ભારતે ઠુકરાવ્યા પછી બાંગ્લાદેશી ક્રિકેટરે પાકિસ્તાન સાથે હાથ મિલાવ્યા…

લાહોર: બાંગ્લાદેશનો પેસ બોલર મુસ્તફિઝુર રહમાન આઠ વર્ષથી પાકિસ્તાન સુપર લીગ (PSL) ટી-20 ટૂર્નામેન્ટમાં નહોતો રમ્યો, પરંતુ આ વખતે તેને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માંથી કાઢી મૂકવામાં આવ્યો એટલે તેણે ફરી પીએસએલમાં રમવાનું નક્કી કર્યું છે. છેલ્લે તે 2018ની સાલમાં પીએસએલમાં રમ્યો હતો. ખુદ પીએસએલના સત્તાધીશોએ પોતાની ઇવેન્ટમાં મુસ્તફિઝુર (MUSTAFIZUR)ના કમબૅકની જાહેરાત કરી છે.
મુસ્તફિઝુર અગાઉ આઈપીએલમાં મુંબઈ, ચેન્નઈ, રાજસ્થાન, દિલ્હી અને હૈદરાબાદ વતી રમી ચૂક્યો છે.
બાંગ્લાદેશમાં ઘણા મહિનાઓથી હિન્દુ જનતા પર અત્યાચાર થઈ રહ્યા છે. તાજેતરમાં વધુ કેટલાક હિન્દુ લોકોની હત્યા કરવામાં આવી તેમ જ હિન્દુ સ્ત્રીઓ પર બળાત્કાર ગુજારવામાં આવ્યા એને પગલે બાંગ્લાદેશના પીઢ પેસ બોલર મુસ્તફિઝુરને આઈપીએલમાંથી જાકારો આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો…શું બાંગ્લાદેશી ક્રિકેટર મુસ્તફિઝુરને કોલકાતાના ફ્રૅન્ચાઇઝીએ 9.20 કરોડ રૂપિયા ચૂકવવા પડશે?
કોલકાત્તા નાઈટ રાઈડર્સ (કેકેઆર)એ તેને તાજેતરની હરાજીમાં 2.00 કરોડ રૂપિયાની મૂળ કિંમત સામે 9.20 કરોડ રૂપિયાના ઊંચા ભાવે ખરીદ્યો હતો. જોકે શાહરુખ ખાનની સહ-માલિકીવાળા આ ફ્રેન્ચાઇઝીએ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા હોવા છતાં મુસ્તફિઝુરને ખરીદ્યો એ સામે ભારતભરમાં પ્રચંડ વિરોધ શરૂ થયો હતો જેને પગલે કેકેઆરે પોતાના સ્કવૉડમાંથી મુસ્તફિઝુરની હકાલપટ્ટી કરવી પડી છે.
પાકિસ્તાનની પીએસએલ આ વખતની આઈપીએલના અરસામાં જ (માર્ચ-મે દરમ્યાન) રમાવાની છે. મુસ્તફિઝુર આઠ વર્ષ પહેલાં પીએસએલમાં લાહોર કલંદર્સ ટીમ વતી રમ્યો હતો.



