સ્પોર્ટસ

સરફરાઝે ટીમ ઇન્ડિયામાં જગ્યા ન મળી તો ડબલ સેન્ચુરીથી સિલેક્ટર્સને આપ્યો જવાબ…

કે. એલ. રાહુલને પણ ‘ચેતવી દીધો’: રહાણે સદી ચૂક્યો, મુંબઈના 536/9

લખનઊ: અહીં પાંચ દિવસની ઇરાની કપ મૅચમાં મુંબઈના સરફરાઝ ખાને (221 નૉટઆઉટ, 276 બૉલ, ચાર સિક્સર, પચીસ ફોર) છઠ્ઠા નંબર પર બૅટિંગ કરવા આવીને ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટની 15મી સદી ડબલ સેન્ચુરીના રૂપમાં ફટકારીને પોતાને તાજેતરની બાંગ્લાદેશ સામેની ટેસ્ટ-સિરીઝમાં સિલેક્ટ ન કરવા બદલ આડકતરી રીતે સિલેક્ટર્સને ઇશારો કરી દીધો હશે કે જુઓ, મારામાં મોટી ઇનિંગ્સ રમવાની કેટલી બધી ક્ષમતા છે.

આ પણ વાંચો :સરફરાઝ ખાનનો સચિન-સૂર્યા જેવો રૅમ્પ શૉટ

પ્રથમ કક્ષાની ક્રિકેટમાં ટ્રિપલ સેન્ચુરી (અણનમ 301) ફટકારી ચૂકેલા સરફરાઝની આ ડબલ સેન્ચુરીની મદદથી મુંબઈએ પ્રથમ દાવમાં બુધવારની રમતના અંત સુધીમાં નવ વિકેટે 536 રન બનાવ્યા હતા.

સિલેક્ટર્સે બાંગ્લાદેશ સામે મિડલ-ઑર્ડરના બૅટર તરીકે કે. એલ. રાહુલને ટીમ ઇન્ડિયામાં સ્થાન આપ્યું હતું. બે ટેસ્ટના ત્રણ દાવમાં તેના સ્કોર્સ આ મુજબ હતા: 16 તથા અણનમ બાવીસ અને 68 રન.

ઇરાની કપની મૅચ રણજી ચૅમ્પિયન ટીમ અને રેસ્ટ ઑફ ઇન્ડિયા વચ્ચે રમાતી હોય છે.

સરફરાઝ ખાને ઇરાની કપમાં 26 વર્ષ અને 346 દિવસની ઉંમરે ડબલ સેન્ચુરી ફટકારવાની સિદ્ધિ મેળવી છે. જોકે સૌથી નાની ઉંમરે ઇરાની કપમાં ડબલ સેન્ચુરી ફટકારવાની વિરલ સિદ્ધિ યશસ્વી જયસ્વાલના નામે છે. તેણે ગયા વર્ષે 21 વર્ષ અને 63 દિવસની ઉંમરે ડબલ સેન્ચુરી નોંધાવી હતી. એ પહેલાં, પ્રવીણ આમરેએ બાવીસ વર્ષની ઉંમરે અને ગુંડપ્પા વિશ્ર્વનાથે પચીસ વર્ષની ઉંમરે ઇરાની કપના એક દાવમાં 200-પ્લસ રન બનાવ્યા હતા.

દરમ્યાન લખનઊની ઇરાની કપ મૅચમાં બુધવારે મુંબઈનો કૅપ્ટન અજિંક્ય રહાણે (97 રન, 234 બૉલ, એક સિક્સર, સાત ફોર) રેસ્ટ ઑફ ઇન્ડિયાના પેસ બોલર યશ દયાલના બૉલમાં ખરાબ શૉટ મારવાની ભૂલને કારણે ત્રણ રન માટે સદી ચૂકી ગયો હતો. વિકેટકીપર ધ્રુવ જુરેલે તેનો કૅચ પકડ્યો હતો.

જોકે સરફરાઝની ડબલ સેન્ચુરીના જોર પર જ મુંબઈએ 500નો આંકડો પાર કર્યો હતો. સરફરાઝ-રહાણે વચ્ચે પાંચમી વિકેટ માટે 131 રનની અને સરફરાઝ-તનુષ કોટિયન વચ્ચે સાતમી વિકેટ માટે 183 રનની તોતિંગ ભાગીદારી થઈ હતી. કોટિયને 124 બૉલમાં 64 રન બનાવ્યા હતા.

રેસ્ટ ઑફ ઇન્ડિયાના બોલર્સમાંથી મુકેશ કુમારે ચાર વિકેટ તેમ જ યશ દયાલ અને પ્રસિદ્ધ ક્રિષ્નાએ બે-બે વિકેટ લીધી હતી.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત