ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ પહેલા વધુ એક દિગ્ગજ ખેલાડીએ નિવૃત્તિ જાહેર કરી; આવી રહી કારકિર્દી

મુંબઈ: ICC Champions Trophy 2025ની ફાઈનલ મેચ 9મી માર્ચ રવિવારના રોજ દુબાઈમાં રમશે. એ પહેલા ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે ODI ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી, હવે વધુ એક દિગ્ગજ ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી છે. બાંગ્લાદેશના દિગ્ગજ વિકેટકીપર બેટર મુશફિકુર રહીમે પણ ODI ક્રિકેટને અલવિદા (Mushfiqur Rahim announce retirement) કહી દીધું છે, મુશફિકુરે સોશિયલ મીડિયા પર પોસ્ટ લખીને નિવૃત્તિની જાહેરાત કરી છે.
‘…100% થી વધુ આપ્યું.” મુશફિકુર રહીમે સોશિયલ મીડિયા પર લખ્યું, ‘હું આજથી ODI ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી રહ્યો છું.અલ્લાહનો ખુબ ખુબ આભાર. ભલે વૈશ્વિક સ્તરે અમારી સિદ્ધિઓ મર્યાદિત રહી છે, એક વાત ચોક્કસ છે: જ્યારે પણ હું મારા દેશ માટે મેદાનમાં ઉતર્યો, ત્યારે મેં સમર્પણ અને પ્રામાણિકતા સાથે 100% થી વધુ આપ્યું. છેલ્લા કેટલાક અઠવાડિયા મારા માટે ખૂબ જ પડકારજનક રહ્યા છે અને મને સમજાયું છે કે આ મારી નિયતિ છે.”
Also read: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં જ ભારતીય ટીમને મોટો ઝટકો
આ સાથે મુશફિકુરે કુરાનની કેટલીક આયતો પણ લખી. મુશફિકુરે લખ્યું કે અલ્લાહ બધાને માફ કરે અને સદ્ભાવના આપે. અંતે, તેણે પોતાના પરિવાર, મિત્રો અને ચાહકોનો હૃદયપૂર્વક આભાર માન્યો.
આવી રહી કારકિર્દી:
મુશફિકુર છેલ્લા 19 વર્ષથી બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ માટે રમી રહ્યો છે, તે બાંગ્લાદેશની ટીમનો કેપ્ટન પણ રહી ચુક્યો છે. મુશફિકુરે ઓગસ્ટ 2006 માં ઝિમ્બાબ્વે સામે વનડે ડેબ્યૂ કર્યું હતું. તે આ ફોર્મેટમાં સૌથી વધુ મેચ રમનાર બાંગ્લાદેશી ખેલાડી છે. મુશફિકરે 274 મેચ રમી છે, જેમાં 36.42 ની એવરેજથી 7,795 રન બનાવ્યા છે, તેનો બેસ્ટ સ્કોર 144 છે. તેણે વનડે ક્રિકેટમાં નવ સદી ફટકારી છે. વિકેટકીપર તરીકે, તેણે 243 કેચ પકડ્યા છે અને 56 સ્ટમ્પિંગ કર્યા છે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પ્રદર્શન:
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં બાંગ્લાદેશ ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું, ટુર્નામેન્ટમાં ટીમ એક પણ મેચ જીતી શકી નહીં. બાંગ્લાદેશને પહેલા ટીમ ઈન્ડિયા સામે હાર મળી અને ત્યારબાદ ન્યુઝીલેન્ડે બાંગ્લાદેશને હરાવ્યું. પાકિસ્તાન સામેની મેચ વરસાદને કારણે રદ થઇ હતી. ભારત સામેની મેચમાં મુશફિકુર એક પણ રન બનાવી શક્યો, જ્યારે ન્યુઝીલેન્ડ સામે તેણે ફક્ત બે રન બનાવ્યા હતા. જોકે, મુશફિકુર રહીમ 2022 થી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી રહ્યો નથી. તેણે છેલ્લી ટેસ્ટ ઓક્ટોબર 2024માં રમી હતી.