સ્પોર્ટસ

મુંબઈ છેક આટલા વર્ષે 15મી વાર ઇરાની કપ જીત્યું

રેસ્ટ ઑફ ઇન્ડિયા આઠ બોલરના આક્રમણ છતાં મુંબઈને ન નમાવી શક્યું, કોટિયનની યાદગાર સેન્ચુરી

લખનઊ: મુંબઈએ અહીં શનિવારે બપોરે રેસ્ટ ઑફ ઇન્ડિયા સામેની મૅચ ડ્રૉ થતાં પ્રથમ દાવની સરસાઈને આધારે વિજય મેળવ્યો હતો. મુંબઈની ટીમ સૌથી વધુ 42 વખત રણજી ટાઇટલ જીત્યું છે અને ઇરાની કપ નામની પ્રતિષ્ઠિત ટ્રોફી છેક 27 વર્ષ બાદ જીત્યું છે. મુંબઈનું આ 15મું ઇરાની કપ ટાઇટલ છે.

આ પણ વાંચો: ઇરાની કપના આ બૅટરનો પણ સિલેક્ટર્સને ગર્ભિત ઇશારો, ‘મને સિલેક્શન વખતે યાદ રાખજો’

સામાન્ય રીતે ઇરાની કપનો પાંચ દિવસનો મુકાબલો રણજી ચૅમ્પિયન અને રેસ્ટ ઑફ ઇન્ડિયા વચ્ચે થતો હોય છે. મુંબઈ છેલ્લે 1997-’98ની સીઝનમાં ઇરાની કપ જીત્યું હતું. ત્યાર બાદ મુંબઈ આઠ વખત રણજી ચૅમ્પિયન બન્યું હતું, પણ ઇરાની કપમાં એને આઠમાંથી ક્યારેય સફળતા નહોતી મળી. જોકે આ વખતે ખાસ કરીને બૅટર સરફરાઝ ખાન (અણનમ 222 અને 17 રન), કૅપ્ટન અજિંક્ય રહાણે (97 રન અને 9 રન), તનુષ કોટિયન (64 રન, 114 અણનમ, 101 રનમાં ત્રણ વિકેટ)ના તેમ જ શમ્સ મુલાની, મોહિત અવસ્થી, વગેરે બોલર્સના પર્ફોર્મન્સની મદદથી મુંબઈએ ઇરાની કપ જીતવામાં સફળતા હાંસલ કરી.
મુંબઈએ પહેલા દાવમાં 537 રન બનાવ્યા હતા જેના જવાબમાં રેસ્ટ ઑફ ઇન્ડિયાએ અભિમન્યૂ ઈશ્ર્વરનના 191 રન અને વિકેટકીપર ધ્રુવ જુરેલના 93 રનની મદદથી 416 રન બનાવ્યા હતા. મુંબઈએ 121 રનની સરસાઈ મેળવી હતી જે છેવટે એને ઇરાની કપ ટ્રોફી પોણાત્રણ દાયકે ફરી મેળવવામાં કામ લાગી હતી.

બીજો દાવ મુંબઈએ 8 વિકેટે બનાવેલા 329 રનના સ્કોર પર ડિક્લેર કરી દીધો હતો. ઓપનર પૃથ્વી શૉના 76 રન બાદ પચીસ વર્ષના ઑફ-સ્પિનિંગ ઑલરાઉન્ડર તનુષ કોટિયને રેસ્ટ ઑફ ઇન્ડિયાના આઠ બોલરના આક્રમણ વચ્ચે 150 બૉલમાં એક સિક્સર અને દસ ફોરની મદદથી અણનમ 114 રન બનાવ્યા હતા. તેની સાથે મોહિતે અવસ્થી 51 રને અણનમ રહ્યો હતો. મુંબઈએ શુક્રવારની ચોથા દિવસની રમત 153/6 સાથે પૂરી કરી હતી અને છેવટે 329/8ના સ્કોર પર દાવ ડિક્લેર કર્યો અને રેસ્ટને 450 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જોકે સમયના અભાવ બદલ મૅચને ડ્રૉ જાહેર કરવામાં આવી હતી તેમ જ મુંબઈને વિજેતા ઘોષિત કરાયું હતું.

આ પણ વાંચો: સરફરાઝ, જુરેલ અને દયાલને ઇરાની કપ માટે રીલિઝ કરી શકે છે ભારતીય ટીમ…

મુંબઈ સામે બીજા દાવમાં રેસ્ટના જે આઠ બોલરે બોલિંગ કરી એની વિગત આ પ્રમાણે છે: મુકેશ કુમાર (3-0-25-0), પ્રસિદ્ધ ક્રિષ્ના (5-0-26-0), સારાંશ જૈન (28-3-121-6), માનવ સુથાર (28-1-78-2), યશ દયાલ (3-0-10-0), ઇશાન કિશન (1-0-6-0), સાઇ સુદર્શન (6-0-27-0) અને દેવદત્ત પડિક્કલ (4-0-18-0).

સરફરાઝ ખાનને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
મુંબઈ ક્રિકેટ અસોસિયેશન (એમસીએ)ના પ્રમુખ અજિંક્ય નાઇકે ઇરાની કપ જીતવા બદલ મુંબઈની ટીમને અભિનંદન આપ્યા હતા અને એની પ્રશંસા કરી હતી. પીટીઆઇના અહેવાલ મુજબ તેમણે મૅચ પછી કહ્યું, ‘મુંબઈની ટીમે ફરી એકવાર હિંમત, દૃઢતા અને સંકલ્પશક્તિ બતાવ્યા. ઇરાની કપ જીતવા બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button