ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2024માં મુંબઈ ઈન્ડિયન્સ(MI) શરૂઆત ખરાબ રહી છે, ટીમ હજુ સુધી જીતનું ખાતું નથી ખોલાવી શકી. MIને તેના પ્રથમ ત્રણ મેચમાં હાર મળી છે, એવામાં આજે આ સીઝનમાં પ્રથમ જીત મળવવાના ઈરાદા સાથે MIના ખેલાડીઓ મેદાનમાં ઉતરશે.
આજે રવિવારે IPL 2024ની 20મી મેચ હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની મુંબઈ ઇન્ડિયન્સ(MI) અને રિષભ પંતની આગેવાની હેઠળની દિલ્હી કેપિટલ્સ(DC) વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ(Wankhede stadium)માં રમાશે. અહેવાલો મુજબ આ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સની પ્લેઈંગ ઈલેવનમાં મોટો ફેરફાર જોવા મળશે.
ઈજામાંથી રીકવર થઈ રહેલા સૂર્યકુમાર યાદવ(Suryakumar Yadav) પ્રથમ ત્રણ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો હિસ્સો બની શક્યો નહોતો. પરંતુ હવે સૂર્યાને IPLમાં રમવાની મંજૂરી મળી ગઈ છે. MIએ એક વીડિયો શેર કરી સૂર્યા ટીમ સાથે જોડાઈ ગયો હોવાની જાણકારી આપી હતી. આવી સ્થિતિમાં સૂર્યા આજે દિલ્હી સામેની મેચમાં રમશે તે લગભગ નિશ્ચિત છે, જેને કારણે MIના ચાહકોમાં ઉત્સાહ છે.
સૂર્યા અગાઉની સિઝનમાં ઘણી વખત મુંબઈ માટે મેચ વિનર સાબિત થયો છે. સૂર્યા સામાન્ય રીતે ટીમ માટે નંબર 3 કે 4 પર રમે છે. હાલ મુશ્કેલીઓમાંથી પસાર થઇ રહેલી MI માટે સૂર્યાની વિસ્ફોટક બેટિંગ ઘણી ફાયદાકારક સાબિત થઈ શકે છે. MI સૂર્યાનો ઈમ્પેક્ટ પ્લેયર તરીકે ઉપયોગ કરી શકે છે. જોકે સુર્યા આજના મેચમાં રમશે એવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
હવે જોવાનું એ રહેશે કે જો પ્લેઈંગ ઈલેવનમાં સુર્યાનો સમાવેશ થાય તો શું એ MIને આ સિઝનમાં પ્રથમ જીત અપાવી શકશે! જોકે, સૂર્યાને જોવા માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. નવા કેપ્ટન હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં સૂર્યા કેવી રીતે રમે છે તે જોવું પણ રસપ્રદ રહેશે.
આ બે ટીમો વચ્ચે હરીફાઈ રસપ્રદ રહી છે. IPLના ઈતિહાસમાં આ બંને ટીમો અત્યાર સુધીમાં 33 વખત એકબીજા સામે મેદાન પર ઉતરી છે. જેમાંથી મુંબઈ ઈન્ડિયન્સે 18 વખત જીત મેળવી છે, જ્યારે દિલ્હી કેપિટલ્સે 15 વખત જીત મેળવી છે.
વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સે કુલ 79 મેચ રમી છે, જેમાંથી 48 માં તેને જીત મળી છે, 30 મેચમાં હાર થઇ હતી અને 1 મેચ ટાઈ થઈ હતી. બીજી તરફ, દિલ્હી કેપિટલ્સ (DC) એ વાનખેડે સ્ટેડિયમમાં 17 મેચ રમી છે. તેમાંથી તેણે 6 મેચ જીતી છે અને 11માં હારનો સામનો કરવો પડ્યો છે.
મુંબઈની સંભવિત પ્લેઈંગ ઈલેવન:
હાર્દિક પંડ્યા (કેપ્ટન), રોહિત શર્મા, ડેવાલ્ડ બ્રુઈસ, જસપ્રિત બુમરાહ, પીયૂષ ચાવલા, ગેરાલ્ડ કોએત્ઝી, ટિમ ડેવિડ, ઈશાન કિશન (વિકેટકીપર), આકાશ માધવાલ, ક્વેના મફાકા, સૂર્યકુમાર યાદવ.
દિલ્હી કેપિટલ્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન:
પૃથ્વી શો, ડેવિડ વોર્નર, જેક ફ્રેઝર મેકગર્ક, ઋષભ પંત (કેપ્ટન & વિકેટકીપર), ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ, સુમિત કુમાર, રસિક દાર સલામ, એનરિક નોર્ટજે, ઈશાંત શર્મા, ખલીલ અહેમદ.