નામિબિયાની ક્રિકેટ ટીમનો કમાલ: ૨૦૨૪ ટી-૨૦ વર્લ્ડ કપ માટે કર્યું ક્વોલિફાય

નવી દિલ્હી: નામિબિયાએ ૨૦૨૪માં રમાનારા ટી-૨૦ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કર્યું છે. નામિબિયા આફ્રિકા ક્વોલિફાયરમાંથી ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ બની હતી. નામિબિયાની ટીમે પાંચમાંથી પાંચ મેચ જીતીને ૨૦૨૪ ટી-૨૦ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કર્યું હતું. નામિબિયા ક્વોલિફાઈંગ સાથે ટી-૨૦ વર્લ્ડ કપ માટે કુલ ૧૯ સ્થાન નિશ્ર્ચિત થઈ ગયા છે અને માત્ર એક જ જગ્યા ખાલી રહી છે. એક સ્થાન ઝિમ્બાબ્વે, કેન્યા અને યુગાન્ડામાંથી કોઇ એક ટીમને મળશે.
રિચાર્ડ ઇરાસ્મસની કેપ્ટનશિપ હેઠળના નામિબિયાએ ક્વોલિફાયર્સની છેલ્લી મેચમાં તાન્ઝાનિયાને ૫૮ રને હરાવીને ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪માં સ્થાન હાંસલ કર્યું હતું. નામિબિયા સમગ્ર ક્વોલિફાયરમાં ખૂબ જ સારા ફોર્મમાં જોવા મળ્યું હતું.
ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ માટે આફ્રિકા ક્ષેત્રની ક્વોલિફાયર સાત ટીમો વચ્ચે રમાઈ રહી છે. જેમાં નામિબિયાની ટીમે પાંચમાંથી પાંચ મેચ જીતીને ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ માટે ક્વોલિફાય કરી લીધું છે.
અમેરિકા, વેસ્ટ ઈન્ડિઝ, ઑસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ભારત, નેધરલેન્ડ, ન્યૂઝીલેન્ડ્સ, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, અફઘાનિસ્તાન, બંગલાદેશ, આયરલેન્ડ, સ્કોટલેન્ડ, પાપુઆ ન્યુ ગીની, કેનેડા, નેપાળ, ઓમાન અને નામીબિયાની ટીમ અત્યાર સુધી ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ માટે ક્વોલિફાય થઇ છે.