મુંબઈ હારી જતાં કર્ણાટક સેમિમાં, સૌરાષ્ટ્ર પણ જીતીને લાસ્ટ ફોરમાં

અલુર(બેંગલૂરુ): ભારતના મહાન ક્રિકેટર વિજય હઝારેના નામ પરથી દર વર્ષે રમાતી વિજય હઝારે ટ્રોફી વન-ડે ટૂર્નામેન્ટમાં સોમવારે બેંગલૂરુમાં વરસાદ અને નબળા પ્રકાશને કારણે બન્ને કવૉર્ટર ફાઈનલ ખોરવાઇ ગઈ હતી. પહેલી કવૉર્ટર (Quarter)માં ખરાબ હવામાન પછી મુંબઈ (Mumbai)નો કર્ણાટક સામે 55 રનથી પરાજય થયો હતો, જયારે બીજી ક્વૉર્ટરમાં સૌરાષ્ટ્ર (Saurashtra)નો ઉત્તર પ્રદેશ સામે 17 રનથી વિજય થયો હતો. કર્ણાટક અને સૌરાષ્ટ્ર હવે સેમિ ફાઈનલમાં પહોંચી ગયા છે. તેમના હરીફો મંગળવારે નક્કી થશે.
ભારતની વીજેડી પદ્ધતિ લાગુ કરાઈ
બેંગલૂરુમાં અલુરના એક મેદાન પર મુંબઈએ શમ્સ મુલાનીના 86 રનની મદદથી 50 ઓવરમાં 8 વિકેટે 254 રન કર્યાં હતા. કર્ણાટકે જીતવા 50 ઓવરમાં 255 રન કરવાના હતા. મૅન ઑફ ધ મૅચ દેવદત્ત પડિક્કલના અણનમ 81 રન અને કરુણ નાયરના અણનમ 74 રનની મદદથી તથા તેમની વચ્ચેની 143 રનની અતૂટ ભાગીદારીની સહાયથી કર્ણાટકનો સ્કોર 33 ઓવરમાં 1/187 હતો ત્યારે વરસાદ અને બૅડલાઈટ નડતાં ઇંગ્લૅન્ડની ડક્વર્થ/લુઇસ નહીં, પણ ભારતની ખૂબ આસાન વીજેડી (વી. જયદેવન પદ્ધતિ) લાગુ કરાઈ હતી. એ મુજબ કર્ણાટકે 33 ઓવરમાં જીતવા 133 રન કરવા જોઈતા હતા, જયારે એણે 187 રન કરી લીધા હોવાથી એને (કર્ણાટકને) વિજેતા ઘોષિત કરાયું હતું.
જાણો સૌરાષ્ટ્ર કેવી રીતે જીત્યું…
અલુરમાં બીજા મેદાન પર ઉત્તર પ્રદેશે અભિષેક ગોસ્વામીના 88 રન અને સમીર રિઝવીના અણનમ 88 રનની મદદથી 50 ઓવરમાં આઠ વિકેટે 310 રન કર્યાં હતા. સૌરાષ્ટ્રના ચેતન સાકરિયાએ ત્રણ તેમ જ અંકુર પન્વાર તથા પ્રેરક માંકડે બે-બે વિકેટ અને પાર્શ્વરાજ રાણાએ એક વિકેટ લીધી હતી.
હાર્વિક દેસાઈની સદી, પ્રેરકને પુરસ્કાર
સૌરાષ્ટ્રએ જીતવા 50 ઓવરમાં 311 રન કરવાના હતા. જોકે એનો સ્કોર ઓપનર હાર્વિક દેસાઈના અણનમ 100 રન, મૅન ઑફ ધ મૅચ પ્રેરક માંકડના 67 રન તેમ જ ચિરાગ જાનીના અણનમ 40 રનની મદદથી 40.1 ઓવરમાં 3/238 હતો ત્યારે આસાન વીજેડી પદ્ધતિ લાગુ કરાઈ હતી. એ મુજબ સૌરાષ્ટ્રએ 40.1 ઓવરમાં જીતવા 222 રન કરવા જોઈતા હતા, જયારે એણે 238 રન કરી લીધા હોવાથી એને (સૌરાષ્ટ્રને) વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું.
મંગળવારે કઈ બાકીની બે કવૉર્ટર ફાઈનલ?
મંગળવારે બાકીની બે કવૉર્ટર ફાઈનલ પંજાબ-મધ્ય પ્રદેશ વચ્ચે અને દિલ્હી-વિદર્ભ દિલ્હી વચ્ચે રમાશે.
આપણ વાંચો: ICC U-19 વર્લ્ડ કપ: ઇંગ્લેન્ડ સામેની વૉર્મ-અપ મેચમાં ફ્લોપ રહ્યો સ્ટાર બેટર વૈભવ સૂર્યવંશી



