બીસીસીઆઇ હવે આરટીઆઇ હેઠળ, માન્યતા માટે અરજી કરવી પડશેઃ `ઇન્ડિયા' નામ માટે એનઓસી લેવું પડશે | મુંબઈ સમાચાર

બીસીસીઆઇ હવે આરટીઆઇ હેઠળ, માન્યતા માટે અરજી કરવી પડશેઃ `ઇન્ડિયા’ નામ માટે એનઓસી લેવું પડશે

કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય ખેલકૂદ વહીવટ ખરડો સંસદમાં રજૂ કર્યોઃ પાકિસ્તાન સામે દ્વિપક્ષી ખેલકૂદ સ્પર્ધાઓ કોઈ કાળે નહીં રમાય

નવી દિલ્હીઃ ઘણા વર્ષોથી જેની રાહ જોવાઈ રહી હતી એ નૅશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ બિલ-2025 બુધવારે લોકસભામાં કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો જે પસાર થતાં એને આધારે કાયદો બનશે અને બોર્ડ ઑફ ક્નટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI) પણ 2005ની સાલના રાઇટ ટુ ઇન્ફર્મેશન (RTI)ના નિયમ હેઠળ આવી જશે. બીજું, ક્રિકેટ જગતના આ સૌથી શ્રીમંત બોર્ડે માન્યતા માટે અરજી કરવી પડશે.

આ ખરડા (રાષ્ટ્રીય ખેલકૂદ વહીવટ)ના નિયમો માત્ર બીસીસીઆઇને નહીં, તમામ રમતો સાથે સંકળાયેલા ફેડરેશનો (SPORTS FEDERATIONS)ને લાગુ પડશે. ક્રિકેટની રમત હવે ઑલિમ્પિક સ્પોર્ટ બની ગઈ છે, કારણકે 1900ની સાલ બાદ (128 વર્ષે) હવે 2028ની ઑલિમ્પિક ગેમ્સનો હિસ્સો થઈ ગઈ છે એ જોતાં બીસીસીઆઇએ હવે પોતાને નૅશનલ સ્પોર્ટ્સ બોર્ડ (NSB)માં પોતાને રજિસ્ટર કરાવવું પડશે. આ ફેરફાર જોતાં બીસીસીઆઇ અને ખેલકૂદ મંત્રાલય વચ્ચે ચર્ચા પર ચર્ચા થવાની પાકી સંભાવના છે. ક્રિકેટ બોર્ડ પોતાનો કારભાર ચલાવવા સરકારી ભંડોળ પર નિર્ભર ન હોવાથી વર્ષોથી એણે (ક્રિકેટ બોર્ડે) કોઈ કાયદા તેમ જ નિયંત્રણો હેઠળ આવવા સામે ઘણા સમયથી વિરોધ વ્યક્ત કર્યો છે, પરંતુ અનેક નિયમો ધરાવતા નવા ખરડા આધારિત ફેરફારો ચર્ચાનો વિષય બની જશે.

નવા ખરડા મુજબ બીસીસીઆઇ સહિતની જે પણ ખેલકૂદ સંસ્થા ઇન્ડિયા',ઇન્ડિયન’ કે `નૅશનલ’ નામનો તેમ જ બીજા કોઈ પણ રાષ્ટ્રીય પ્રતીકનો ઉપયોગ કરવા માગશે એણે કેન્દ્ર સરકાર પાસેથી નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) મેળવવું પડશે.

આ પણ વાંચો: રોહિત અને વિરાટ 2027નો વન-ડે વર્લ્ડ કપ રમશે? બીસીસીઆઇએ ચાહકોને આપી દીધી મહત્ત્વની જાણકારી

પાકિસ્તાનને નજરસમક્ષ રાખીને કડક નિયમ

કેન્દ્ર સરકાર દેશના હિતને લક્ષમાં રાખીને અમુક અસાધારણ સંજોગોમાં આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારતીયોના ભાગ લેવા સંબંધમાં વ્યાજબી નિયંત્રણો લાગુ કરી શકશે. બીજી રીતે કહીએ તો નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકાર ખાસ કરીને દુશ્મન દેશ પાકિસ્તાનને નજરસમક્ષ રાખીને આ કડક નિયમ લાવવા માગે છે. મોટા ભાગે પાકિસ્તાનની ટીમ જ્યાં ભાગ લેવાની હોય એ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં જ ભારતીય ટીમને ભાગ લેવા દેવો કે નહીં એ મુદ્દો સામે આવતો હોય છે. ભારત સરકારની ઘણા વર્ષોથી સ્પષ્ટ નીતિ રહી છે કે બહુરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં (જેમાં પાકિસ્તાનની હાજરી હોય તો પણ) ભારતીય ટીમના એમાં ભાગ લેવા પર કોઈ નિયંત્રણ નથી, પણ પાકિસ્તાન સાથે દ્વિપક્ષી ખેલકૂદ સ્પર્ધાનો સવાલ જ ઉપસ્થિત નથી થતો. ભારત સરકારનું આ વલણ 2008ની સાલથી લાગુ છે, કારણકે ત્યારે પાકિસ્તાને મુંબઈમાં આતંકવાદી હુમલો કરાવ્યો હતો જેમાં 150થી વધુ લોકોના જીવ ગયા હતા. ત્યારથી પાકિસ્તાની ખેલાડીઓને આઇપીએલમાં પણ નથી રમવા મળતું.

પરવાનગી કે સસ્પેન્શનની સરકારને સત્તા

સરકાર સૂચિત ખરડામાં પોતાની મરજી મુજબ કોઈ પણ સુધારા-વધારા કરી શકશે. દેશના ખેલકૂદ સંબંધિત વહીવટમાં મોટા પાયે ફેરફાર કરવા તેમ જ વહીવટનું ધોરણ સુધારવા સરકારે લોકસભામાં આ સીમાચિહનરૂપ ખરડો રજૂ કર્યો છે.
ક્રિકેટ સહિતના નૅશનલ સ્પોર્ટ્સ ફેડરેશન (એનએસએફ)ને પરવાનગી આપવાની કે સસ્પેન્ડ કરવાની સંપૂર્ણ સત્તા નૅશનલ સ્પોર્ટ્સ બોર્ડ (એનએસબી)ના હાથમાં રહેશે. એનએસબીના મોવડીઓમાં ચૅરપર્સન તેમ જ કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત સભ્યોનો સમાવેશ હશે. ફેડરેશનના અન્ય મેમ્બર્સમાં સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયાના ડિરેકટર જનરલ, કોઈ રાષ્ટ્રીય ખેલકૂદ સંસ્થાના પ્રમુખ, મહામંત્રી કે ખજાનચીના હોદ્દે રહી ચૂકેલા બે ખેલકૂદ વહીવટકાર તેમ જ દ્વોણાચાર્ય કે ખેલરત્ન કે અર્જુન અવૉર્ડ જીતી ચૂક્યા હોય એવા એક ખ્યાતનામ સ્પોર્ટ્સપર્સનનો સમાવેશ કરવામાં આવશે.

આ પણ વાંચો: નવી પેસ બોલરે આ વર્લ્ડ રેકોર્ડ સાથે ભારતને વન-ડે સિરીઝ જિતાડી આપી

નિર્ધારિત સમયમાં જે સંસ્થા પોતાની કારોબારી સમિતિની ચૂંટણી રાખવામાં નિષ્ફળ જશે કે એ સંસ્થાની ચૂંટણીની પ્રક્રિયામાં ગેરરીતિઓ થઈ હશે તો નૅશનલ બોર્ડ એ સંસ્થાની માન્યતા પાછી ખેંચી શકશે. આ સંસ્થાઓએ પોતાના ઑડિટ થયેલા વાર્ષિક અકાઉન્ટ પણ જાહેર કરવા પડશે. માત્ર માન્યતાપ્રાપ્ત ખેલકૂદ સંસ્થાને જ કેન્દ્ર સરકાર તરફથી ગ્રાન્ટ કે અન્ય નાણાકીય સહાયતા મળી શકશે.

