ચૅમ્પિયન્સ ટ્રોફી માટે ટીમની જાહેરાતમાં આટલો બધો વિલંબ શા માટે? નવજોત સિદ્ધુનો બીસીસીઆઇને અણિયાળો સવાલ…
ઈજાગ્રસ્ત બુમરાહ રમી શકશે કે નહીં એ નક્કી ન હોવાથી ટીમ હજી જાહેર નથી કરાઈ?
નવી દિલ્હીઃ આગામી 19મી ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં શરૂ થનારી વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફી માટે કુલ આઠમાંથી છ દેશે ટીમ જાહેર કરી દીધી છે, પણ ભારતે જાહેર નથી કરી એ સંબંધમાં ભૂતપૂર્વ ભારતીય ઓપનર નવજોત સિંહ સિદ્ધુએ બીસીસીઆઇને નિશાન બનાવી છે.
ચૅમ્પિયન્સ ટ્રોફીને થોડા અઠવાડિયા બાકી છે, પરંતુ ભારતીય ટીમની જાહેરાતમાં વિલંબ થતાં ક્રિકેટપ્રેમીઓ અને ક્રિકેટ પંડિતો હેરાન થઈ ગયા છે.
ભારતની જેમ પાકિસ્તાને પણ હજી ટીમ જાહેર નથી કરી. બાકીના છ દેશો 15 ખેલાડીની ટીમ જાહેર કરી ચૂક્યા છે.
આ ટૂર્નામેન્ટ પાકિસ્તાનમાં રમાશે, પરંતુ ભારતની મૅચો દુબઈમાં રમાશે.
સ્પર્ધાની શરૂઆત 19મી ફેબ્રુઆરીએ પાકિસ્તાન અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચેની મૅચથી થશે, જ્યારે ભારતનો પહેલો મુકાબલો 20મી ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે થશે.
આ પણ વાંચો : કોહલી-અનુષ્કા અલીબાગના વિલામાં જઈ આવ્યા: ચાલો, આપણે પણ એક લટાર મારીએ…
નવજોત સિદ્ધુએ ભારતીય ટીમની જાહેરાતમાં થયેલા વિલંબ બાબતમાં સોશિયલ મીડિયા પર ચિંતા વ્યક્ત કરી છે. તેણે એક્સ’ પર જણાવ્યું છે કેઆઇસીસીના પચીસ વર્ષના ઇતિહાસમાં પહેલી વાર ચૅમ્પિયન્સ ટ્રોફી માટેની ભારતીય ટીમની જાહેરાતમાં વિલંબ થયો છે. 12 જાન્યુઆરીની નિર્ધારિત તારીખ જતી રહી છે. સ્વાભાવિક છે કે ખેલાડીઓના મનમાં મૂંઝવણ થઈ હશે. ભારતની દોઢ અબજ જનતા ટીમની ઘોષણાની કાગડોળે રાહ જુએ છે.’
નવજોત સિંહ સિદ્ધુએ જસપ્રીત બુમરાહ વિશે લખ્યું છે કે બધાની નજર બુમરાહ પર છે. તેનું માત્ર નામ હાલમાં ભારતીય ટીમની ઊંચાઈ દર્શાવે છે અને તેની પ્રતિભાની આખી દુનિયામાં વાહ-વાહ થઈ રહી છે.’ સિદ્ધુએ લખ્યું છે કેબુમરાહની પીઠની ઈજા કેટલી ગંભીર છે એ મુદ્દે જ કદાચ એના પર ટીમની જાહેરાત અટકી છે. આ દિગ્ગજના ખભા પર આખા દેશની આશા નભે છે. ક્રિકેટ જગત બુમરાહની ફિટનેસ અને તેની વિજયી-વાપસીની રાહ જુએ છે.’