આઇપીએલે જગદીશનને અવગણ્યો, પણ અમેરિકા સામે મૅચવિનર બન્યો…

નવી મુંબઈઃ તમિળનાડુના વિકેટકીપર-બૅટ્સમૅન નારાયણન જગદીશને (104 રન, પંચાવન બૉલ, પાંચ સિક્સર, અગિયાર ફોર) સોમવારે ભારતને અહીં ટી-20 વર્લ્ડ કપ પહેલાંની અમેરિકા સામેની પ્રથમ વૉર્મ-અપ (WARM-UP) મૅચમાં શાનદાર વિજય અપાવ્યો હતો. જગદીશન (JAGDEESHAN)ને 2026ની આઇપીએલ માટેના મિની ઑક્શનમાં એક પણ ટીમે નહોતો ખરીદ્યો.
ભારતને પ્રથમ બૅટિંગ મળ્યા પછી 3/238 રનનો પડકારરૂપ સ્કોર અપાવવામાં કૅપ્ટન આયુષ બદોની (60 રન, 26 બૉલ, ચાર સિક્સર, છ ફોર)નું પણ મહત્ત્વનું યોગદાન હતું. કમબૅકમૅન તિલક વર્માએ 24 બૉલમાં બે સિક્સર, ત્રણ ફોરની મદદથી 38 રન કર્યા હતા.
મોનાંક પટેલના નેતૃત્વમાં અમેરિકાની ટીમ ઓપનર ઍન્ડ્રિસ ગૌસના 44 રન તથા સંજય ક્રિષ્નમૂર્તિના 41 રન છતાં લક્ષ્યાંક નહોતી મેળવી શકી.
અમેરિકાની ટીમ 19.4 ઓવરમાં 200 રને ઑલઆઉટ થતાં ભારતનો 38 રનથી વિજય થયો હતો. રવિ બિશ્નોઈએ ત્રણ, ખલીલે બે, નમન ધીરે બે તેમ જ બદોની, તિલક અને અશોક શર્માએ એક-એક વિકેટ લીધી હતી. હવે બુધવારે ભારતની સાઉથ આફ્રિકા સામે વૉર્મ-અપ મૅચ (સાંજે 7.00થી) રમાશે.