વધુમાં વધુ ત્રણ મુદતની છૂટ

રાષ્ટ્રીય ખેલકૂદ વહીવટ ખરડા મુજબ દરેક ખેલકૂદ સંસ્થાના પ્રમુખ, મહામંત્રી અને ખજાનચીના હોદ્દા પર સતત ત્રણ મુદતની મર્યાદાની (12 વર્ષ સુધીની) છૂટ રહેશે. આ હોદ્દાઓ માટેની નિવૃત્તિની વય મર્યાદા 70 વર્ષની છે, પરંતુ જો સંબંધિત રમતની આંતરરાષ્ટ્રીય સંસ્થા (જેમ કે ક્રિકેટમાં આઇસીસી અને અન્ય રમતોમાં ઑલિમ્પિક કમિટી)ના બંધારણ મુજબ છૂટ અપાતી હોય તો આ હોદ્દાના રિટાયરમેન્ટની મર્યાદા 75 વર્ષ સુધી લંબાવી શકાશે.

કમિટીમાં બે સ્પોર્ટ્સપર્સન અને ચાર મહિલા ફરજિયાત

હવેથી દેશમાં કોઈ પણ ખેલકૂદ સંસ્થાની કારોબારી સમિતિમાં 15 સુધીની સંખ્યામાં મેમ્બર રાખવાના રહેશે કે જેથી ફેડરેશન પર આર્થિક બોજ ખૂબ ઊંચો ન રહે. આ એક્ઝિક્યૂટિવ કમિટી (ઇસી)માં અસાધારણ સિદ્ધિ ધરાવતા ઓછામાં ઓછા બે સ્પોર્ટ્સપર્સનનો અને ચાર મહિલાઓનો સમાવેશ ફરજિયાત કરવાનો રહેશે. ખેલકૂદ વહીવટમાં જાતિ સંબંધમાં સમાનતા રહે અને નિર્ણય લેવાની પ્રક્રિયામાં ઍથ્લીટો-ખેલાડીઓની હાજરી રહી શકે એ હેતુથી ખરડામાં આ જોગવાઈ સમાવવામાં આવી છે.

આ પણ વાંચો: ભારતના પહેલા સાતમાંથી આ પાંચ લેફ્ટ-હૅન્ડ બૅટ્સમેન

નૅશનલ સ્પોર્ટ્સ ટ્રિબ્યૂનલની સ્થાપના

ખેલકૂદ મંત્રાલયે આપેલી માહિતી અનુસાર સ્પોર્ટ્સ સંસ્થાઓ સાથે સંકળાયેલા 350થી વધુ કેસ વિવિધ અદાલતોમાં ચાલી રહ્યા છે. આ કેસો સિલેક્શનથી ઇલેક્શન સુધીના છે. આ કેસો વર્ષોથી ચાલુ જ રહ્યા હોવાને કારણે ઍથ્લીટો-ખેલાડીઓની તેમ જ નૅશનલ ફેડરેશનોની પ્રગતિ અટકી પડી છે. આ બાબતને લક્ષમાં રાખીને નૅશનલ સ્પોર્ટ્સ ટ્રિબ્યૂનલની સ્થાપના કરવાનું ખરડામાં સૂચવવામાં આવ્યું છે. ટ્રિબ્યૂનલમાં ચૅરપર્સન અને બીજા બે મેમ્બરનો સમાવેશ હશે. ટ્રિબ્યૂનલના સર્વોચ્ચ પદ પર કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અથવા હાઈ કોર્ટના ચીફ જસ્ટિસની નિયુક્તિ કરવામાં આવશે. આ ટ્રિબ્યૂનલ જે ફેંસલો આપશે એને સીધા સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાશે. બીજી રીતે કહીએ તો મુદ્દો ઝડપથી ઉકેલી શકાય એ હેતુથી મુદ્દાનો ઉકેલ લાવવામાં કોઈ પણ નીચલી કોર્ટને આ વિષયમાં સામેલ નહીં કરાય.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button