
નવી દિલ્હીઃ 16મી ડિસેમ્બરે અબુ ધાબીમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)નું ખેલાડીઓનું જે મિની-ઑક્શન યોજાયું હતું એમાં કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)એ બાંગ્લાદેશના પીઢ પેસ બોલર અને અગાઉ આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ સહિત કુલ પાંચ ટીમ વતી રમી ચૂકેલા મુસ્તફિઝુર રહમાને માત્ર નસીબમાં આવેલા 9.20 કરોડ રૂપિયા (9.20 CR.) 18 દિવસની અંદર ગુમાવી દેવા પડ્યા છે.
કેકેઆરના પ્રતિનિધિઓએ ઑક્શનના રૂમમાં મુસ્તફિઝુર (MUSTAFIZUR)ને ખરીદવા માટેની તીવ્ર રસાકસીમાં મોડેથી ઝંપલાવ્યું હતું અને તેને 2.00 કરોડ રૂપિયાની મૂળ કિંમત સામે 9.20 કરોડ રૂપિયામાં ખરીદી લીધો હતો.

આપણ વાચો: કોલકાતા નાઇટ રાઇડર્સ માટે રવિવારથી ` કરો યા મરો’
જોકે ત્યાર પછીના દિવસોમાં બાંગ્લાદેશમાં હિન્દુ લોકો પર ફરી હિંસક અત્યાચાર થવા લાગ્યા ત્યારે જ ધારણા હતી કે મુસ્તફિઝુરને 2026ની આઇપીએલમાં રમવા નહીં જ મળે. છેવટે બન્યું પણ એવું જ.
સામાન્ય રીતે કોઈ પણ ખેલાડીને હરાજીમાં ખરીદવામાં આવે એટલે તેની સાથે સંબંધિત ફ્રૅન્ચાઇઝી કૉન્ટ્રૅક્ટ બનાવી લે છે. મુસ્તફિઝુરને 16મી ડિસેમ્બરે 9.20 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો અને શનિવાર, ત્રીજી જાન્યુઆરીએ બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)ની સૂચનાને પગલે કેકેઆરે મુસ્તફિઝુરને પોતાના સ્ક્વૉડમાંથી કાઢી નાખવો પડ્યો હતો.

એ રીતે, 16મી ડિસેમ્બરે મુસ્તફિઝુર 9.20 કરોડ રૂપિયામાં કરારબદ્ધ થયો એ સાથે તેના પરિવારમાં તેમ જ મિત્રોમાં ઉજવણીઓ થઈ હશે, કારણકે આઇપીએલમાં હરાજીમાં ખરીદવામાં આવેલા સૌથી મોંઘા ખેલાડીઓમાં તેની ગણતરી થવા લાગી હતી.
જોકે માત્ર 18 દિવસ બાદ (ત્રીજી જાન્યુઆરીએ) મુસ્તફિઝુરના હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હતો અને તેના 9.20 કરોડ રૂપિયા શૂન્ય થઈ ગયા હતા. જોકે શાહરુખ ખાનની સહ-માલિકીના કેકેઆર ફ્રૅન્ચાઇઝી તથા મુસ્તફિઝુર વચ્ચે શું સમાધાન થયું હશે એ સત્તાવાર રીતે જાણમાં નથી. એક વાત નક્કી છે કે અગાઉ મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ, રાજસ્થાન અને ચેન્નઈ વતી રમી ચૂકેલો મુસ્તફિઝુર આઇપીએલ મારફત કરોડો રૂપિયા તો કમાયો જ હતો.



