રાજકોટ: સૌરાષ્ટ્ર વતી 1971માં 17 વર્ષની વયે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યા બાદ 54 રણજી મૅચ રમી ચૂકેલા ઑલરાઉન્ડર નરેશ પરસાણાનું સોમવારે રાજકોટમાં નિધન થયું હતું. તેઓ 70 વર્ષના હતા.તેમણે 137 વિકેટ લીધી હતી અને 1436 રન બનાવ્યા હતા.
નરેશ પરસાણા ફાસ્ટ બોલર, ઑફ સ્પિનર અને હાર્ડ હિટિંગ બૅટર હતા.તેઓ વેસ્ટ ઝોન અન્ડર-19, વિઝી ટ્રોફી, દુલીપ ટ્રોફીમાં પણ રમ્યા હતા.
તેઓ 1980માં છેલ્લી મૅચ વાનખેડે સ્ટેડિયમમાં વેસ્ટ ઝોન વતી અંશુમાન ગાયકવાડના સુકાનમાં રમ્યા હતા જેમાં તેમણે વેસ્ટ ઝોન વતી સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. તેમણે વેન્કટ સુંદરમ, દીપક ચોપડા અને નોર્થ ઝોનના કૅપ્ટન સુરિન્દર અમરનાથને આઉટ કર્યા હતા. નરેશ પરસાણાએ બીજા દાવમાં અણનમ 30 રન પણ બનાવ્યા હતા.
ભારતીય ક્રિકેટ બોર્ડના ભૂતપૂર્વ સેક્રેટરી નિરંજન શાહે નરેશ પરસાણાના નિધન વિશે દુ:ખ વ્યક્ત કરતા કહ્યું હતું કે તેઓ એવા શ્રેષ્ઠ ક્રિકેટર હતા જેમનામાં બોલર તેમ જ બૅટર તરીકેની અદભુત પ્રતિભા હતી.સૌરાષ્ટ્ર ક્રિકેટ અસોસિયેશને પણ નરેશ પરસાણાના અવસાન બાબતમાં શોક વ્યક્ત કર્યો હતો.