શાર્દુલ-કોટિયન ફરી મુંબઈની વહારે, જીતવાની આશા અપાવી
રોહિત અને યશસ્વી આક્રમક બૅટિંગના સાધારણ આરંભ બાદ ફરી સસ્તામાં આઉટ થયા
મુંબઈઃ બાન્દ્રા-કુર્લા કૉમ્પ્લેક્સ (બીકેસી)માં જમ્મુ અને કાશ્મીર સામે ચાલતી ચાર દિવસીય રણજી મૅચ (સવારે 9.30 વાગ્યાથી)માં બે દિવસમાં બીજી વાર બે ઑલરાઉન્ડર શાર્દુલ ઠાકુર અને તનુષ કોટિયન મુંબઈની ટીમની વહારે આવ્યા. એટલું જ નહીં, તેમણે ડિફેન્ડિંગ ચૅમ્પિયનને વિજયની આશા પણ અપાવી છે.
આજની બીજા દિવસની રમતને અંતે મુંબઈનો બીજા દાવનો સ્કોર સાત વિકેટે 247 રન હતો. શાર્દુલ ઠાકુર (113 નૉટઆઉટ, 119 બૉલ, સત્તર ફોર) અને તનુષ કોટિયન (58 નૉટઆઉટ, 119 બૉલ, છ ફોર) આઠમી વિકેટ માટેની 173 રનની ભાગીદારી સાથે રમી રહ્યા હતા. પ્રથમ દાવમાં શાર્દુલે 51 રન અને તનુષે 26 રન બનાવ્યા હતા અને તેમની વચ્ચે 63 રનની બહુમૂલ્ય ભાગીદારી થઈ હતી.
જમ્મુ અને કાશ્મીરે પ્રથમ દાવમાં 86 રનની લીડ લીધી હતી અને મુંબઈને બીજા દાવમાં ટૂંકા સ્કોરમાં ઑલઆઉટ કરીને વિજય મેળવવાનો મનસૂબો રાખ્યો હશે, પણ શાર્દુલ-કોટિયનની જોડીએ પહેલા દાવની જેમ બીજા દાવમાં પણ જમ્મુ અને કાશ્મીરના બોલર્સનો સમજદારી અને હિંમતથી સામનો કર્યો હતો.શમ્સ મુલાનીની સાતમી વિકેટ પડી ત્યારે મુંબઈનો સ્કોર 101 રન હતો. જોકે શાર્દુલ-કોટિયને 119-119 બૉલની ઇનિંગ્સ સાથે 173 રનની અતૂટ ભાગીદારી કરી હતી અને હવે શનિવારે તેમની જોડી મુંબઈનો સ્કોર કેટલો આગળ વધારી શકે છે એ જોવું રહ્યું. હજી મોહિત અવસ્થી અને કર્શ કોઠારી બૅટિંગમાં આવવાના બાકી છે.જમ્મુ અને કાશ્મીર વતી ઔકિબ નબીએ સૌથી વધુ ત્રણ વિકેટ તેમ જ ઉમર નઝીર મીર તથા યુધવીર સિંહે બે-બે વિકેટ લીધી હતી.
રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ ઑસ્ટ્રેલિયા ખાતેના નિષ્ફળ પ્રવાસ બાદ ફરી ફૉર્મ મેળવવા અને ડોમેસ્ટિક ક્રિકેટ રમવા મેદાન પર ફરી ઊતરવાની બીસીસીઆઇની સૂચનાને પગલે આ મૅચમાં રમી રહ્યા છે. રોહિતે પહેલા દાવના ત્રણ રન બાદ આજે બીજા દાવમાં 28 રન બનાવીને પેસ બોલર યુધવીર સિંહના બૉલમાં કૅચઆઉટ થયો હતો. તેની 35 બૉલની આ ઇનિંગ્સ આક્રમક હતી જેમાં તેણે ત્રણ સિક્સર અને બે ફોર ફટકારી હતી.
