કે. જી.ના વિદ્યાર્થીઓ પણ ન કરે એવું વર્તન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનું હતુંઃ મુરલી કાર્તિક | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

કે. જી.ના વિદ્યાર્થીઓ પણ ન કરે એવું વર્તન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનું હતુંઃ મુરલી કાર્તિક

ભૂતપૂર્વ ભારતીય સ્પિનરે પીસીબીના મોવડીઓને રિસાઈ જતા બાળક સાથે સરખાવ્યા

નવી દિલ્હીઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ભારતીય ટીમ સાથેના ગયા રવિવારના ` હૅન્ડશેક વિવાદ’ બાબતમાં મૅચ-રેફરી ઍન્ડી પાયક્રૉફ્ટના અભિગમથી રિસાઈને પહેલાં તો એશિયા કપનો બહિષ્કાર કરવાની ધમકી આપી, પાયક્રૉફ્ટને મૅચ-રેફરીના પદ પરથી હટાવવાની માગણી કરી અને છેવટે બુધવારે યુએઇ (UAE) સામેની મૅચ પહેલાં પોતાના ખેલાડીઓને સ્ટેડિયમમાં જવાનું કહેવાને બદલે હોટેલમાં જ અટકાવી રાખ્યા એ બદલ દુનિયાભરમાં પાકિસ્તાન, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને પાકિસ્તાનના ક્રિકેટરોની નાલેશી થઈ છે અને એ માહોલમાં ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર મુરલી કાર્તિકે (MURALI KARTHIK) પણ તેમની ખૂબ ટીકા કરી છે અને પાકિસ્તાનીઓને કે. જી.ના વિદ્યાર્થીઓથી પણ માસૂમ ગણાવ્યા છે.

બુધવારે યુએઇ સામેની પાકિસ્તાનની મૅચ વિલંબમાં મૂકીને લોકોને (પ્રેક્ષકો અને ટીવી-દર્શકોને) બાનમાં રાખવા બદલ ભૂતપૂર્વ સ્પિનર મુરલી કાર્તિકે પીસીબીની ઝાટકણી કાઢી હતી. આ મૅચ એક કલાક મોડી શરૂ થઈ હતી.

આ પણ વાંચો : પાકિસ્તાનનો વધુ એક ડ્રામાઃ યુએઈની મેચ પૂર્વે પ્રેસ કોન્ફરન્સ કેન્સલ કરી

આઇસીસીએ એશિયા કપમાં પાકિસ્તાનની મૅચોમાંથી મૅચ-રેફરીના હોદ્દેથી ઍન્ડી પાયક્રૉફ્ટને કાઢી મૂકવાની પીસીબીની વારંવારની માગણીને ફગાવી દીધી હતી અને મૅચ મોડી શરૂ કરાવતાં પહેલાં પાયક્રૉફ્ટે માફી માગી હોવાનો દાવો પીસીબીએ કર્યો હતો. પીસીબીએ કહ્યું હતું કે રવિવારની મૅચના ટૉસ વખતે સૂર્યકુમાર યાદવ સાથે હાથ ન મિલાવવાની સલાહ પાયક્રૉફ્ટે પાકિસ્તાની સુકાની સલમાન આગાને આપી હતી અને એ બદલ પાયક્રૉફ્ટે માફી માગી છે.

મુરલી કાર્તિકે કહ્યું છે કે ` પીસીબીએ એશિયા કપમાંથી પોતાની ટીમને પાછી ખેંચી લેવાની ધમકી આપી હતી તો પછી એવું કરવું જ હતુંને. માત્ર ધમકી આપવાનો શું મતલબ. તેમને તો બસ નાટક કરવા હતા. પીસીબીના મોવડીઓનું વર્તન છોકરમત હતું. તેમને વિચાર આવ્યો હશે કે જો એશિયા કપનો બહિષ્કાર કરવામાં આવશે તો આ ટૂર્નામેન્ટની આવકમાંના 142 કરોડ રૂપિયા જેટલા હિસ્સાનું નુકસાન ભોગવવું પડશે. આજના જમાનામાં ક્નિડરગાર્ટન (કે. જી.)ના વિદ્યાર્થીઓ પણ ન કરે એવું વર્તન પીસીબીએ કર્યું. જેમ બાળકને જોઈતી ચીજ ન મળે તો કંઈ પણ ફેંકવા માંડે, પોતાની રૂમ બંધ કરી દે અને મમ્મી ખાવા બોલાવે તો ફટ દઈને ના પાડી દે અને થોડી વાર પછી ભૂખ લાગતાં પેટમાં ઉંદરડા દોડવા માંડે એટલે પ્લીઝ કહીને ખાવાનું માગે એવું બાળક જેવું વર્તન પીસીબીએ કર્યું.’

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button