ત્રણ સેન્ચુરી, ત્રણ હાફ સેન્ચુરીઃ મુંબઈ 671 રનનો ઢગલો કરીને હવે એક દાવથી જીતવાની તૈયારીમાં…
મુંબઈઃ ચાર દિવસીય રણજી મૅચમાં આજે બીજા દિવસે મુંબઈએ મેઘાલય સામે પ્રથમ દાવમાં ત્રણ બૅટરની સેન્ચુરી અને ત્રણની હાફ સેન્ચુરીની મદદથી સાત વિકેટે 671 રનના સ્કોર પર દાવ ડિક્લેર કરીને 585 રનની તોતિંગ સરસાઈ લીધી હતી અને પછી બીજા દાવમાં મેઘાલયની 27 રનમાં બે વિકેટ લઈ લીધી હતી.
મુંબઈએ નૉકઆઉટ રાઉન્ડ માટે આ મૅચ એક બોનસ પૉઇન્ટ સાથે જીતવી ખૂબ જરૂરી છે અને એ આશા ફળીભૂત થશે, કારણકે મુંબઈ એક દાવથી જીતવાની તૈયારીમાં છે એમ કહી શકાય.
Also read : `ચાર લેફ્ટી ક્રિકેટરો’એ ભારતને વિમેન્સ વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચાડી દીધું
પહેલા દાવમાં મેઘાલયના 86 રન હતા. મુંબઈને બીજા દાવમાં 650-પ્લસનો સ્કોર અપાવવામાં સિદ્ધેશ લાડ (145 રન), વિકેટકીપર આકાશ આનંદ (103 રન), શમ્સ મુલાની (100 અણનમ) તેમ જ કૅપ્ટન અજિંક્ય રહાણે (96 રન), સૂર્યાંશ શેડગે (61 રન) અને શાર્દુલ ઠાકુર (84 રન)ના સૌથી મહત્ત્વના યોગદાન હતા. તનુષ કોટિયન 34 રને અણનમ રહ્યો હતો. રહાણે ચાર રન માટે 41મી ફર્સ્ટ-ક્લાસ સેન્ચુરી ચૂકી ગયો હતો. મેઘાલયના સાત બોલરે બોલિંગ કરી હતી.
પ્રથમ દાવમાં ચાર વિકેટ લેનાર શાર્દુલે આજે બીજી ઇનિંગ્સમાં બન્ને વિકેટ લીધી હતી.
અન્ય રણજી મૅચોમાં શું બન્યું?
(1) વડોદરામાં ચાર દિવસીય રણજી મૅચના બીજા દિવસે જમ્મુ અને કાશ્મીરે બરોડાને 166 રનમાં આઉટ કરીને 80 રનની સરસાઈ લીધી હતી અને બીજા દાવમાં એક વિકેટે 125 રન બનાવી લીધા હતા જેને પગલે જમ્મુ અને કાશ્મીરના કુલ 205 રન હતા અને હજી નવ વિકેટ પડવાની બાકી હતી.
Also read : વિરાટ કોહલીના સાવ સસ્તામાં ડાંડિયા ડૂલ… હજારો પ્રેક્ષકો સ્તબ્ધ
(2) અમદાવાદમાં હિમાચલ પ્રદેશ પ્રથમ દાવમાં 215 રનમાં આઉટ થયા બાદ ગુજરાતની ટીમ જયમીત પટેલના પંચાવન રન તથા હેમાંગ પટેલના આક્રમક 41 રનની મદદથી 247 રન બનાવીને 32 રનની સરસાઈ લીધી હતી. હેમાંગ પટેલના 41 રનમાં ચાર સિક્સર અને બે ફોરનો સમાવેશ હતો. હિમાચલે બીજા દાવમાં 63 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી.
(3) રાજકોટમાં સૌરાષ્ટ્રએ 474 રન બનાવ્યા બાદ આસામની ટીમ ધર્મેન્દ્રસિંહ જાડેજાની ચાર વિકેટને લીધે 164 રનમાં આઉટ થઈ ગઈ હતી. સૌરાષ્ટ્રએ 310 રનની લીડ લીધી હતી અને ફૉલો-ઑન બાદ આસામના એક વિકેટે 67 રન હતા.