યશસ્વીએ 51 બૉલમાં ચાર ફોરની મદદથી 26 રન બનાવ્યા હતા. તેમની વચ્ચે પહેલી વિકેટ માટે 54 રનની ભાગીદારી થઈ હતી. જોકે 57મા રન સુધીમાં રોહિત ઉપરાંત હાર્દિક તમારે અને યશસ્વીની વિકેટ પડી ચૂકી હતી. કૅપ્ટન અજિંક્ય રહાણે (16), શ્રેયસ ઐયર (17) અને શિવમ દુબે (0) સાવ સસ્તામાં આઉટ થઈ ગયા હતા.એ પહેલાં, જમ્મુ અને કાશ્મીરની ટીમ પ્રથમ દાવમાં 206 રનમાં આઉટ થઈ હતી જેમાં ઓપનર શુભમ ખજુરિયાના 53 રન અને આબિદ મુશ્તાકના 44 રન સામેલ હતા. પેસ બોલર મોહિત અવસ્થીએ સૌથી વધુ પાંચ વિકેટ તેમ જ શાર્દુલ ઠાકુરે બે વિકેટ, સ્પિનર શમ્સ મુલાનીએ પણ બે વિકેટ અને શિવમ દુબેએ એક વિકેટ લીધી હતી. તનુષને વિકેટ નહોતી મળી.પહેલા દાવમાં મુંબઈના માત્ર 120 રન હતા.
અન્ય રણજી મૅચોમાં શું બન્યું?
(1) અમદાવાદામાં ગુજરાતના સિદ્ધાર્થ દેસાઈએ ગુરુવારે એક જ દાવમાં ઉત્તરાખંડની વિક્રમજનક નવ વિકેટ લીધી એને પગલે ઉત્તરાખંડ 111 રનમાં આઉટ થયા બાદ આજે ગુજરાતે પ્રથમ દાવમાં 393 રન બનાવ્યા હતા જેમાં જયમીત પટેલ (121 રન) અને મનન હિંગરાજિયા (116)ના મુખ્ય યોગદાન હતા. ઉત્તરાખંડના મયંક મિશ્રાએ પાંચ વિકેટ લીધી હતી. બીજા દાવમાં ઉત્તરાખંડે ચાર વિકેટે 74 રન બનાવ્યા હતા અને ગુજરાતની ટીમ હજી 208 રનથી આગળ હતી.
(2) બેન્ગલૂરુમાં કર્ણાટકનો રવિચન્દ્રન સ્મરણ (203 રન, 277 બૉલ, ત્રણ સિક્સર, પચીસ ફોર) છવાઈ ગયો હતો. તેણે આ ડબલ સેન્ચુરી પંજાબ સામે ફટકારી હતી અને કર્ણાટકને 475 રનનો તોતિંગ સ્કોર અપાવ્યો હતો. પંજાબે પ્રથમ દાવમાં માત્ર પંચાવન રન બનાવ્યા હોવાથી કર્ણાટકે 420 રનની સરસાઈ લીધી હતી. બીજા દાવમાં પંજાબનો સ્કોર બે વિકેટે 24 રન હતો અને હજી બે દિવસ બાકી હોવાથી પંજાબને માથે મોટો પરાજય તોળાઈ રહ્યો છે.
(3) નાશિકમાં બરોડાના અતિત શેઠની છ વિકેટને કારણે મહારાષ્ટ્રની ટીમ 300 રનના સ્કોર સુધી નહોતી પહોંચી શકી. મહારાષ્ટ્રનો સ્કોર 297 રનના સ્કોર પર સમેટાઈ ગયો હતો. જોકે ત્યાર બાદ બરોડાની ટીમ 145 રને આઉટ થઈ જતાં મહારાષ્ટ્રએ 152 રનની લીડ લીધી હતી. બીજા દાવમાં મહારાષ્ટ્રનો સ્કોર બે વિકેટે 123 રન હતો અને સરસાઈ ઉમેરતાં એના 275 રન હતા. ઋતુરાજ ગાયકવાડ 66 રને દાવમાં હતો અને સિદ્ધેશ વીર 37 રને રમી રહ્યો હતો.
(4) જયપુરમાં વિદર્ભની ટીમ 165 રને આઉટ થઈ ગયા બાદ રાજસ્થાને 265 રન બનાવીને 100 રનની લીડ લીધી હતી. વિદર્ભના હર્ષ દુબેએ સૌથી વધુ પાંચ વિકેટ લીધી હતી. વિદર્ભએ બીજા દાવમાં 84 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી અને વિદર્ભની ટીમ હજી 16 રનથી પાછળ હતી.