IPL 2024 ની 68મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ ની ટીમો વચ્ચે બેંગલૂરુના M Chinnaswamy Stadium ખાતે રમાઈ હતી. આ મેચમાં એમએસ ધોનીએ લડાયક ઇનિંગ્સ રમી હતી, પરંતુ તેઓ પોતાની ટીમને જીત સુધી પહોંચાડી શક્યા નહોતા. આ ઈનિંગમાં એમએસ ધોનીએ સિક્સર ફટકારી હતી, જે સ્ટેડિયમની બહાર ગઈ હતી. આ સિક્સ આ સિઝનનો સૌથી લાંબો સિક્સ હતી. ધોનીએ IPL 2024ની સૌથી લાંબી સિક્સ ફટકારી છે. 42 વર્ષની ઉંમરે પણ યુવાન ખેલાડીને શરમાવે એ રીતે ધોનીએ સિક્સ ફટકારી હતી, જેની લોકો પ્રશંસા કરી રહ્યા છે. ધોનીને આમ સિક્સર ફટકારતા જોઇને બોલર પણ સ્તબ્ધ થઇ ગયો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે આ જ મેદાન પર સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 108 મીટર લાંબી સિક્સ ફટકારી હતી. આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે જીત મેળવીને પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.
ધોનીએ 13 બોલમાં 25 રનની ઇનિંગ રમી હતી. તેણે 192.31ના સ્ટ્રાઈક રેટથી 3 ચોગ્ગા અને 1 છગ્ગા ફટકાર્યા હતા. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા RCBની ટીમે 20 ઓવરમાં 218 રન બનાવ્યા હતા. આ પછી, પ્લેઓફમાં પોતાનું સ્થાન સીલ કરવા માટે, તેઓએ 201 રનના સ્કોર પહેલા CSKની ટીમને અટકાવવાની હતી, જેમાં તેઓ સફળ રહ્યા હતા. 219 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ 20 ઓવરમાં માત્ર 191 રન જ બનાવી શકી હતી અને 27 રનથી હારી ગઇ હતી.