સ્પોર્ટસ

ચાહકે મૅચ જોવા 2,000 રૂપિયાની મદદ માગી ત્યારે નીરજ ચોપડાએ આ બધું સ્પૉન્સર કરીને ચોંકાવી દીધો…

બેંગલૂરુઃ ભાલાફેંકમાં બે ઑલિમ્પિક મેડલ જીતી ચૂકેલા અને ભારતીય લશ્કરમાં નાયબ સુબેદારની પ્રથમ પદવી મેળવ્યા બાદ હવે લેફ્ટનન્ટ કર્નલનો હોદ્દો ધરાવતા નીરજ ચોપડા (NEERAJ CHOPRA)એ માનવતા અને ઉદારતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આપ્યું છે. તેના એક ચાહકે તેની (નીરજની) આગામી ટૂર્નામેન્ટની મૅચ જોવા માટે સોશિયલ મીડિયામાં 2,000 રૂપિયાની મદદ માગી ત્યારે નીરજે તેને અનેકગણી વધુ મોટી મદદ કરીને તેને આશ્ચર્યમાં મૂકી દીધો હતો.

પાંચમી જુલાઈએ બેંગલૂરુના કાંતીરવા સ્ટેડિયમમાં નીરજ ચોપડા ક્લાસિક’ નામની ભાલાફેંકની ઇવેન્ટ યોજાવાની છે. કોઇમ્બતુરમાં રહેતો રણજીત ((RANJITH) કુમાર રવિચન્દ્રન ભાલાફેંકની રમતનો ફૅન છે. તેણે સોશિયલ મીડિયા પરના ટવીટમાં એનસી ક્લાસિક (NC CLASSIC) તરીકે જાણીતી આ ઇવેન્ટ જોવા માટેના ખર્ચને પહોંચી વળવા એક્સ (ટ્વિટર) પર રૂપિયા 2,000 સુધીની મદદ (HELP) માગી હતી. રણજીતે ટવીટમાં લખ્યું હતું, કોઈ મારા માટે 2,000 રૂપિયા સ્પૉન્સર કરી આપશો? મારે કોઇમ્બતુરથી બેંગલૂરુ આવીને નીરજ ચોપડાની એનસી ક્લાસિક ઇવેન્ટ જોવી છે.

નીરજ ચોપડાએ રણજીતના આ ટવીટનો પ્રતિસાદ આપીને સમગ્ર ખેલજગતને ચોંકાવી દીધું છે. ટવીટમાં નીરજે રણજીતને ફુલ વીવીઆઇપી’ સન્માન ઑફર કર્યું છે. નીરજે તેના માટે માત્ર વીવીઆઇપી ટિકિટ જ સ્પૉન્સર નથી કરી, પણ સ્ટેડિયમ નજીકની લક્ઝરી હોટેલમાં એક દિવસ માટે તેના રહેવાની વ્યવસ્થા પણ કરી આપી છે. બેંગલૂરુની પાંચમી જુલાઈની ઇવેન્ટ માટેની ટિકિટનો ભાવ 199 રૂપિયાથી માંડીને 44,999 રૂપિયા છે. એક સીટ દીઠ ટિકિટના આ ભાવ સામાન્ય સ્ટૅન્ડથી માંડીને પ્રીમિયમ કોર્પોરેટ બૉક્સ સ્ટૅન્ડ સુધીના છે.

નીરજે તેના આ નસીબવંતા ચાહક માટેની ટવીટમાં લખ્યું છે, નમસ્તે રણજીત, બેંગલૂરુમાં તમારા માટે એક વીવીઆઇપી અનુભવ રાહ જુએ છે, કારણકે તમારા પ્રવાસનો બધો ખર્ચ મારા તરફથી. રૅડિસન્સ હોટેલનો પણ આભાર. તમે (રણજીત) મારાથી માત્ર 90 મીટર દૂરના અંતરે જ રહેવાના છો. સી યુ સૂન.’આ ટવીટમાં `90 મીટર’ લખવા પાછળનો નીરજ ચોપડાનો આશય એ હતો કે તેણે તાજેતરમાં પહેલી જ વખત ભાલાફેંકમાં 90 મીટરનું વિઘ્ન પાર કર્યું હતું. તેણે પોતાના એ લકી નંબર (90)ને ચાહક માટેના ટવીટમાં દર્શાવ્યો હતો.

એનસી ક્લાસિક ઇવેન્ટ આ પહેલાં 24મી મેએ યોજાવાની હતી, પણ ભારત-પાકિસ્તાન વચ્ચેના ઘર્ષણને કારણે એ ઇવેન્ટ મોકૂફ રાખવામાં આવી હતી. નીરજે ત્રણ જ દિવસ પહેલાં ચેક રિપબ્લિકના ઑસ્ટ્રાવામાં ગોલ્ડન સ્પાઇક ઇવેન્ટમાં ભાલો (તમામ હરીફોમાં સૌથી વધુ) 85.29 મીટર દૂર ફેંકીને ગોલ્ડ મેડલ જીતી લીધું હતું. એના ચાર દિવસ અગાઉ પણ તે પૅરિસ ડાયમંડ લીગમાં ટાઇટલ જીત્યો હતો.

આપણ વાંચો : નીરજ ચોપડા ચાર દિવસમાં બીજું ટાઇટલ જીત્યો છતાં કેમ ખુશ નથી?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button