મંગળવારે પહલગામમાં આતંકવાદી હુમલો થયો એના બે દિવસ પહેલાં નદીમને તેની ઇવેન્ટ વિશેનું આમંત્રણ મોકલ્યું હતું. નીરજે કહ્યું છે કે હું બહુ બોલતો નથી, પરંતુ એનો અર્થ એવો નથી કે જો કંઈ ખોટું થઈ રહ્યું હોય તો પણ હું ન બોલું. નીરજ ચોપડા ક્લાસિક ઇવેન્ટ માટે નદીમને આમંત્રણ મોકલવા વિશે મીડિયામાં ઘણું બધુ કહેવામાં આવી રહ્યું છે. પહેલી વાત તો એ છે કે આ ઇન્વિટેશન એક ઍથ્લીટ તરફથી બીજા ઍથ્લીટને આપવામાં આવતું હોય એવા ઇરાદાથી જ અપાયું હતું. બીજું, મેં આમંત્રણ પહલગામની આઘાતજનક આતંકી ઘટનાના બે દિવસ પહેલાં બધાની જેમ નદીમને પણ મોકલ્યું હતું.

જોકે મેં નદીમને આમંત્રણ આપ્યું એ મુદ્દે સોશિયલ મીડિયામાં મને વખોડવામાં આવી રહ્યો છે જે ખોટું છે. મારા વિશે અપશબ્દો કહેવામાં આવી રહ્યા છે અને તિરસ્કાર પણ બતાવાઈ રહ્યો છે. ટીકાકારોએ મારા ફૅમિલી મેમ્બરોને પણ નથી છોડ્યા. મારા દેશપ્રેમ સામે પ્રશ્નો કરવામાં આવી રહ્યા છે તેમ જ મારા અને મારા પરિવારનું માન પણ નથી જાળવવામાં આવ્યું.’ નીરજે એવું પણ જણાવ્યું છે કેમેં નદીમને આમંત્રણ મોકલ્યું એના 48 કલાક પછી પહલગામની ઘટના બની. હવે આ ઇવેન્ટમાં નદીમના ભાગ લેવા વિશે કોઈ પ્રશ્ન જ નથી. મેં હંમેશાં મારા દેશને અને દેશના હિતોને પ્રાધાન્ય આપ્યું છે. પહલગામની હૃદયદ્રાવક ઘટનામાં જે લોકોએ જાન ગુમાવ્યા છે તેમના પરિવારોને આ આપત્તિનો સામનો કરવાની ઈશ્વર સહનશક્તિ આપે એવી હું પ્રાર્થના કરું છું.’
નદીમે ડરીને ભારત આવવાનું ટાળ્યું હતું?
પાકિસ્તાનના અર્શદ નદીમે જાહેર કર્યું છે કે 24મી મેની ઇવેન્ટમાં તે ભાગ નહીં લે, કારણકે તે સાઉથ કોરિયાની સ્પર્ધામાં ભાગ લેવાનો છે તેમ જ આગામી એશિયન ચૅમ્પિયનશિપ માટે પ્રૅક્ટિસ પણ કરવાનો છે. જોકે તેણે ભારત ન આવવાનો નિર્ણય મંગળવારની પહલગામની ઘટના બાદ જાહેર કર્યો એનો સીધો અર્થ થાય છે કે તે ભારત આવતા ડરી ગયો છે. ભારત સરકારે ભારતમાંના પાકિસ્તાનીઓને 48 કલાકમાં તગેડી મૂકવાની બુધવારે જાહેરાત કરી એ પહેલાં નદીમે નિર્ણય જાહેર કર્યો હતો.
આપણ વાંચો : કોણ છે Golden Boy Neeraj Chopraની નવી નવેલી દુલ્હનિયા?