
લખનઊ: મુંબઈ ઇન્ડિયન્સે મંગળવારે આરસીબીની જેમ દસમાંથી સાતમી મૅચમાં પરાજય જોયો અને પ્લે-ઑફની રેસમાંથી હાર્દિક પંડ્યાની ટીમ પણ ડુ પ્લેસીની ટીમની માફક માત્ર 6 પોઇન્ટ સાથે લગભગ બહાર થઈ ગઈ. મુંબઈએ આ સીઝનમાં બીજી વખત હૅટ-ટ્રિક પરાજય જોયો.
ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માએ મંગળવારે જીવનના 37 વર્ષ પૂરા કર્યા, પરંતુ તેની આ વરસગાંઠ નિરાશાજનક રહી.
મુંબઈને હરાવવાની સાથે લખનઊના 12 પોઇન્ટ થયા અને આ ટીમ ત્રીજા સ્થાન પર આવી ગઈ છે. રાજસ્થાન (16) પ્રથમ સ્થાને અને કોલકાતા (12) બીજા નંબરે છે. ચેન્નઈ, હૈદરાબાદ 10-10 પોઇન્ટ સાથે અનુક્રમે ચોથા-પાંચમા નંબરે છે.
મંગળવારે મુંબઈએ બૅટિંગ મળ્યા પછી સાત વિકેટે માત્ર 144 રન બનાવ્યા જેના જવાબમાં લખનઊએ 19.2 ઓવરમાં (ચાર બૉલ બાકી રાખીને) 145/6ના સ્કોર સાથે મૅચ ચાર વિકેટે જીતી લીધી હતી.
માર્કસ સ્ટોઈનિસ (62 રન, 45 બૉલ, બે સિક્સર, સાત ફોર) મૅન ઑફ ધ મૅચ ઘોષિત થયો હતો. મુંબઈના બોલર્સમાં હાર્દિકે બે વિકેટ લીધી હતી. કોએટઝી, થુશારા, નબી એક-એક વિકેટ લઈ શક્યા હતા.
કેપ્ટન રાહુલે વિજય માણ્યો, પણ બે વાતે તેને નિરાશ કર્યો. એક, ટી-20 વર્લ્ડ કપ માટેની ટીમમાં રિષભ પંત અને સંજુ સેમસનનું સિલેક્શન થયું, પણ તેને મુખ્ય ટીમ ઉપરાંત સ્ટેન્ડ-બાય ખેલાડીઓમાં પણ જગ્યા ન મળી. બીજું, તેનો ફાસ્ટેસ્ટ બોલર મયંક યાદવ (3.1-0-31-1) ફરી ઈજા પામ્યો.
એ પહેલાં, મુંબઈએ બૅટિંગ મળ્યા બાદ 27 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. પાવરપ્લેની ઓવર્સમાં એના બૅટર્સ માત્ર ત્રણ ફોર ફટકારી શક્યા અને ચાર વિકેટ ગુમાવી દીધી.
બર્થ-ડે બોય રોહિત ચાર રન અને સૂર્યકુમાર 10 રન બનાવીને આઉટ થયો હતો. હાર્દિક પાંચમા નંબરે આવ્યા બાદ પહેલાં જ બૉલમાં હરીફ કેપ્ટન રાહુલને કૅચ આપી આપી બેઠો હતો. તેની વિકેટ અફઘાની બોલર નવીન ઉલ હકે લીધી હતી.
ઈશાન કિશન (32 રન, 36 બૉલ, ત્રણ ફોર) સાવ સાધારણ રમ્યો હતો જયારે નેહલ વઢેરા (46 રન, 41 બૉલ, બે સિક્સર, ચાર ફોર) અને ટીમ ડેવિડ (35 રન, 18 બૉલ, એક સિક્સર, ત્રણ ફોર)ને કારણે મુંબઈને 144 રનનું સન્માનજનક ટોટલ મળ્યું હતું. પાછલી બે મૅચમાં હાફ સેન્ચુરી ફટકારનાર તિલક વર્માને સાત રને બિશ્નોઈએ રનઆઉટ કર્યો હતો.
લખનઊના બોલર્સમાં મોહસિન ખાને સૌથી વધુ બે વિકેટ લીધી હતી.