
મુંબઈઃ મુંબઈમાં રહેતી 13 વર્ષની રિધમ મામણિયા (Rythm Mamania)એ સ્કૅટિંગમાં અનેરી સિદ્ધિ હાંસલ કરી છે. તે એશિયન (Asian) સ્પર્ધામાં ચૅમ્પિયન બની છે. સાઉથ કોરિયા (South korea)માં આયોજિત એશિયન રૉયલ સ્કેટિંગ ચૅમ્પિયનશિપમાં રિધમે સૉલો ફ્રી ડાન્સ ઇવેન્ટમાં પ્રથમ સ્થાન મેળવીને ગોલ્ડ મેડલ જીતી લીધો છે.
આ સ્પર્ધાની 20મી સીઝન સાઉથ કોરિયાના જેક્યૉન સિટીમાં યોજાઈ અને એમાં ભારતીય સ્કૅટર રિધમ મામણિયા છવાઈ ગઈ હતી. છ વખત રાષ્ટ્રીય વિજેતા બનેલી રિધમ માટે 2025નું વર્ષ શુકનિયાળ સાબિત થયું છે.
રિધમ આ વર્ષની શરૂઆતમાં તાઇવાન આર્ટિસ્ટિક રૉલર સ્કૅટિંગ ઓપન કૉમ્પિટિશન જીતી હતી. એમાં તેણે અનેક દેશોની સ્પર્ધકોને પાછળ રાખીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. પીટીઆઇના અહેવાલ મુજબ રિધમ ચાર વર્ષની હતી ત્યારથી સ્કૅટિંગ કરે છે. હવે તે બ્રિસ્બેનમાં પૅસિફિક કપ જીતવા પર ધ્યાન આપશે.