` સ્પેનનો અલ્કરાઝ ટાઇટલ જીત્યો એટલે ડૉનલ્ડ ટ્રમ્પને ઇર્ષા થઇ’, એવું કોણે કેમ કહ્યું?

ન્યૂ યૉર્કઃ અહીં આર્થર ઍશ સ્ટેડિયમમાં રવિવારે યુએસ ઓપન (US Open) ટેનિસની મેન્સ ફાઇનલમાં ઇટલીના વર્લ્ડ નંબર-વન યાનિક સિનર (Sinner)ને હરાવીને સ્પેનનો કાર્લોસ અલ્કરાઝ ચૅમ્પિયન બન્યો તેમ જ સિનરના કબજામાંથી તેણે નંબર-વનની રૅન્ક આંચકી લીધી એ સાથે આખા સ્ટેડિયમમાં અલ્કારાઝ (Alcaraz)ને બિરદાવવા હજારો પ્રેક્ષકોએ તાળી પાડી હતી, પરંતુ સૌમાં આકર્ષણનું કેન્દ્ર બનેલા અમેરિકાના પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પ (Trump) તાળી પાડતાં નહોતા જોવા મળ્યા એને પગલે ભૂતપૂર્વ સર્વોચ્ચ મહિલા ટેનિસ ખેલાડી માર્ટિના નવરાતિલોવાએ ટ્રમ્પને વખોડતું નિવેદન આપ્યું હતું.
અલ્કરાઝે સિનરને 6-2, 3-6, 6-1, 6-4થી હરાવીને બીજી વાર યુએસ ઓપનનું અને કુલ છઠ્ઠું ટાઇટલ જીતી લીધું હતું.
18 ગૅ્રન્ડ સ્લૅમ ટાઇટલ જીતી ચૂકેલા માર્ટિના નવરાતિલોવાએ ફાઇનલ પછી સોશ્યલ મીડિયામાં લખ્યું, ` મેં આ મૅચ દરમ્યાન ક્યારેય ડૉનલ્ડ ટ્રમ્પને તાળી પાડતાં નહોતા જોયા. ક્યારેય નહીં. તેઓ એટલા બધા ઇર્ષ્યાળુ છે કે વાત જ જવા દો.’
બે કલાક અને 42 મિનિટ સુધી ચાલેલી ફાઇનલ અલ્કારાઝ જીત્યો ત્યારે ક્રાઉડ તેની વાહ-વાહ કરીને તેને અભિનંદન આપી રહ્યું હતું ત્યારે ટ્રમ્પ ઉતરેલા મોઢે જોવા મળ્યા હતા.
ફાઇનલ મોડી શરૂ કરવામાં આવી હતી. નવરાતિલોવાએ મૅચ બાદ એવું પણ કહ્યું હતું કે ` ટ્રમ્પના આગમન વખતે સિક્યૉરિટી ચેકને કારણે પ્રેક્ષકોએ અંદર આવવા માટે સ્ટેડિયમની બહાર ભર વરસાદમાં લાંબો સમય રાહ જોતા ઊભા રહેવું પડ્યું હતું. કેટલાક પ્રેક્ષકો આને કારણે શરૂઆતની રમત નહોતા જોઈ શક્યા. બ્રૉડકાસ્ટર્સને પણ યુએસ ઓપનના આયોજક તરફથી કહેવામાં આવ્યું હતું કે ફાઇનલ દરમ્યાન ટ્રમ્પને લગતા બહુ શૉટ પ્રસારિત નહીં કરતા.’
આ પણ વાંચો… ક્વિટૉવા હારી જતાં કૉમેન્ટેટર માર્ટિના નવરાતિલોવા કેમ રડી પડ્યાં?