સ્પોર્ટસ

મારી ભૂલને કારણે સરફરાઝ રનઆઉટ થયો: રવીન્દ્ર જાડેજા

રાજકોટ: મુંબઈના 26 વર્ષીય મિડલ-ઑર્ડર બૅટર સરફરાઝ ખાનને વર્ષોની ઇન્તેજારી પછી ભારત વતી રમવાનો મોકો મળ્યો, તેણે આક્રમક શરૂઆત કરી, 48 બૉલમાં હાફ સેન્ચુરી પૂરી કરી અને પછી ડેબ્યૂ ટેસ્ટ-ઇનિંગ્સમાં જ ઐતિહાસિક સેન્ચુરી તરફ પ્રયાણ કરી રહ્યો હતો ત્યારે સાથી-બૅટરની ભૂલને કારણે વિકેટ ગુમાવવી પડી એ બદલ ખુદ સરફરાઝ તો નિરાશ હતો જ, તેના અસંખ્ય ચાહકો પણ અપસેટ હતા અને કૅપ્ટન રોહિત શર્માએ તો ડ્રેસિંગ-રૂમમાં ઊભા-ઊભા ગુસ્સે થઈને પોતાની કૅપ કાઢીને નીચે ફેંકી હતી.

વાત એવી છે કે સરફરાઝ 62 રને હતો ત્યારે જેમ્સ ઍન્ડરસનના બૉલમાં જાડેજાએ બૉલને મિડ-ઑન તરફ મોકલ્યો હતો અને રન દોડવા માટે કૉલ આપ્યો હતો. સરફરાઝ તરત દોડવા લાગ્યો હતો. જોકે માર્ક વૂડને બૉલ પર કબજો લેતા જોઈને જાડેજાએ નિર્ણય બદલી નાખ્યો અને પાછો જતો રહ્યો હતો. સરફરાઝ સામે છેડેથી ઘણો આગળ આવી ચૂક્યો હતો અને પાછો ક્રીઝમાં પહોંચે એ પહેલાં વૂડે સીધા થ્રોમાં સ્ટમ્પ ઉખેડી નાખ્યું હતું.

જાડેજાએ રમત પૂરી થયા પછી ઇન્સ્ટાગ્રામ પરની સ્ટોરીમાં ભૂલ સ્વીકારતા લખ્યું, ‘રન દોડવા માટે મેં ખોટો કૉલ આપ્યો હતો. સરફરાઝ મારી ભૂલને કારણે રનઆઉટ થઈ ગયો એનો મને અફસોસ છે. વેલ પ્લેઇડ સરફરાઝ.’

જાડેજાએ પછીના બૉલમાં ચોથી સદી પૂરી કરી હતી, પરંતુ પોતાની ભૂલને કારણે સરફરાઝે વિકેટ ગુમાવવી પડી એ સમજાયું હોવાથી તેણે (જાડેજાએ) સેન્ચુરીને ખાસ કંઈ સેલિબ્રેટ નહોતી કરી. તેણે માત્ર આગવી સ્ટાઇલમાં તલવારબાજીની ઍક્શનથી સદી સેલિબ્રેટ કરી હતી. તે 110 રને નૉટઆઉટ હતો અને કુલદીપ યાદવ એક રન પર રમી રહ્યો હતો.

એ પહેલાં, રોહિત શર્મા (131 રન) અને જાડેજા વચ્ચે ચોથી વિકેટ માટે 204 રનની બહુમૂલ્ય ભાગીદારી થઈ હતી. લંચ બ્રેક અને ટી બ્રેક વચ્ચેના સેશનમાં એકેય વિકેટ નહોતી પડી. એક આખા સત્રમાં એક પણ વિકેટ ન પડી હોય એવું વર્તમાન સિરીઝમાં પહેલી જ વખત બન્યું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button