ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈએ રણજીની નવી સીઝનમાં જીતવાનું શરૂ કર્યું
બરોડા સામેની હાર બાદ મહારાષ્ટ્રને નવ વિકેટે હરાવ્યું

મુંબઈ: અજિંકય રહાણેના સુકાનમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈએ મહારાષ્ટ્રને અહીં રણજી ટ્રોફીમાં નવ વિકેટે હરાવી દીધું હતું.
મુંબઈને જીતવા 74 રનનો લક્ષ્યાંક મળ્યો હતો અને ઓપનર પૃથ્વી શૉ (36 બૉલમાં 39 રન) તથા હાર્દિક તમોરે (26 બૉલમાં 21 રન)ની અણનમ ઇનિંગ્સની મદદથી મુંબઈએ સોમવારના છેલ્લા દિવસે 75/1ના સ્કોર સાથે આસાન વિજય મેળવી લીધો હતો.
મહારાષ્ટ્રની ટીમ બીજા દાવમાં ઋતુરાજ ગાયકવાડની સદી (145 રન)ની મદદથી 388 રન બનાવી શકી હતી અને મુંબઈને માત્ર 74 રનનો ટાર્ગેટ આપી શકાયો હતો.
મહારાષ્ટ્રની બીજી ઇનિંગ્સમાં મુંબઈ વતી તનુષ કોટિયન, શમ્સ મુલાની અને મોહિત અવસ્થીએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.
પ્રથમ દાવમાં મહારાષ્ટ્રના 126 રનના જવાબમાં મુંબઈએ આયુષ મ્હાત્રેના 176 રન અને શ્રેયસ ઐયરના 142 રનની મદદથી 441 રન બનાવીને 315 રનની લીડ લીધી હતી.
Also Read – New Zealandની મહિલાઓ T20ની નવી વર્લ્ડ ચેમ્પિયન: કેપ્ટન ડિવાઈને જીત્યા પછી કેમ ખાસ ભારતનું નામ લીધું?
મુંબઈના સ્ટાર ઓપનર આયુષ મ્હાત્રેને પહેલા દાવના દમદાર 176 રન બદલ મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો.
મુંબઈ પ્રથમ મૅચમાં બરોડા સામે 84 રનથી હારી ગયું હતું.
રવિવારે ધરમશાલામાં રાજસ્થાને હિમાચલ પ્રદેશ સામે આઠ વિકેટે જીત મેળવી હતી. રાજસ્થાને પચીસ રનનો લક્ષ્યાંક બે વિકેટના ભોગે મેળવી લીધો હતો.