IPL 2024સ્પોર્ટસ

મુંબઈ આજે હારશે એટલે બૉટમના બેન્ગલૂરુની બરાબરીમાં: બે ભાઈઓ આમનેસામને

હાર્દિક ઍન્ડ કંપનીએ લખનઊના ફાસ્ટેસ્ટ બોલર મયંક યાદવથી ચેતવું પડશે: સાંજે 7.30 વાગ્યે મૅચ શરૂ

લખનઊ: મુંબઈ ઇન્ડિયન્સની ટીમ ઉપરાઉપરી બે મૅચ હારી જવાને પગલે હવે પ્લે-ઑફ માટેની રેસમાંથી બહાર ન થઈ જવાય એ માટે આજે એણે લખનઊમાં લખનઊ સુપર જાયન્ટ્સ સામે જીતવું જ પડશે. બેન્ગલૂરુ સાવ તળિયે (10મા નંબરે) છે અને નવમા નંબરનું મુંબઈ આજે પણ હારશે તો બેન્ગલૂરુની બરાબરીમાં જ કહેવાશે અને પ્લે-ઑફ માટેની રેસમાંથી લગભગ બહાર થઈ જશે.

મુંબઈના ખાસ કરીને વિદેશી ફાસ્ટ બોલર્સ પર્ફોર્મન્સ સુધારવામાં સંઘર્ષ કરી રહ્યા છે. જેસન બેહરનડૉર્ફ તથા દિલશાન મદુશન્કા ઈજાને કારણે ટૂર્નામેન્ટની શરૂઆત પહેલાં જ ટીમમાંથી નીકળી ગયા હતા, પરંતુ તેમના સ્થાને લેવામાં આવેલા લ્યૂક વૂડ અને ક્વેના મફાકા ધાર્યા જેટલું સારું નથી રમી શક્યા. નુવાન થુશારા પણ અસરદાર બોલિંગ નથી કરી શક્યો. તેણે ઓવર દીઠ 12 રન આપ્યા છે. જેરાલ્ડ કૉએટ્ઝીએ કુલ 12 વિકેટ લીધી છે, પણ તેનો ઇકોનોમી રેટ (10.10) ઊંચો છે.


આ બધુ જોતાં બોલિંગમાં બધો બોજ જસપ્રીત બુમરાહ પર આવી ગયો છે.


લખનઊની ટીમ પણ એક પરાજય સહન કરીને આવી છે, પરંતુ આજે મુંબઈ સામેની જીત તેમને બીજા નંબર પર લાવી દેશે. તેમનો ફાસ્ટેસ્ટ બોલર મયંક યાદવ ફિટનેસ પાછી મેળવીને કમબૅક કરી રહ્યો છે એટલે હાર્દિક પંડ્યા ઍન્ડ કંપનીએ તેના અગાઉના ઝંઝાવાતને યાદ કરીને સાવધ થઈ જવું પડશે.


લખનઊની પિચ સ્લો હશે તો લ્યૂક વૂડના સ્થાને કુમાર કાર્તિકેયને ઇલેવનમાં સમાવાશે એવી સંભાવના છે.


આજે હાર્દિક પંડ્યા અને તેના મોટા ભાઈ કૃણાલ પંડ્યા વચ્ચેની હરીફાઈ રસપ્રદ બની શકે. હાર્દિક અત્યાર સુધીમાં તેના 23 બૉલમાં માત્ર 14 રન બનાવી શક્યો છે અને એક વાર વિકેટ પણ આપી બેઠો છે.


કેએલ રાહુલને વર્લ્ડ કપની ટીમમાં સ્થાન નથી મળ્યું એટલે તે પોતાની ક્ષમતા આજે પુરવાર કરીને સિલેક્ટર્સને સંકેત આપી શકશે કે તેમણે તેને સિલેક્ટ ન કરીને ભૂલ કરી.


અન્ય ફેસ-ટૂ-ફેસ હરીફાઈ આ મુજબની છે: (1) રોહિત શર્મા પીઢ સ્પિનર અમિત મિશ્રાની બોલિંગમાં આઠ વાર આઉટ થઈ ચૂક્યો છે અને 92 બૉલમાં માત્ર 87 રન બનાવી શક્યો છે. (2) બુમરાહે માર્કસ સ્ટોઇનિસને 44 બૉલમાં ચાર વાર આઉટ કર્યો છે. (3) મોહમ્મદ નબી ખાસ કરીને નિકોલસ પૂરનને કાબૂમાં રાખી શક્યો છે. તેના 43 બૉલમાં પૂરન ફક્ત 45 રન બનાવી શકયો છે અને એક વાર આઉટ થયો છે. નબી સામે ક્વિન્ટન ડિકૉક પણ ખાસ કંઈ સફળ નથી થયો. (4) રવિ બિશ્નોઈ સામે ઇશાન કિશન 21 બૉલમાં માત્ર 21 રન બનાવી શક્યો છે અને ત્રણ વાર વિકેટ ગુમાવી ચૂક્યો છે. ટિમ ડેવિડ પણ બિશ્નોઈ સામે બહુ સફળ નથી થયો. જોકે હાર્દિક અને તિલક વર્માએ બિશ્નોઈની બોલિંગને બહુ સારી ટ્રીટમેન્ટ આપી છે અને તેની બોલિંગમાં વિકેટ નથી ગુમાવી.


હેડ-ટૂ-હેડ મુકાબલાની વાત કરીએ તો બન્ને ટીમ વચ્ચે કુલ ચાર મૅચ રમાઈ છે જેમાંથી ત્રણ લખનઊએ અને એક મુંબઈએ જીતી છે.

બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-ઇલેવન
મુંબઈ: હાર્દિક પંડ્યા (કૅપ્ટન), ઇશાન કિશન (વિકેટકીપર), રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, નેહલ વઢેરા, ટિમ ડેવિડ, મોહમ્મદ નબી, પીયૂષ ચાવલા, કુમાર કાર્તિકેય/લ્યૂક વૂડ અને જસપ્રીત બુમરાહ. 12મો પ્લેયર: નુવાન થુશારા.

લખનઊ: કેએલ રાહુલ (કૅપ્ટન, વિકેટકીપર), ક્વિન્ટન ડિકૉક, માર્કસ સ્ટોઇનિસ, દીપક હૂડા, નિકોલસ પૂરન, ઍશ્ટન ટર્નર, આયુષ બદોની, કૃણાલ પંડ્યા, મયંક યાદવ, રવિ બિશ્નોઈ અને મોહસિન ખાન. 12મો પ્લેયર: યશ ઠાકુર.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button