આમચી મુંબઈસ્પોર્ટસ

સચિનની હાજરીમાં મુશીર ખાને તેનો જ 29 વર્ષ જૂનો વિક્રમ તોડ્યો

મુંબઈ: સચિન તેન્ડુલકરનો રેકૉર્ડ કોઈ બૅટર તોડે અને એ ઘડીએ ખુદ માસ્ટર બ્લાસ્ટર સ્ટેડિયમમાં બેઠો હોય એવું અગાઉ ભાગ્યે જ બન્યું હશે. જવલ્લે જ બનતી આ ઘટના મંગળવારે વાનખેડેમાં બની હતી જેમાં મુશીર ખાને રણજી ફાઇનલમાં મુંબઈ વતી સૌથી નાની વયે સેન્ચુરી ફટકારવાનો સચિનનો વિક્રમ તોડ્યો હતો. સચિને 1995માં (29 વર્ષ પહેલાં) વાનખેડેમાં પંજાબ સામેની ફાઇનલમાં યાદગાર 140 રન બનાવ્યા ત્યારે તે 21 વર્ષનો હતો. મુશીર 19 વર્ષનો છે અને તેણે મંગળવારે વિદર્ભ સામેની ફાઇનલમાં બીજા દાવમાં 136 રન બનાવ્યા હતા. તેની આ સદી વખતે સચિન વાનખેડેના એક સ્ટૅન્ડમાં બેઠો હતો. ભારતીય કૅપ્ટન રોહિત શર્મા પણ 20 મિનિટ માટે સ્ટેડિયમમાં મૅચ જોવા આવ્યો હતો. વર્તમાન અને ભૂતપૂર્વ ખેલાડીઓવાળા આ સ્ટૅન્ડમાં દિલીપ વેન્ગસરકર પણ બેઠા હતા. મુશીર અને તેના મોટા ભાઈ સરફરાઝ ખાનના પિતા નૌશાદ ખાન પણ સ્ટૅન્ડમાં હતા.

મુશીર ખાને રણજી ક્વૉર્ટર ફાઇનલમાં ડબલ સેન્ચુરી ફટકારી હતી અને પછી સેમિ ફાઇનલમાં 50નો આંકડો પાર કર્યો હતો.


મુંબઈ રણજી ફાઇનલમાં વિદર્ભ સામે જીતવાની તૈયારીમાં છે. મુંબઈએ વિદર્ભને 538 રનનો અત્યંત મુશ્કેલ લક્ષ્યાંક આપ્યો હતો. મંગળવારે વિદર્ભનો સ્કોર વિના વિકેટે 10 રન હતો. જોકે વિદર્ભના મુખ્ય બોલર હર્ષ દુબેએ મંગળવારની રમત પછી પત્રકારોને કહ્યું હતું કે ‘અમારી ટીમ ટાર્ગેટ ચેઝ કરવા કોઈ કસર બાકી નહીં રાખે.’

1995માં સચિને બાવીસમા જન્મદિન પહેલાં મુંબઈ વતી જે પ્રથમ સદી ફટકારી હતી ત્યારની મૅચ પણ વાનખેડેમાં રમાઈ હતી. મુંબઈએ ત્યારે પ્રથમ દાવ 690/6ના તોતિંગ સ્કોરે ડિક્લેર કર્યો હતો. સચિન ત્યારે મુંબઈનો કૅપ્ટન હતો. મુંબઈએ એ ફાઇનલમાં પંજાબને હરાવ્યું હતું.

સચિનની ત્યારે મુંબઈ વતી પહેલી જ ફર્સ્ટ-ક્લાસ સદી હતી. મુશીર ખાને તાજેતરમાં બરોડા સામેની રણજી મૅચમાં કરીઅરની પ્રથમ સદી ફટકારી હતી. મુશીરનો મોટો ભાઈ સરફરાઝ ખાન તાજેતરમાં ઇંગ્લૅન્ડ સામે કરીઅરની પ્રથમ ટેસ્ટ રમ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button