T20 World Cup: નવજોત સિધ્ધુની દૃષ્ટિએ ટી-20 વર્લ્ડ કપ જીતવા માટે ભારત નહીં, પણ આ ટીમ સૌથી વધુ ફેવરિટ છે
ન્યૂ યૉર્ક: ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અને અમેરિકા તથા વેસ્ટ ઇન્ડિઝમાં ચાલી રહેલા ટી-20 વર્લ્ડ કપમાં કૉમેન્ટરી આપી રહેલા નવજોત સિંહ સિધ્ધુ (Navjot Singh Sidhu)એ એક ટીમનું નામ આપ્યું છે જે તેની દૃષ્ટિએ બેસ્ટ છે અને આ વિશ્ર્વ કપ જીતવા માટે હૉટ ફેવરિટ છે.
સિધ્ધુએ મંગળવારે પાકિસ્તાન અને કૅનેડા વચ્ચેની મૅચની કૉમેન્ટરી દરમ્યાન પોતાની એ ફેવરિટ ટીમનું નામ જાહેર કર્યું હતું. જોકે એ બેસ્ટ ટીમ ભારત નહોતી. તેણે આવું કરીને અનેક ક્રિકેટ ફૅન્સને ચોંકાવી દીધા હતા.
સિધ્ધુના મતે આ વર્લ્ડ કપ જીતવા માટે સાઉથ આફ્રિકાને સૌથી વધુ મોકો છે.
આ પણ વાંચો :T20 World Cup: રઉફ ટી-20 ઇન્ટરનેશનલમાં 100મી વિકેટ લેનાર ફાસ્ટેસ્ટ પેસ બોલર
ભારતના આ ભૂતપૂર્વ ઓપનરનું એવું માનવું છે કે ‘સાઉથ આફ્રિકા પાસે એવા કેટલાક ખેલાડીઓ છે જેમનામાં બૅટિંગમાં બાજી પલટી નાખવાની તાકાત છે. તેમના બૅટર્સ પરિસ્થિતિ અનુસાર રમે છે અને એમાં ડેવિડ મિલર તથા હિન્રિચ ક્લાસેન શાનદાર છે. સાઉથ આફ્રિકા પાસે દરેક પરિસ્થિતિ અનુસાર દમદાર બોલિંગ પર્ફોર્મન્સ આપી શકે એવા બોલર્સ પણ છે. તેમના ફાસ્ટ બોલર્સ વિકેટો લે છે અને સ્પિનર્સ પણ બહુ સારું પર્ફોર્મ કરે છે.’
ભૂતપૂર્વ ઑફ-સ્પિનર હરભજન સિંહના મતે ‘ભારત અને ઑસ્ટ્રેલિયા બહુ સારું રમી રહ્યા છે અને તેની દૃષ્ટિએ આ બે ટીમ બેસ્ટ છે. વેસ્ટ ઇન્ડિઝની પિચો પર ઑસ્ટ્રેલિયા જીતી રહ્યું છે. ઑસ્ટ્રેલિયાએ ઇંગ્લૅન્ડ સામે 200-પ્લસ રન બનાવ્યા હતા અને આઇસીસી ટૂર્નામેન્ટની વાત આવે ત્યારે ઑસ્ટ્રેલિયા અલગ જ ટીમ બની જતી હોય છે.’