
મુંબઈઃ અહીં આજે બ્રેબર્ન સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ વિમેન ટીમે દિલ્હી કૅપિટલ્સ વિમેનને અત્યંત રોમાંચક ફાઇનલમાં આઠ રનથી હરાવીને વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)નું ટાઇટલ ત્રણ વર્ષમાં બીજી વાર જીતી લીધું હતું. મુંબઈની ટીમ બીજી વાર ફાઇનલ રમી અને બીજી ટ્રોફી જીતી લીધી.
Also read : IPL 2025 માં બે ગુજરાતી સંભાળશે ટીમની કમાન, 5 ટીમ નવા કેપ્ટન સાથે ઉતરશે…

2023ની પ્રથમ સીઝનની વિજેતા મુંબઈએ બૅટિંગ મળ્યા પછી 20 ઓવરમાં સાત વિકેટે ફક્ત 149 રન બનાવ્યા હતા. દિલ્હીની ટીમ 150 રનનો સાધારણ લક્ષ્યાંક મળ્યા પછી પણ ભારે રસાકસી વચ્ચે 20 ઓવરમાં નવ વિકેટે 141 રન બનાવી શકી હતી. દિલ્હીએ છેલ્લા છ બૉલમાં 14 રન બનાવવાના હતા અને એક વિકેટ બાકી હતી, પણ દિલ્હીની બૅટર્સ પાંચ રન બનાવી શકી હતી. જુનિયર વર્લ્ડ કપ વિજેતા ટીમની કૅપ્ટન નિકી પ્રસાદ પચીસ રને અને શ્રી ચરણી ત્રણ રને અણનમ રહી ગઈ હતી.

મુંબઈની નબળી ફીલ્ડિંગ વચ્ચે દિલ્હીની જેમાઇમા રૉડ્રિગ્સ (30 રન, 21 બૉલ, ચાર ફોર)એ બહુ સારી લડત આપી હતી, પણ 11મી ઓવરમાં સ્પિનર ઍમેલી કેરે પોતાના જ બૉલમાં તેનો અફલાતૂન ડાઇવિંગ કૅચ પકડીને બાજી ફેરવી નાખી હતી. ત્યાર બાદ સાઉથ આફ્રિકાની 35 વર્ષીય મૅરિઝેન કૅપે (40 રન, 26 બૉલ, બે સિક્સર, પાંચ ફોર) જીવતદાનો વચ્ચે ફટકાબાજી ચાલુ રાખી હતી. જોકે મુંબઈની નૅટ સિવર-બ્રન્ટે 18મી ઓવરમાં બે વિકેટ લઈને તરખાટ મચાવ્યો હતો. તેણે કુલ ત્રણ વિકેટ લઈને મૅચ-વિનિંગ પર્ફોર્મ કર્યું હતું.
ઑસ્ટ્રેલિયાની મેગ લેનિંગના સુકાનમાં દિલ્હીની ટીમ 2023ની પ્રથમ સીઝનની ફાઇનલમાં મુંબઈ સામે અને 2024ની બીજી સીઝનની ફાઇનલમાં બેન્ગલૂરુ સામે હારી હતી. ફાઇનલની હૅટ-ટ્રિક કરનાર લેનિંગની દિલ્હીની ટીમને બ્રેબર્નમાં આજે મુંબઈ સામે જીતીને 2023ની હારનો બદલો લેવા ઉપરાંત પ્રથમ ટ્રોફી મેળવવાની સોનેરી તક હતી જે દિલ્હીની ટીમે ગુમાવી દીધી હતી.

એ પહેલાં, હરમનપ્રીત કૌર (44 બૉલમાં 66 રન)ની હાફ સેન્ચુરી તથા નૅટ સિવર-બ્રન્ટના 30 રન સિવાય બીજી કોઈ બૅટર 15 રન પણ નહોતી બનાવી શકી અને મુંબઈએ 149 રન બનાવ્યા હતા.
Also read : ગુજરાત જાયન્ટ્સની કાશ્વી છે હાર્દિકની બિગ ફૅન, બૅટ પર લખાવ્યું છે…
દિલ્હી વતી મૅરિઝેન કૅપ, જેસ જૉનાસેન અને શ્રી ચરણીએ બે-બે વિકેટ લીધી હતી. હરમનની મહત્ત્વની વિકેટ સધરલૅન્ડે અને નૅટની વિકેટ શ્રી ચરણીએ લીધી હતી.