મુંબઈ: કોઈ બૅટર હાફ સેન્ચુરીઓનો નવો કીર્તિમાન સ્થાપિત કરે કે કોઈ બોલર સૌથી ઝડપે (સૌથી ઓછી મૅચમાં) 50 વિકેટ લે એ ઘણી વાર સાંભળ્યું છે, પરંતુ કોઈ ટીમની પણ હાફ સેન્ચુરી હોય અને એ નવું સીમાચિહન બની જાય એ પહેલી વાર જાણ્યું.
વાત એવી છે કે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સે આઇપીએલમાં 50મી જીત મેળવી અને આ ટૂર્નામેન્ટમાં એક જ સ્થળે 50 મૅચમાં વિજય મેળવનાર મુંબઈ ઇન્ડિયન્સ પ્રથમ ટીમ બની છે. આ મૅચોની જીતમાં સુપર ઓવરમાં મેળવેલા વિજયની ગણતરી નથી કરાઈ તો પણ આ અનોખો વિક્રમ સૌથી પહેલાં મુંબઈ ઇન્ડિયન્સના નામે લખાયો છે.
મુંબઈ ઇન્ડિયન્સે નવમી વખત 190-પ્લસનો ટાર્ગેટ ચેઝ કર્યો. એ રીતે મુંબઈની ટીમે પંજાબ કિંગ્સની બરાબરી કરી હતી. બીજું, બૅન્ગલૂરુની ટીમ સામે અગિયારમી વાર 190-પ્લસનો લક્ષ્યાંક સફળતાપૂર્વક ચેઝ થયો છે અને એ પણ પંજાબ કિંગ્સ જેવો અનોખો રેકૉર્ડ છે.
આ પણ વાંચો : MI vs RCB: RCB મેચ હાર્યું, પણ કિંગ કોહલીએ દિલ જીત્યા, હાર્દિક પંડ્યાના ટ્રોલ્સને એક ઈશારાથી શાંત કર્યા, જુઓ વિડીઓ
ગુરુવારે બેન્ગલૂરુએ બૅટિંગ મળ્યા બાદ વિરાટ કોહલી (3)ની સાવ સસ્તામાં વિકેટ ગુમાવ્યા બાદ આઠ વિકેટે 196 રન બનાવ્યા હતા જેમાં કૅપ્ટન ફાફ ડુ પ્લેસીના 61 રન, વિકેટકીપર દિનેશ કાર્તિકના અણનમ 53 રન અને રજત પાટીદારના 50 રન હતા. જસપ્રીત બુમરાહે માત્ર 21 રનમાં કોહલી અને ડુ પ્લેસી સહિત પાંચ બૅટરની વિકેટ લીધી હતી. જેરાલ્ડ કૉએટ્ઝી, આકાશ મઢવાલ અને શ્રેયસ ગોપાલને એક-એક વિકેટ મળી હતી. મુંબઈએ 15.3 ઓવરમાં ત્રણ વિકેટના ભોગે 199 રન બનાવીને શાનદાર વિજય મેળવ્યો હતો. ઇશાન કિશન (69 રન, 34 બૉલ, પાંચ સિક્સર, સાત ફોર)નું 199 રનમાં સૌથી મોટું યોગદાન હતું. જોકે સૂર્યકુમાર યાદવ (બાવન રન, 19 બૉલ, ચાર સિક્સર, પાંચ ફોર) અસલ મિજાજમાં ધમાકેદાર ઇનિંગ્સ રમ્યો હતો. તેણે 17 બૉલમાં 50 રન પૂરા કર્યા હતા અને એ રીતે તે મુંબઈ ઇન્ડિયન્સનો સેક્ધડ ફાસ્ટેસ્ટ હાફ સેન્ચુરિયન બન્યો છે. ઇશાન કિશને 2021માં સનરાઇઝર્સ સામે 16 બૉલમાં 50 રન પૂરા કર્યા હતા. સૂર્યકુમાર ટી-20 ઇન્ટરનૅશનલનો નંબર વન બૅટર છે અને 17 બૉલમાં હાફ સેન્ચુરી તેના તમામ ફિફ્ટીમાં ફાસ્ટેસ્ટ છે.
રોહિત શર્મા (38 રન, 24 બૉલ, ત્રણ સિક્સર, ત્રણ ફોર)નું પણ 199 રનમાં ઉપયોગી યોગદાન હતું. રોહિતના સુકાનમાં મુંબઈ પાંચ ટાઇટલ જીત્યું છે અને તે મુંબઈ વતી 203 મૅચ રમ્યો છે, પરંતુ પહેલી જ વાર તેણે સાથી બૅટર સાથે સેન્ચુરીની ઓપનિંગ પાર્ટનરશિપ કરી હોવાનો કિસ્સો નોંધાયો છે. ગુરુવારે તેની અને કિશન વચ્ચે 101 રનની ભાગીદારી થઈ હતી.
આ પણ વાંચો : IPL 2024 MI vs RCB મેચ દરમિયાન રોહિત શર્માએ આ શું કર્યું જે કેમેરામાં કેદ થઇ ગયું?
ગુરુવારે હાર્દિક પંડ્યા (21 અણનમ, છ બૉલ, ત્રણ સિક્સર)એ અસરદાર પર્ફોર્મ કર્યું હતું. તેની સાથે તિલક વર્મા (16 અણનમ, 10 બૉલ, ત્રણ ફોર) છેક સુધી ક્રીઝ પર રહ્યો હતો. રીસ ટૉપ્લી, મોહમ્મદ સિરાજ અને મૅક્સવેલને વિકેટ નહોતી મળી. આકાશ દીપ, વિજયકુમાર વૈશાક અને નવા ઑલરાઉન્ડર ઇંગ્લૅન્ડના વિલ જૅક્સને એક-એક વિકેટ મળી હતી.
બુમરાહને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો. તે બેન્ગલૂરુની ટીમ વિરુદ્ધ મૅચમાં પાંચ વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો છે. તેણે ચેન્નઈ સુપર કિંગ્સ વતી રમનાર આશિષ નેહરા (4/10)નો વિક્રમ તોડ્યો છે.
બુમરાહે ગુરુવારે વધુ એક વિક્રમની બરાબરી પણ કરી હતી. તે આઇપીએલની એક મૅચમાં પાંચ વિકેટની સિદ્ધિ બે વખત મેળવનારો ચોથો બોલર છે. આ પહેલાં જેમ્સ ફૉકનર, જયદેવ ઉનડકટ અને ભુવનેશ્ર્વર કુમારે બે વાર મૅચમાં પાંચ વિકેટ લીધી હતી. બુમરાહે ગુરુવારે 21મી વાર મૅચમાં ત્રણ કે વધુ વિકેટની સિદ્ધિ મેળવી અને આવું કરનાર તે આઇપીએલનો પહેલો જ બોલર છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને