
મુંબઈ: પાંચ વાર ટાઇટલ જીતેલી મુંબઈ ઇન્ડિયન્સની ટીમે અહીં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુને ‘રનોત્સવ’ના માહોલમાં થયેલા રોમાંચક મુકાબલામાં સાત વિકેટે હરાવીને આ સીઝનમાં અત્યંત જરૂરી બીજી જીત મેળવી હતી. સ્ટાર ક્રિકેટર્સવાળી બેન્ગલૂરુની ટીમના નામે હજી પણ એક જ જીત છે અને એ છમાંથી પાંચ મૅચ હારી ચૂકી છે.
વાનખેડેની આખી મૅચમાં કુલ 395 રન બન્યા હતા જેમાં બેન્ગલૂરુના ત્રણ અને મુંબઈના પાંચ બૅટરની જબરદસ્ત ફટકાબાજીની મોજ 30,000-પ્લસ પ્રેક્ષકોએ માણી હતી અને ‘પૈસા વસૂલ’ પર્ફોર્મન્સીઝ જોયા હતા.
આખી મૅચમાં કુલ 26 સિક્સર ફટકારવામાં આવી. એમાંની 11 બેન્ગલૂરુની અને 15 મુંબઈની ઇનિંગ્સમાં જોવા મળી.
મુંબઈએ 197 રનનો લક્ષ્યાંક 15.3 ઓવરમાં ત્રણ વિકેટના ભોગે મેળવી લીધો હતો. મુંબઈએ આવશ્યક બે પૉઇન્ટ પણ મેળવ્યા હતા અને એને નેટ રનરેટમાં પણ ફાયદો થયો છે.
મુંબઈની ટીમ તળિયેથી સાતમા નંબર પર આવી ગઈ છે. મુંબઈ પાસે હવે ચાર પૉઇન્ટ અને -0.073નો રનરેટ છે. રાજસ્થાન બુધવારની પહેલી હાર પછી પણ મોખરે છે.
ઇશાન કિશન (69 રન, 34 બૉલ, પાંચ સિક્સર, સાત ફોર), સૂર્યકુમાર યાદવ (બાવન રન, 19 બૉલ, ચાર સિક્સર, પાંચ ફોર), રોહિત શર્મા (38 રન, 24 બૉલ, ત્રણ સિક્સર, ત્રણ ફોર), હાર્દિક પંડ્યા (21 અણનમ, છ બૉલ, ત્રણ સિક્સર)એ વાનખેડે પર રનનો વરસાદ વરસાવ્યો હતો.
સૂર્યકુમાર યાદવ કમબૅક પછીની પ્રથમ મૅચમાં (રવિવારે) દિલ્હી સામે ઝીરોમાં આઉટ થયા બાદ (ગુરુવારે) બેન્ગલૂરુ સામે હીરો બન્યો હતો. તે અસલ મિજાજમાં અને અસલ સ્ટાઇલમાં રમ્યો હતો. છેલ્લે હાર્દિક સાથે તિલક વર્મા (16 અણનમ, 10 બૉલ, ત્રણ ફોર) વિજયના ઉન્માદમાં પૅવિલિયનમાં પાછો આવ્યો હતો.
એ પહેલાં, બેન્ગલૂરુએ બૅટિંગ મળ્યા પછી આઠ વિકેટે 196 રન બનાવ્યા હતા. હજારો પ્રેક્ષકોને મુખ્ય બૅટર વિરાટ કોહલી (ત્રણ રન)ની ફટકાબાજી તો નહોતી માણવા મળી, પણ રજત પાટીદાર (50 રન, 26 બૉલ, ચાર સિક્સર, ત્રણ ફોર), કૅપ્ટન ફાફ ડુ પ્લેસી (61 રન, 40 બૉલ, ત્રણ સિક્સર, ચાર ફોર) તેમ જ ખાસ કરીને 38 વર્ષના દિનેશ કાર્તિક (53 અણનમ, 23 બૉલ, ચાર સિક્સર, પાંચ ફોર)ની આતશબાજીની મોજ જરૂર માણવા મળી હતી. કાર્તિકની આ શક્યત: છેલ્લી આઇપીએલ છે.
‘બૂમ…બૂમ…’ની બૂમો વચ્ચે જસપ્રીત બુમરાહ 21 રનમાં પાંચ વિકેટ લેવામાં સફળ થયો હતો, પરંતુ પાટીદારે પરચો બતાવ્યા પછી કાર્તિકે કમાલ કરી હતી. તેણે બેન્ગલૂરુની 16મી ઓવરમાં (આકાશ મઢવાલની બોલિંગમાં) વારંવાર ચાલાકીથી બૉલને સ્લિપની કૉર્ડનમાંથી બાઉન્ડરી લાઇન પર મોકલીને કરતબ બતાડી હતી. જોકે તેને જીવતદાન પણ મળ્યુંં હતું.
એ ઓવરમાં કાર્તિકે કુલ ચાર ફોર ફટકારી હતી. એ ઓવરમાં 19 રન બન્યા હતા. વાનખેડેમાં અગાઉ ખૂબ સફળ થયેલા મઢવાલની 20મી ઓવર પણ ખર્ચાળ નીવડી હતી. એમાં કાર્તિકે ઉપરાઉપરી બૉલમાં 6, 6, 4 ફટકારીને ફરી 19 રન બનાવ્યા હતા. કાર્તિકના છેલ્લા નવ બૉલના રન આ મુજબ હતા: 1, 1, 6, 6, 0, 6, 6, 4, 1.
ટી-20ની એક ઇનિંગ્સમાં કોઈ બોલરે પાંચ વિકેટ લીધી હોય અને એ જ ઇનિંગ્સમાં ત્રણ બૅટરે 50-પ્લસ રન બનાવ્યા હોય એવું પહેલી જ વાર બન્યું. બીજું, પહેલી વાર ટી-20 ઇનિંગ્સમાં ત્રણ હાફ સેન્ચુરીની સાથે ત્રણ બૅટર્સના ઝીરો પણ નોંધાયા. મૅક્સવેલ, લૉમરૉર, વૈશાક શૂન્યમાં આઉટ થયા હતા.
બુમરાહ આઇપીએલમાં વિરાટને કુલ પાંચ વખત આઉટ કરી ચૂક્યો છે.
મુંબઈની હવે રવિવારે વાનખેડેમાં ચેન્નઈ સાથે (સાંજે 7.30 વાગ્યાથી) ટક્કર છે. બેન્ગલૂરુ સોમવારે (સાંજે 7.30 વાગ્યાથી) ઘરઆંગણે હૈદરાબાદ સામે રમશે.